કેજરીવાલનો ઉદય જે દિલ્હીના રામલીલા મેદાનમાંથી થયો હતો એ જ મેદાનમાં 27 વર્ષ પછી ભાજપે સત્તારોહણનો સમારોહ રાખ્યો છે. આજથી 14 વર્ષ પહેલાં કેજરીવાલ અહીંથી ભારત માતા કી જય અને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવીને સત્તાની સીડી ચઢ્યા હતા.
.
નમસ્કાર,
ભાજપના ધારાસભ્યોની મિટિંગ મળે તે પહેલાં RSSએ મુખ્યમંત્રી માટે રેખા ગુપ્તાના નામની ભલામણ કરી. ભાજપે ભલામણ સ્વીકારી ને સંઘની ભલામણ માન્ય રાખીને ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યાં છે. દિલ્હીમાં શિલા દીક્ષિત પછી આ ચોથા મહિલા મુખ્યમંત્રી છે અને ભાજપના બીજા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીમાં ભાજપને જીતાડવામાં જેની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે તેવા કેટલાક ચહેરાઓના નામ પર અટકળો ચાલતી હતી. ભાજપનું શાસન 21 રાજ્યોમાં છે પણ રેખા ગુપ્તા એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હશે. રાજસ્થાનમાં દીયા કુમારી નાયબ મુખ્યમંત્રી છે.
મુખ્યમંત્રીના નામમાં ભાજપ કાયમ આશ્ચર્ય સર્જે છે! જ્યાં પણ ભાજપની સત્તા આવે ત્યાં મુખ્યમંત્રી તરીકે નામ નક્કી કરવા ભાજપની પેટર્ન એવી રહી છે કે, કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું નામ સામે આવી જાય. તેમ છતાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થતાં પહેલાં કેટલાક નામની અટકળો ચાલુ થઈ જાય છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પણ 6 નામ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ 15 ધારાસભ્યોના નામ જાહેર કર્યા છે. તેમાંથી 9 નામો શોર્ટલિસ્ટ થયા છે. આ 9 નામોમાંથી મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે. બિહાર અને પંજાબની ચૂંટણીઓ ઉપરાંત, જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવશે. દિલ્હીમાં જે નામ ચર્ચામાં રહ્યા તેમાં, રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહ, શીખા રાય, પ્રવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા, રાજકુમાર ભાટિયા અને જીતેન્દ્ર મહાજનનો સમાવેશ થતો હતો. ભાજપની, ખાસ કરીને મોદીની એ ફાવટ રહી છે કે, જેના નામ ચાલતા હોય તેમાંથી કોઈને મુખ્યમંત્રી ન પણ બનાવે.
આ વખતે ભાજપના નિર્ણય પહેલાં સંઘે સોગઠી મારી થાય છે એવું કે જ્યારે જ્યારે ભાજપને કોઈ રાજ્યમાં સત્તા મળી હોય અને ત્યાં મુખ્યમંત્રી પદ માટે ચહેરો જાહેર થાય ત્યારે ઘણાના નાકનાં ટેરવાં ચડી જાય. કોઈના મોઢાં પડી જાય. દિલ્હી એવું રાજ્ય છે જ્યાં અઢી દાયકા પછી ભાજપના હાથમાં સત્તા આવી છે. એટલે અત્યાર સુધી ભાજપને વફાદાર રહ્યા હોય તેવા ધારાસભ્યોને મુખ્યમંત્રી પદ મેળવવું હોય. ભાજપ માટે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવાનું સૌથી કઠીન દિલ્હીમાં હતું. સીએમનો ચહેરો નક્કી થતાં થતાં 11 દિવસ નીકળી ગયા. અંતે શપથગ્રહણ સમારોહના આગલા દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે રેખા ગુપ્તાના નામની ભલામણ કરી ને ભાજપે ભલામણ સ્વીકારી લીધી. જેનું મુખ્યમંત્રી તરીકે નામ ચાલતું હતું તે પ્રવેશ વર્માએ જ રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂક્યો.
કોણ છે રેખા ગુપ્તા? 50 વર્ષના રેખા ગુપ્તા શાલીમાર બાગ સીટ પરથી ચૂંટાયાં છે. દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. રેખા ગુપ્તા દક્ષિણ દિલ્હીના મેયર પણ રહી ચૂક્યાં છે.
