ચેન્નાઈ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું ફંગલ શનિવાર સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે. તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
આ કારણે શનિવારે તમામ શાળા-કોલેજો બંધ રહેશે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, 28 નવેમ્બરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાવા લાગી હતી.
ચોમાસા પછીની સિઝનમાં ભારતને અસર કરતું આ બીજું વાવાઝોડું છે. અગાઉ ઓક્ટોબરના એન્ડમાં દાના વાવાઝોડું આવ્યું હતું.
વાવાઝોડાનો રુટ..
IMDના જણાવ્યા અનુસાર તોફાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
તમિલનાડુમાં વાવાઝોડાની સૌથી વધુ અસર
વાવાઝોડાની સૌથી વધુ અસર તમિલનાડુમાં થઈ રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં 800 એકરથી વધુ પાક સંપૂર્ણપણે નુકશાન થયો છે. આ સિવાય કામેશ્વરમ, વિરુન્ધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કાલ્લીમેડુ, ઈરાવાયલ અને ચેમ્બોડી જિલ્લા પણ વાવાઝોડાની ઝપેટમાં છે. ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. 3 ડિસેમ્બર સુધી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
વાવાઝોડાને પહોંચી વળવા શું છે તૈયારીઓ?
- ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તેની ડિઝાસ્ટર રિસ્પોન્સ સિસ્ટમને એક્ટિવ કરી છે. વાહનોમાં ખોરાક, પીવાનું પાણી અને દવાઓ સહિતની આવશ્યક રાહત સામગ્રીઓ ભરવામાં આવી રહી છે. ફ્લડ રિસ્પોન્સ ટીમો પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
- તામિલનાડુએ કટોકટીનો સામનો કરવા માટે બે ટોલ ફ્રી નંબર 112 અને 1077 જાહેર કર્યા છે. આ ઉપરાંત એક વોટ્સએપ નંબર 9488981070 પણ જાહેર કરવામાં આવ્યો છે.
- રાજ્યએ લગભગ 2 હજાર રાહત શિબિરો તૈયાર કરી છે. તિરુવરુર અને નાગાપટ્ટિનમ જિલ્લામાં 6 રાહત કેન્દ્રોમાં 164 પરિવારોના કુલ 471 લોકોને આવાસ આપવામાં આવ્યા છે.
- તમિલનાડુ સરકારે કહ્યું કે હવામાન વિભાગની ચેતવણી બાદ લગભગ 4 હજાર બોટ દરિયામાંથી પરત ફરી છે.
- જિલ્લાઓમાં બોટ, જનરેટર, મોટર પંપ અને અન્ય તમામ જરૂરી મશીનરી અને સાધનો તૈયાર છે.
- ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
- તેમજ બીચ નજીકના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
- એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડા સાથે જોડાયેલી 3 તસવીરો…
તસવીર તમિલનાડુના નાગાપટ્ટિનમની છે. હવામાન વિભાગની ચેતવણી બાદ 4 હજાર જેટલી બોટો કિનારે પરત આવી છે.
વાવાઝોડાની ચેતવણી બાદ માછીમારો દરિયામાંથી પરત ફર્યા છે, પરંતુ દરિયાકિનારા પરથી જ માછલી પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તસવીર ચેન્નાઈની છે.
મહાબલીપુરમમાં ભારે ભરતી સાથે દરિયાના ઊંચા મોજા જોવા મળ્યા હતા.
સાઉદી અરેબિયાએ તોફાનને ‘ફેંગલ’ નામ આપ્યું
આ તોફાનનું નામ ‘ફેંગલ’ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (UNESCAP) ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે.
ચક્રવાતનાં નામ પસંદ કરતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામો ઉચ્ચારવામાં સરળ, યાદ રાખવામાં સરળ અને સાંસ્કૃતિક રીતે ન્યાયી છે. ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ એવા હોવા જોઈએ કે તે વિવિધ પ્રદેશો અને ભાષાઓ વચ્ચે કોઈ વિવાદ ન સર્જે કે કોઈનું અપમાન ન થાય.