7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ચીન વચ્ચે 21મી કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક 4 મહિના પછી 19 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. (ફાઈલ)
ચીને દાવો કર્યો છે કે હાલમાં LAC બોર્ડર પર ભારત સાથે સ્થિતિ સામાન્ય છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ ઝાંગ શિયાઓગાંગે કહ્યું- 19 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે 21મા રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક મળી હતી. આ દરમિયાન ભારત અને ચીન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હતી.
ચીને કહ્યું- બંને દેશો LAC મામલે એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઉકેલ શોધવા સંમત થયા છે. ખરેખરમાં, ભારતે કહ્યું હતું કે ચુશુલ-મોલ્ડો બોર્ડર પોઈન્ટ પર કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠકના 21મા રાઉન્ડમાં, ચીને દેપસાંગ અને ડેમચોકના ટ્રેક જંક્શન પરથી સૈનિકોને હટાવવાની ભારતની માંગને ફગાવી દીધી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીતમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના પર ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ ખોટુ છે. બંને દેશો વચ્ચેના સૈન્ય સંબંધો ચીન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આશા રાખીએ છીએ કે ભારત અને ચીન મતભેદોને ઉકેલવા અને પરસ્પર વિશ્વાસ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
આ ફૂટેજ ભારત અને અમેરિકા વચ્ચે યોજાયેલી INDUS-X સમિટના છે. ઈન્ડો-પેસિફિક કમાન્ડના ચીફ એડમિરલ જ્હોન સી એક્વિલિનો ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાને સાથે હાજર હતા.
સંરક્ષણ સચિવે કહ્યું- LAC પર ચીન દાદાગીરી કરી રહ્યું છે
થોડા દિવસો પહેલા આયોજિત INDUS-X સમિટમાં ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાને કહ્યું હતું – ચીન દાદાગીરી કરી રહ્યું છે અને ભારતીય સેના સરહદ પર હિંમતભેર તેનો સામનો કરી રહી છે. મે 2020 માં લદ્દાખમાં ચીન સાથે સંઘર્ષ થયો ત્યારથી, અમેરિકાએ ગુપ્ત માહિતી અને સાધનો દ્વારા અમને ઘણી મદદ કરી છે.
અરમાને કહ્યું- ભારત હાલમાં લગભગ દરેક મોરચે ચીનને ટક્કર આપી રહ્યું છે. જ્યાં પણ પહાડ છે ત્યાં અમે તહેનાત છીએ અને જ્યાં પણ રસ્તો છે ત્યાં પણ અમે હાજર છીએ. અમને પૂરી આશા છે કે જ્યારે પણ સમર્થનની જરૂર પડશે ત્યારે અમેરિકા સાથે રહેશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતનો 20મો રાઉન્ડ ઓક્ટોબરમાં થયો હતો. આ દરમિયાન ભારતીય સૈન્ય અધિકારીઓએ ચીન પર લદ્દાખના દેપસાંગ અને ડેમચોકમાંથી પોતાની સેના હટાવવા માટે દબાણ કર્યું હતું. જો કે ચીને હજુ પણ આ વાતનો ઇનકાર કર્યો હતો. બંને દેશો સરહદી વિસ્તારોમાં જમીની સ્તરે શાંતિ જાળવી રાખવા સંમત થયા હતા.
ચીને કહ્યું હતું- લદ્દાખ અમારો ભાગ છે
બીજી તરફ ડિસેમ્બર 2023માં ચીને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની નિંદા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું – આ નિર્ણયથી બેઈજિંગને કોઈ ફરક નથી પડતો. ભારત-ચીન બોર્ડરનો પશ્ચિમી ભાગ હંમેશા ચીનનો જ રહ્યો છે.
ચીને વધુમાં કહ્યું- અમે ક્યારેય ભારતના એકતરફી અને ગેરકાયદેસર રીતે સ્થાપિત કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને માન્યતા આપી નથી. ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ હકીકતને બદલી શકે નહીં કે સરહદનો પશ્ચિમી ભાગ ચીનનો છે.