3 કલાક પેહલા
- કૉપી લિંક
ચૂંટણીપંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે. એવા સમાચાર છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે છે.
તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા પછી જ તારીખો જાહેર થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીપંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. હાલમાં આયોગ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણાં રાજ્યોના પ્રવાસ પર છે. પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા પછી જ ચૂંટણીની તારીખો જાહેર કરશે.
રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક
સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીપંચની ટીમ હાલમાં પશ્ચિમ બંગાળમાં છે. આ પછી ટીમ ઉત્તરપ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે. મળતી માહિતી મુજબ ચૂંટણી અધિકારી 13 માર્ચ સુધીમાં તેમનો પ્રવાસ પૂર્ણ કરશે. દરમિયાન ચૂંટણીપંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ
ચૂંટણીપંચ આગામી લોકસભા ચૂંટણીના મુક્ત અને ન્યાયી સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ માટે કમિશન એક વિભાગ પણ બનાવી શકે છે, જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતીને ઓળખશે અને દૂર કરશે.
રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત
ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ અનેક પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શાસક ભાજપે તાજેતરમાં 195 બેઠક માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે, સાથે જ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપની 195 ઉમેદવારની પહેલી યાદી જાહેર
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી શનિવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં 195 ઉમેદવારનાં નામ છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે, જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.
આ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2 . ઉત્તરાખંડની 3. અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે.