નવી દિલ્હી43 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર શનિવારે (20 એપ્રિલ) રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન માંગ્યા છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ મનીષની અરજી પર સુનાવણી કરતા CBI અને EDને નોટિસ પાઠવી હતી.
મનીષ લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ, EDએ CBIની FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. માર્ચ 2024માં સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેના પર સુનાવણી બાકી છે.
બીમાર પત્નીને ટાંકીને જામીન માંગ્યા હતા, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી
પત્નીની બીમારીના આધારે મનીષે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ તત્કાલીન જસ્ટિસ દિનેશ શર્માએ 3 જુલાઈના રોજ કહ્યું હતું કે આરોપો ખૂબ જ ગંભીર છે, તેથી તેમને 6 અઠવાડિયા સુધી મુક્ત કરવા મુશ્કેલ છે.
જો કે કોર્ટે પત્નીને મળવાની મંજુરી આપી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જે દિવસે સીમા સિસોદિયા ઈચ્છે તે દિવસે મનીષ સિસોદિયાને તેમની પત્નીને મળવા માટે સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે ઘરે લઈ જવામાં આવે. પરંતુ પોલીસ કમિશનરે ધ્યાન રાખવું જોઈએ કે મીડિયા ઘરની બહાર હાજર ન રહે.
પરંતુ હાઈકોર્ટની સૂચના બાદ પણ મનીષ તેની પત્નીને મળી શક્યા નહોતા. ખરેખરમાં, મનીષ તેની પત્નીને મળવા ઘરે પહોંચે તે પહેલા જ તેની પત્નીની તબિયત બગડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોર્ટે સિસોદિયાને સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ઘરે જવાની અને પત્નીને મળવાની મંજૂરી આપી હતી. તેની પાસે હોસ્પિટલમાં જઈને મળવાની મંજુરી નહોતી. જેના કારણે સિસોદિયા પોતાની પત્નીને મળી શક્યા ન હતા અને સાત કલાક બાદ તિહાર જેલમાં પરત ફર્યા હતા. મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયા મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારીથી પીડિત છે.
આ પહેલા પણ 30 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી હોવાના કારણે તેઓ એક હાઈ પ્રોફાઈલ વ્યક્તિ છે જે સાક્ષીઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
સુપ્રીમ કોર્ટે મનીષની જામીન અરજી પણ ફગાવી દીધી છે
સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે કહ્યું હતું કે કૌભાંડ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી.
તેમાંથી 338 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જેમાં સિસોદિયાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે. કોર્ટે તપાસ એજન્સીઓને 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લિકર પોલિસી કૌભાંડ કેસ- કેજરીવાલ અને કે. કવિતા પણ કસ્ટડીમાં છે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં 16 હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતા પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ સમાચાર પણ વાંચો…
મનીષ સિસોદિયાને જામીન નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું- લિકર પોલિસી કૌભાંડમાં રૂ. 338 કરોડનો વ્યવહાર થયા હતા; એજન્સીઓએ 8 મહિનામાં તપાસ પૂર્ણ કરે
સુપ્રીમ કોર્ટે 247 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. AAP નેતા સિસોદિયા પર દિલ્હીની લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. 26 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી.