આજે એક જ દિવસે બનેલી બે ઘટનાની કોન્ટ્રોવર્સીની વાત…
.
પહેલી ઘટના યુટ્યૂબ પર પીરસાતા વલ્ગર કલ્ચરની છે.
બીજી વાત છે મહારાષ્ટ્રના કોંગ્રેસી સાંસદ ઈમરાન પ્રતાપગઢીની કવિતાની. એમાં ગુજરાત સરકારે ફરિયાદ દાખલ કરી હતી અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સાંસદની કવિતા સમજવામાં ગુજરાત પોલીસથી કોઈ ભૂલ થઈ લાગે છે.
નમસ્કાર,
યુટ્યૂબ પર સ્ટેન્ડઅપ કોમેડી કલ્ચર શરૂ થયું ત્યારથી ડાર્ક કોમેડીના નામે ‘ડિજિટલ ટેરરિસ્ટ’ ફૂટી નીકળ્યા છે. મન ફાવે એવું બોલવાનું, મન ફાવે એવું વર્તન કરવાનું, કારણ કે આ લોકો એ નથી જાણતા કે વિચારોને ભલે હદ નથી, પણ અભિવ્યક્તિની હદ તો હોય જ છે. યુટ્યૂબ પર ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ નામનો સ્ટેન્ડઅપ કોમેડી શો આવે છે. એમાં આવેલી ‘વલ્ગર’ પેનલે જાતજાતની અભદ્ર કોમેન્ટ કરી. હાજર ઓડિયન્સ ઘડીક તો સ્તબ્ધ થઈ ગયું. પછી એપિસોડ ટેલિકાસ્ટ થતાં જ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો, તેના સંચાલક સમય રૈના, પેનલમાં ગેસ્ટ તરીકે આવેલા રણવીર અલ્લાહાબાદિયા અને યુટ્યૂબર યુવતી અપૂર્વ મખીજા પર સોશિયલ મીડિયામાં તડાપીટ બોલી. આ ત્રણેય સામે મુંબઈ પોલીસે FIR પણ દાખલ કરી દીધી છે. આમાં હ્યુમન રાઇટ્સ કમિશન અને મહિલા આયોગ પણ આકરાપાણીએ છે.
પહેલા યુટ્યૂબના વિવાદની વાત જાણીએ…
શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહાબાદિયા તાજેતરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. મહિલા યુટ્યૂબર્સ અપૂર્વ મખીજા તો ખુલ્લેઆમ વલ્ગર શબ્દો બોલતી હતી. આને કારણે આ શો અત્યારે વિવાદમાં ફસાયો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગમાં પણ ફરિયાદ મોકલી છે.
પેનલ ગેસ્ટનું જ વલ્ગર કલ્ચર
આ વખતે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના લેટેસ્ટ એપિસોડમાં આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને યુટ્યૂબર યુવતી અપૂર્વ મખીજા જેવાં કન્ટેન્ટ સર્જકોને ગેસ્ટ પેનલ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં. અપૂર્વ મખીજા ઇન્સ્ટાગ્રામ પર ‘ધ રેબેલ કિડ’ તરીકે ઓળખાય છે. જ્યારે રણવીર અલ્લાહાબાદિયા જાણીતો યુટ્યૂબર, પોડકાસ્ટર અને બિઝનેસમેન છે. આ શો જોયા પછી યુઝર્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે રણવીર અને અપૂર્વએ ડાર્ક કોમેડીની આડમાં વલ્ગારિટી રજૂ કરી છે. જે શો છે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’, એનો સંચાલક સમય રૈના અગાઉ પણ વલ્ગર કોમેન્ટના વિવાદમાં સપડાઈ ચૂક્યો છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કંઈપણ પીરસાય છે
ભારતમાં સારું અને પોઝિટિવ કન્ટેન્ટ આપતા હોય તેવા યુટ્યૂબર્સની ખોટ નથી, પણ જેને યંગ કહી શકાય તેવા પોપ્યુલર ચહેરાઓ જ્યારે પોતાનું અસલી રૂપ બતાવે છે ત્યારે તે હાંસિયામાં ધકેલાઈ જાય છે અને તેની કારકિર્દી અહીં જ ખતમ થઈ જાય છે. રણવીર અલ્લાહાબાદિયા સાથે પણ એવું જ થવાનું છે. એનું કારણ એ છે કે તેનો પોડકાસ્ટ અધ્યાત્મિક વાતો માટે જોવાય છે. સાધકો, સંતો, સ્પિરિચ્યુઅલ અભ્યાસ કરનારાઓ તેના પોડકાસ્ટમાં આવે છે અને હિમાલયની પવિત્રતા, રુદ્રાક્ષની મહત્તા, હનુમાનની ભક્તિની વાતો કરે છે. આને કારણે રણવીરનો પોડકાસ્ટ શો વધારે જોવાય છે, પણ જ્યારે તે બીજા શોમાં જઈને કોઈ વિચારી ન શકે એટલી નિમ્ન કક્ષાની વાતો કરે છે ત્યારે વ્યૂઅર્સને આંચકો લાગે છે. આ આંચકો લાગ્યો એટલે જ વ્યૂઅર્સ વીફર્યા છે.
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો ડોગ મીટ મુદ્દે પણ વિવાદમાં આવ્યો હતો
યુટ્યૂબના આ શોમાં ગયા અઠવાડિયે અરુણાચલની જેસ્સી નબામ શોમાં આવી હતી. તેને સમય રૈનાએ પૂછ્યું કે તેં ક્યારેય ડોગ મીટ ખાધું છે. તેના જવાબમાં જેસ્સી નબામે કહ્યું, અરુણાચલના લોકો ડોગ મીટ ખાય છે, પણ મેં ક્યારેય નથી ખાધું. મને એટલે ખબર છે કે મારા ફ્રેન્ડ્સ ઘણીવાર તેના પાલતું ડોગને પણ ખાય જાય છે. ત્યારે પેનલમાં જેટલા લોકો બેઠા હતા ત્યારે તેણે કહેલું કે તું આ બધું જાણીજોઈને કહી રહી છે? આ વીડિયો-ક્લિપ બહુ વાઇરલ થઈ હતી અને સમય રૈનાની અને નબામની ટીકા થઈ હતી. પછીથી જેસ્સી નબામ સામે FIR દાખલ થઈ હતી. આ ફરિયાદ અરુણાચલના રહેવાસી અરમાન બકાએ નોંધાવી છે. અરમાને જણાવ્યું હતું કે જેસ્સી નબામે અરુણાચલના લોકો સામે જે ટિપ્પણી કરી છે એટલે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. જેસ્સી નબામે આખા રાજ્યને બદનામ કર્યું છે. તેણે પહેલા તેના માતા-પિતાની માફી માગવી જોઈએ અને પછી અરુણાચલવાસીઓની માફી માગવી જોઈએ. નેશનલ લેવલે આવા શો ટેલિકાસ્ટ થતા હોય ત્યારે સારી વાતો પીરસાય એ જરૂરી છે.
હવે સાંસદ ઈમરાન પ્રતાપગઢીની કવિતાની વાત…
શું હતો આખો મામલો?
એક મહિના પહેલાં જામનગરમાં મુસ્લિમ સમાજમાં સમૂહ 51 નિકાહ હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી હાજર રહ્યા હતા. તેઓ એ નિકાહમાં પહોંચે છે એવો વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક કવિતા બોલાય છે. ‘એ ખૂન કે પ્યાસો બાત સુનો..’ આ વીડિયોને કોઈએ વાઇરલ કરીને ઉશ્કેરણીજનક ગણાવતાં જામનગર પોલીસે સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે ફરિયાદ નોંધી હતી. જામનગર પોલીસે બીએનએસ 196, 198, 302, 299, 57, 3(5) કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, પણ ફરિયાદ રદ ન થઈ
સાંસદ ઈમરાન પ્રતાપગઢી પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં આ ઉશ્કેરણીજનક ગીતને ‘પ્રેમ અને અહિંસા’નો સંદેશ આપતું દર્શાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નહીં. હાઈકોર્ટે કહ્યું હતું કે કવિતાનો ભાવ જોતાં સ્પષ્ટ જણાય છે કે એમાં ‘ગાદી’ કે ‘સત્તા’ વિશે વાત કરવામાં આવી છે. વધુમાં, પોસ્ટ પર જે પ્રતિક્રિયાઓ આવી છે એનાથી પણ સ્પષ્ટ થાય છે કે સંદેશ એ રીતે આપવામાં આવ્યો હતો, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચે. માટે પોલીસ તપાસમાં સહયોગ કરો. ફરિયાદ રદ નહીં થાય.
સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને આડેહાથ લીધી, કહ્યું – અબ દિમાગ લગાકર આના…
સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ FIR નોંધવાના મામલે ગુજરાત પોલીસને સવાલ ઉઠાવ્યા છે. ન્યાયાધીશ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટે પ્રતાપગઢીની FIR રદ કરવાની અરજી ફગાવી દીધી હતી, કારણ કે તે કવિતાના અર્થને સમજતી નથી. આ એક કવિતા છે. એ કોઈપણ ધર્મના વિરુદ્ધ નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે જો કોઈ હિંસામાં સામેલ થાય તોપણ આપણે હિંસામાં સામેલ થઈશું નહીં. કવિતા આ સંદેશ આપે છે. તે કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નથી.
આ સુનાવણી દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રતાપગઢી વતી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે એવું કહ્યું, ગુજરાત હાઇકોર્ટે કવિતાનો મર્મ ન સમજીને ફરિયાદ રદ ન કરી. મારી ચિંતા એ છે કે જજે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું.
સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસનો પણ ઊધડો લીધો હતો. રાજ્યના વકીલે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો, એટલે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી ત્રણ અઠવાડિયાં માટે મુલતવી રાખી છે, પણ સુપ્રીમ કોર્ટની બેન્ચે રાજ્યના વકીલને કહ્યું, અગલી બાર દિમાગ લગાકર આના… સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ પ્રતાપગઢી વિરુદ્ધ ઉશ્કેરણીજનક ગીતનો એડિટેડ વીડિયો પોસ્ટ કરવાના આરોપસર કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલું જ નહીં, ગુજરાત સરકાર અને ફરિયાદી કિશન દીપકભાઈ નંદાને તેમની અરજી પર નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.
છેલ્લે,
‘બોલવામાં પ્રતિષ્ઠા ન છોડો, ગાળો આપવી એ કાયરોનું કામ છે.’
– સરદાર વલ્લભભાઈ પટેલ
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ – યશપાલ બક્ષી)