ગુરુવારે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું શિડ્યુઅલ 11:12 મહેમાનોનું આગમન 12:10 ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓનું આગમન 12:15 દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું આગમન 12:20 કેન્દ્રીય મંત્રીઓનું આગમન 12:25 વડાપ્રધાન મોદીનું આગમન 12:30 રાષ્ટ્રગાન, પોલીસ બેન્ડ 12:31 મુખ્યમંત્રી અને મંત્રીઓની શપથવિધિ શરૂ 12:59 રાષ્ટ્રગાન, પોલીસ બેન્ડ 1:00 શપથ ગ્રહણ સમારોહનું સમાપન
આ પહેલાં પણ ભાજપ આશ્ચર્ય સર્જી ચૂક્યો છે મુખ્યમંત્રીના નામમાં નરેન્દ્રભાઈ બધાને ચોંકાવે છે એ વાત તો બધાને જ ખબર છે, પણ હવે એ વાત ધીમે ધીમે સ્પષ્ટ થઈ ગઈ છે કે જે સામાન્ય કાર્યકરની જેમ વર્તે છે તેમને આગળનું સ્થાન મળે છે. મામા શિવરાજ અને વસુંધરાને સિફતપૂર્વક તેમણે મુખ્યમંત્રીપદની રેસમાંથી હટાવી દીધાં હતાં. રાજસ્થાન, મધ્યપ્રદેશ ને છત્તીસગઢમાં પણ આવી જ સરપ્રાઈઝ આપી હતી. આપણે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે છત્તીસગઢનો દાખલો લેવાની ક્યાં જરૂર છે? ઘરઆંગણે આપણા ભૂપેન્દ્રભાઈ પણ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે મળેલી ધારાસભ્યોની બેઠકમાં છેક છેડે બેઠા હતા. જે દિવસે તેમના નામની પસંદગી થઈ એ દિવસે તો સવારે એ મતવિસ્તારમાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા.
ભાજપમાં ન્યૂ એજ પોલિટિક્સની અને નવતર પ્રયોગ કરવાની શરૂઆત નરેન્દ્રભાઇએ સંગઠનમાં હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી કરી હતી. નો રિપીટ, ઉંમરના બાધ, એન્ટિ ઇન્કમ્બન્સી, પરિવારવાદ આ બધામાં તેમણે નવા માપદંડો બનાવ્યા છે. પોતાના ઘર ગુજરાતમાં જ સાબિત કરેલી ફોર્મ્યુલા હવે બધાં રાજ્યોમાં લાગુ કરી દીધી છે.
નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનાવવા માટે ત્રણ બાબત ધ્યાનમાં રાખે છે.
- બિનવિવાદાસ્પદ ચહેરો
- ભ્રષ્ટાચારનો આક્ષેપ ન હોવો જોઈએ
- સંગઠનને સાથે તાલમેલ કરીને ચાલે એવી વ્યક્તિ
ગુજરાત: ભૂપેન્દ્ર પટેલ : પાટીદાર ફેક્ટર. (CM બન્યા ત્યારે 59 વર્ષના હતા) 2010થી 2017 સુધી AMCમાં સ્થાયી સમિતિના ચેરમેન રહ્યા. પછી ઔડામાં બે વર્ષ હતા અને તેમણે અમલદારો અને રાજકારણીઓ વચ્ચેનો તણાવ દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
છત્તીસગઢ : વિષ્ણુદેવ સાય : આદિવાસી ફેક્ટર, (CM બન્યા ત્યારે 59 વર્ષના હતા) લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી ત્યારે મોદીએ આ નિર્ણય કર્યો હતો. છત્તીસગઢમાં હંમેશાંથી સ્થાનિક અને આદિવાસી મુખ્યમંત્રીની માગ રહી છે, એ ધ્યાનમાં રાખ્યું. સાયને લગભગ 35 વર્ષનો રાજકીય અનુભવ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠન ચલાવવાનો પણ અનુભવ છે. સરપંચ પદથી શરૂઆત, 4 વખત સાંસદ, 2 વાર ધારાસભ્ય રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા. નરેન્દ્ર મોદીની પહેલી કેબિનેટમાં સ્ટીલમંત્રી હતા. અમિત શાહે છત્તીસગઢની સભામાં કહેલું, તમે વિષ્ણુદેવને જિતાડો અમે તેમને મોટા માણસ બનાવીશું. 32 ટકા આદિવાસી મત ધરાવતા છત્તીસગઢમાં તેમણે આદિવાસી નેતા વિષ્ણુદેવને આગળ કરી દીધા.
