હૈદરાબાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. નવનીત રાણાએ હૈદરાબાદમાં અકબરુદ્દીન ઓવૈસી અને તેમના ભાઈ અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જો પોલીસને 15 સેકન્ડ માટે ફરજ પરથી હટાવી દેવામાં આવે તો ભાઈઓને “તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એની ખબર નહીં પડે.”
ઓવૈસી અને કોંગ્રેસનો વળતો પ્રહાર
નવનીત રાણાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “હું પીએમ મોદીને 15 સેકન્ડનો સમય આપવાનું કહી રહ્યો છું. 15 સેકન્ડ નહીં, એક કલાકનો સમય લઈ લો. વડાપ્રધાન પાસે આ સત્તા છે. અમે તૈયાર છીએ, અમે પણ ડરવાના નથી.” તમારામાં કેટલી માનવતા બાકી છે એ જોવા માગું છું, અમને કહો કે ક્યાં આવવું છે, અમે આવીશું.
AIMIM નેતા વારિસ પઠાણે કહ્યું, નવનીત રાણાનું નિવેદન સૂચવે છે કે તે અમરાવતીમાં ચૂંટણી હારી જવાની છે. વારિસે ચૂંટણીપંચ અને પોલીસ પાસે કડક કાર્યવાહીની પણ માગ કરી છે.
વારિસ પઠાણે કહ્યું હતું કે નવનીત રાણા સમજી ગયા છે કે તેઓ અમરાવતીમાં ચૂંટણી હારી જવાના છે. તેમને આઘાત લાગ્યો છે અને તેથી જ તેઓ આ બધું કહી રહ્યા છે. પોલીસ કે ચૂંટણીપંચ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? કડક પગલાં લેવા જોઈએ. તેઓ (ભાજપ) ધ્રુવીકરણ, સાંપ્રદાયિક વિસંગતતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમાજમાં ઝેર ભેળવી રહ્યા છે…
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનેતા પૃથ્વીરાજ ચૌહાણે બીજેપી પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, આ લોકો સમાજમાં ઝેર ભેળવી રહ્યા છે. બીજેપીના બધા નેતા ચૂંટણીમાં આવી કરી રહ્યા છે.
માધવી લતા માટે પ્રચાર કરવા હૈદરાબાદ ગયા હતા નવનીત
નવનીત રાણા, હૈદરાબાદથી બીજેપી ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કરતી સમયે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બીજેપીએ હૈદરાબાદથી ચારવારના લોકસભા સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ માધવી લતાને ઊભાં કર્યાં છે. ઓવૈસી 2024થી હૈદરાબાદ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
નવનીત કૌર રાણા ગઈકાલે આપ્યું હતું આ નિવેદન
મહારાષ્ટ્રના અમરાવતીથી બીજેપી સાંસદ નવનીત કૌર રાણાએ બુધવારે (8 મે) એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને તેમના નાના ભાઈ અકબરુદ્દીન પર નિવેદન આપ્યું હતું. નવનીત રાણાએ કહ્યું હતું કે જો હૈદરાબાદમાં પોલીસ 15 સેકન્ડ માટે ખસી જાય તો બંને ભાઈઓ ક્યાં ગયા એ ખબર નહીં પડે.
રાણાના આ નિવેદનને અકબરુદ્દીન દ્વારા 2013માં આપેલા ભાષણનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો 15 મિનિટ માટે પોલીસને હટાવી દેવામાં આવશે તો અમે 25 કરોડ (મુસ્લિમો) અને 100 કરોડ હિંદુઓનો નાશ કરી દઈશું.
ભાજપના ઉમેદવાર માધવી લતાના પ્રચાર માટે નવનીત રાણા બુધવારે હૈદરાબાદ ગયાં હતા.
રાણાએ શેર કર્યો વીડિયો, કહ્યું- અમે બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ
નવનીત રાણા પહેલાં પણ વિવાદોમાં રહી ચૂક્યાં છે
1. નવનીત રાણાને લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી પોતાના ઉમેદવાર બનાવવાની સાથે ભાજપે તેમને ગુજરાતમાં સ્ટાર પ્રચારક પણ બનાવ્યાં છે. 5 મેના રોજ ગુજરાતમાં પ્રચાર કરતી વખતે નવનીતે કહ્યું હતું કે જે કોઈને જય શ્રીરામ ન બોલવું હોય તે પાકિસ્તાન જઈ શકે છે. આ હિન્દુસ્તાન છે. જો તમારે ભારતમાં રહેવું હોય તો જય શ્રીરામ બોલવું પડશે.
2. 15 એપ્રિલે નવનીત રાણાએ અમરાવતીમાં એક સભામાં કહ્યું હતું કે દેશમાં મોદી લહેર નથી. 2019માં પીએમ મોદીની હવા હતી. એ સમયે હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને પણ જીતી હતી. તેથી ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. કોઈએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે પીએમ મોદી સત્તામાં છે.
આ નિવેદન બાદ વિપક્ષે કહ્યું હતું કે નવનીત રાણાએ જે કહ્યું એ સાચું કહ્યું. દેશમાં મોદી લહેર નથી. જોકે બાદમાં નવનીત રાણાએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે મોદી લહેર હતી, છે અને રહેશે. અમે આ વખતે 400+નો લક્ષ્યાંક હાંસલ કરીશું.
3. એપ્રિલ 2022માં નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ શિવસેનાના હજારો કાર્યકરો માતોશ્રીની બહાર એકઠા થઈ ગયા હતા. તેણે રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
આ પછી નવનીત રાણા અને તેના પતિ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
2013માં અકબરુદ્દીને કહ્યું હતું- 100 કરોડ હિંદુઓનો નાશ કરશે
અકબરુદ્દીન (ડાબે) 2014થી તેલંગાણાના ચંદ્રયાનગુટ્ટા વિધાનસભાના ધારાસભ્ય છે.
AIMIM ધારાસભ્ય અકબરુદ્દીને 2013માં પોલીસને 15 મિનિટ માટે હટાવવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પોલીસને 15 મિનિટ માટે હટાવી દેવામાં આવે તો અમે 25 કરોડ (મુસ્લિમો) અને 100 કરોડ હિન્દુઓને ખતમ કરી નાખીશું.
જેઓ ડરે છે તેને જ દુનિયા ડરાવે છે. જે ડરાવવાનું જાણે છે તેનાથી દુનિયા ડરે છે. તેઓ (RSS) અમને (મુસલમાનોને) ધિક્કારે છે કારણ કે તેઓ 15 મિનિટ પણ અમારો સામનો કરી શકતા નથી.
હૈદરાબાદ સીટ પર 1984થી ઓવૈસી પરિવારનો કબજો
હૈદરાબાદમાં ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. અહીંથી ભાજપે અસદુદ્દીન ઓવૈસી સામે માધવી લતાને મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપે પહેલીવાર હૈદરાબાદ બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
હૈદરાબાદ લોકસભા સીટ 1984થી ઓવૈસી પરિવાર પાસે છે. અસદુદ્દીન અહીંથી 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેણે 2004, 2009, 2014 અને 2019માં સતત જીત નોંધાવી છે. તેમના પહેલાં તેમના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી 1984થી સતત અહીં સાંસદ હતા.
હૈદરાબાદ પ્રદેશમાં સાત વિધાનસભા બેઠક છે. ગોશા મહેલ સિવાય તમામ 6 સીટો AIMIM પાસે છે, જેમાં બહાદુરપુરા, ચંદ્રયાનગુટ્ટા, ચારમિનાર, ગોશામહલ, કારવાં, મલકપેટ અને યાકતપુરાનો સમાવેશ થાય છે.