ચંદીગઢ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ તસવીર વર્ષ 2023ની છે. હરિયાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી, જ્યારે નાયબ સૈની પહેલીવાર રોહતકમાં પાર્ટીના સ્ટેટ હેડક્વાર્ટરમાં કાર્યભાર સંભાળવા પહોંચ્યા, ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીમાં કાર્યાલયના ગેટ પર દંડવત પ્રણામ કર્યા અને પછી અંદર પ્રવેશ્યા હતા.
ભાજપ હાઈકમાન્ડે લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં પોતાના સીએમ બદલ્યા છે. મંગળવારે મનોહર લાલ ખટ્ટરે જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ગઠબંધન તોડીને તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે રાજીનામું આપ્યું હતું. આ પછી યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીને નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે તેઓ હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે.
OBC સમુદાયમાંથી આવતા નાયબ સૈની કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી પાર્ટીના સાંસદ છે. ધારાસભ્ય બન્યા વિના, સૈની 6 મહિના સુધી મુખ્યમંત્રી રહી શકે છે અને આ સમયગાળામાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. એટલે કે નાયબ સૈની એમએલએ બન્યા વિના તેમની સરકારનો કાર્યકાળ પૂરો કરશે.
નાયબ સૈનીએ તેમની રાજકીય કારકિર્દી અંબાલામાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પદથી શરૂ કરી હતી. તેઓ સાડા 9 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા મનોહર લાલ ખટ્ટરના નજીકના છે. પાર્ટીએ 27 ઓક્ટોબર 2023ના રોજ જાટ સમુદાયમાંથી આવતા ઓમપ્રકાશ ધનખરને હટાવીને નાયબ સૈનીને હરિયાણા ભાજપના અધ્યક્ષ બનાવ્યા હતા.
હરિયાણામાં 22.2% જાટ મતદારો પછી OBC વોટ બેંક બીજા ક્રમે છે. OBC મતદારો કુલ વસ્તીના 21% છે. હરિયાણામાં ભાજપ હંમેશા નોન-જાટની રાજનીતિ કરે છે અને સૈનીને મુખ્યમંત્રી તરીકે ચૂંટીને પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં પણ આ જ માર્ગ પર ચાલશે.
અંબાલાના એક નાનકડા ગામમાં થયો હતો
નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલા જિલ્લાના એક નાનકડા ગામ મિઝાપુર માજરામાં થયો હતો. તેમણે બિહારના મુઝફ્ફરપુરમાં બીઆર આંબેડકર બિહાર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. આ પછી તેએ રાજકારણમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સૈની પાસે સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 1996થી હરિયાણા બીજેપીના સંગઠનમાં કામ કરી રહ્યા છે. 2002માં, તેઓ અંબાલામાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના જિલ્લા મહામંત્રી બન્યા હતા.
બીજેવાયએમથી શરૂઆત કરી, મંત્રી અને સાંસદ બન્યા
2005માં, નાયબ સૈની અંબાલામાં બીજેવાયએમના જિલ્લા અધ્યક્ષ બન્યા. જે બાદ તેમને પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં, નાયબ સૈનીને બઢતી આપવામાં આવી અને અંબાલામાં ભાજપના જિલ્લા પ્રમુખ બન્યા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ તેમને અંબાલા જિલ્લાની નારાયણગઢ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી, જ્યાંથી તેઓ જીત્યા હતા..
સૈની મનોહર લાલના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2016માં રાજ્યમંત્રી બન્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને કુરુક્ષેત્ર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. નાયબ સૈનીને 6,86,588 મત મળ્યા અને તેમણે કોંગ્રેસના નિર્મલ સિંહને 3,84,591 મતોથી હરાવ્યા હતા.
ભાજપે તેમને 27 ઓક્ટોબર 2023ના રોજ હરિયાણામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.
નાયબ સૈનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં ચા પર ચર્ચા કરી છે.
33 લાખ સંપત્તિના માલિક
2019ની લોકસભા ચૂંટણીમાં આપવામાં આવેલી ચૂંટણી એફિડેવિટ મુજબ, નાયબ સિંહ સૈની પાસે કુલ 33 લાખ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમની પત્ની પાસે 11 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. દંપતી પાસે કુલ 2 લાખ 85 હજાર રૂપિયા રોકડા પણ છે.
તેમના પરિવારમાં માતા કુલવંત કૌર, પુત્રી વંશિકા અને પુત્ર અનિકેત સૈની છે. તેમના માતાના ખાતામાં 5 વર્ષ પહેલા 71 હજાર રૂપિયા હતા, જ્યારે પુત્રી વંશિકાના ખાતામાં 2 લાખ 93 હજાર અને પુત્રના ખાતામાં 3 લાખ 29 હજાર રૂપિયા હતા. તેમની પત્નીના સેવિંગ એકાઉન્ટમાં 4 લાખ 70 હજાર રૂપિયા હતા. નાયબ સિંહના પોતાના બેંક ખાતામાં 2.25 લાખ રૂપિયા હતા.
આ તસવીર વર્ષ 2022માં યોજાયેલી પંચાયત ચૂંટણીની છે. ભાજપે અંબાલા જિલ્લા પંચાયતમાં નાયબ સૈનીની પત્ની સુમન સૈનીને ટિકિટ આપી. સૈનીએ તેમની પત્ની માટે ખુબ પ્રચાર કર્યો, પરંતુ સુમન સૈની હારી ગયા હતા.
સૈની તેમના પત્નીને જીતાડી શક્યા નહોતા
નાયબ સૈનીની પત્ની સુમન સૈનીએ પણ નવેમ્બર 2022માં યોજાયેલી પંચાયતની ચૂંટણી લડી હતી. ભાજપે તેમને અંબાલાના વોર્ડ નંબર 4માંથી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા. તે દરમિયાન તેમના સાંસદ પતિ નાયબ સૈનીએ તેમના માટે ઘણો પ્રચાર કર્યો હતો. જો કે સુમન સૈની ચૂંટણી હારી ગયા હતા.
નાયબ સિંહ સૈની 2 દિવસ પહેલા કુરુક્ષેત્ર અને સોનીપતમાં બીજેપી સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય સાથે.
હરિયાણવી ગાયક અમિત સૈની રોહતકિયા સાથે નાયબ સૈની. નાયબ સૈનીના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિતે “BJP કા અધ્યક્ષ બના દિયા” ગીત લોન્ચ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો…
નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે: ખટ્ટરના રાજીનામા બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પસંદગી કરાઈ
કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે. સીએમ મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ તેમને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૈની મનોહર લાલની નજીકના છે. થોડા સમય પહેલા તેમને હરિયાણામાં બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.