મધ્યપ્રદેશ : મોહન યાદવ : OBC ફેક્ટર. (CM બન્યા ત્યારે 58 વર્ષના હતા) ઉજ્જૈનના મોહન યાદવ 1984થી એબીવીપીના કાર્યકર રહ્યા છે અને ભાજપ માટે વર્ષોથી સામાન્ય કાર્યકર તરીકે બૂથવાઇઝ કામ કર્યું. 2013 અને 2018માં બે વખત ધારાસભ્ય બન્યા અને શિવરાજ સરકારમાં એકવાર શિક્ષણમંત્રી રહ્યા. આ દરમિયાન તેમનું રિપોર્ટ કાર્ડ કાઢવામાં આવ્યું અને કળશ તેમના પર ઢોળાયો. મધ્યપ્રદેશમાં તેમણે ઓબીસી યાદવ નેતા મોહન યાદવને આગળ કરી દીધા. દલિત સમાજના જગદીશ દેવડા અને બ્રાહ્મણ સમાજના રાજેન્દ્ર શુક્લને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.
રાજસ્થાન: ભજનલાલ શર્મા : (CM બન્યા ત્યારે 55 વર્ષના હતા) જયપુરની સાંગાનેર બેઠક પરથી પહેલી જ વાર ટિકિટ મળી. પહેલી જ વાર ચૂંટણી જીત્યા અને મુખ્યમંત્રી બની ગયા. આમ તો ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા. રાજસ્થાન ભાજપના પ્રદેશ મહામંત્રી રહ્યા. ભરતપુરમાં જિલ્લા મોરચાના અધ્યક્ષ હતા. રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી સાથે રાજપૂત સમાજનાં દિયાકુમારી અને દલિત સમાજના પ્રેમચંદ બિરવાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યાં.
ગુજરાતમાં રૂપાણીએ રાજીનામું આપ્યું પછીની બધી અટકળો ખોટી પડી આપણે ત્યાં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે, એવી વાતોએ જોર પકડ્યું હતું. બીજા ચાર-પાંચ નામ વહેતાં થયાં હતાં. એવામાં કમલમના આ કાર્યક્રમમાં છેલ્લી બેન્ચે બેઠેલા ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થતાં સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. ભૂપેન્દ્રભાઈને પણ બે ઘડી કાંઈ સૂઝ્યું નહીં. ભાજપમાં ઘમંડને એન્ટ્રી નથી. શિવરાજસિંહ ચૌહાણને અભિમાન આવી ગયું હતું કે લાડલી બહેના યોજનાના કારણે જ MPમાં ભાજપ સત્તામાં આવ્યો. મધ્યપ્રદેશના કદાવર નેતા કૈલાસ વિજય વર્ગીયનું નામ આગળ હતું, પણ તેમને વિવાદ નડી ગયો. એવું જ વસુંધરાનું થયું.
ભાજપ 2018ના મોડમાં આવ્યો, 21 રાજ્યોમાં સરકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી, ભાજપ અથવા NDA સરકાર 28માંથી 21 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે. ભાજપ તેની 2018ની સ્થિતિ પર પાછો આવી ગયો છે. ત્યારે પણ ભાજપ કે એનડીએની દેશના 21 રાજ્યોમાં સત્તા હતી. દિલ્હીના ચૂંટણી પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. દિલ્હીમાં બે વાર 60 થી વધુ બેઠકો જીતનાર AAP આ વખતે 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજી ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી ભાજપ અથવા NDAએ 8 રાજ્યોની ચૂંટણીમાંથી 5 રાજ્યોમાં જીત મેળવી. જેમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, હરિયાણા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં વિરોધ પક્ષોની સરકારો આવી.
છેલ્લે, મુખ્યમંત્રીની શપથવિધિનો સમય પહેલાં સાંજે રાખવામાં આવ્યો હતો પછી ફેરફાર કરીને તેને બપોરે 12થી 1 વચ્ચે રાખવામાં આવ્યો. આની પાછળ તર્ક છે.
- સવારે 10 વાગ્યા પછી આઠમની તિથિ છે. શાસન સંભાળવા માટે આઠમની તિથિ શુભ મનાય છે.
- વિશાખા નક્ષત્ર છે તેના સ્વામી ઈન્દ્ર દેવ છે. ઈન્દ્ર એટલે રાજા. જે પણ આ નક્ષત્રમાં શપથ લે તે સુદ્રઢ રીતે શાસન કરી શકે.
- આ સિવાય 7 શુભ યોગ બની રહ્યા છે. ધ્રુવ યોગ, વ્યાઘાત યોગ, પ્રીતિ યોગ, બુધાદિત્ય યોગ, શશ રાજયોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ.
ભાજપા માને છે કે આ યોગમાં શપથ લેવાથી આપ-દા નહીં આવે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )