અમે ઘર-સંપત્તિ બધું છોડીને જીવ બચાવવા સ્કૂલમાં આશરો લીધો… અમારાં ગાય-બકરાંને પેટ્રોલ છાંટીને જીવતાં સળગાવી દીધાં… ઘર બંધ કરીને ગેસનો બાટલો ખુલ્લો મૂકીને દીવાસળી ચાંપી દીધી… હિન્દુ પિતા-પુત્રને ઘરની બહાર ખેંચીને રસ્તા પર લઈ જઈને રહેંસી નાખ્યા…
.
વાંચીને કમકમાટી છૂટી જાય એવી ઘટના છ દિવસથી બંગાળમાં બની રહી છે. આ હિંસા થવા પાછળનું કારણ છે – વક્ફ બિલનો વિરોધ. મમતા બેનર્જીની સૌથી મોટી વોટબેન્ક મુસ્લિમ વોટબેન્ક છે, એટલે તે પહેલેથી વક્ફ બિલનો વિરોધ કરે છે. બીજી તરફ ભાજપ બંગાળમાં હિન્દુ વોટબેન્ક ઊભી કરવા માગે છે એટલે રામનવમી પૂરી થયા પછી પણ શોભાયાત્રા કાઢી રહ્યા છે. બંગાળમાં જે કાંઈ થઈ રહ્યું છે એ આવતા વર્ષે થનારી ચૂંટણીની તૈયારી છે.
નમસ્કાર,
કોઈપણ રાજ્યમાં મોટેપાયે હિંસા થાય ત્યારે ગૃહમંત્રી અમિત શાહ એ રાજ્યનાં મુખ્યમંત્રી સાથે વાત કરે છે, પણ શાહે મમતા દીદીને ફોન કર્યો નથી. અમિત શાહ બંગાળમાં શાંતિ લાવવા અને આવનારી ચૂંટણીમાં બંગાળ કબજે કરવા મોટી એક્શનના મૂડમાં છે.
બંગાળમાં હિંસા કેવી રીતે ફાટી નીકળી અને કયા વિસ્તારમાં? વક્ફ બિલ પાસ થયું ને નોટિફિકેશન પછી વક્ફ એક્ટ બની ગયો એનો અમલ 8 એપ્રિલથી થઈ ગયો. જ્યારે વક્ફ એક્ટ બન્યો ત્યારે જ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરમાં કહ્યું હતું કે હું વક્ફ એક્ટને બંગાળમાં લાગુ નહીં થવા દઉં. એ પછી એક્ટ લાગુ કરવાની તારીખ આવી ત્યારે 8 એપ્રિલે બંગાળના ચાર વિસ્તારોમાં હિંસાની શરૂઆત થઈ. મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણાં, હુગલી અને મદના, આ ચાર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી. સૌથી વધારે હિંસા મુર્શિદાબાદમાં થઈ. આ વિસ્તારમાં 3 હિન્દુની હત્યા કરવામાં આવી. 500થી વધારે લોકો પલાયન કરીને નજીકના ગામની સ્કૂલમાં આશરો લીધો.
બીજી તરફ બંગાળના જમિયત ઉલેમાના અધ્યક્ષ સિદ્દિકઉલ્લા ચૌધરીના નેતૃત્વમાં હજારો મુસલમાન રસ્તા પર ઊતર્યા. હાવડા અને કોલકાતામાં ઠેરઠેર ટ્રાફિકજામ કર્યા. વક્ફ બિલના વિરોધમાં નારેબાજી કરી, જેના નેતૃત્વમાં આ બધું થયું એ સિદ્દિકઉલ્લા ચૌધરી મમતા સરકારમાં કેબિનેટ મંત્રી છે. કોલકાતામાં મૌલાનાઓએ ભાષણોમાં એવું કહ્યું કે સરકાર મુસલમાનોની ભલાઈની વાતો કરે છે એ ખોટી છે. હકીકતમાં મદરેસા, મસ્જિદો કબજે લેવાની વાત છે. આ રીતે ભડકાઉ ભાષણો કરીને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
હિંસા પાછળ કોનો હાથ? મુર્શિદાબાદ હિંસામાં કેટલાક સગીરો પથ્થરમારો કરતા જોવા મળ્યા. એવું મનાય છે કે હિંસા પાછળ SDPI એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાનો હાથ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે SDPIના સભ્યો કેટલાક દિવસોથી આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના યુવાનોને ભડકાવી રહ્યા હતા. એ લોકો ઘરે ઘરે જઈને કહી રહ્યા હતા કે સરકાર વક્ફના નામે તેમનું બધું છીનવી લેશે. માટે સરકાર વિરુદ્ધ આંદોલન કરવું પડશે. તોફાનમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામનારા યુવક એઝાઝનાં પરિવારજનોએ આ વાતની પુષ્ટિ પણ કરી છે.
એક સમયે પશ્ચિમ બંગાળમાં SIMI એટલે સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયાની સક્રિયતા મુર્શિદાબાદમાં સૌથી વધુ હતી. પછીથી સીમીના કાર્યક્રરો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાઈ ગયા. સીમી અને PFI સાથે જોડાયેલા લોકો જ હવે SDPI સાથે જોડાઈ ગયા છે. મુર્શિદાબાદમાં SDPI સંગઠન મજબૂત માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે સીમી અને PFI બંને સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સગીર વયના તરુણો પાસે હિંસા કરાવડાવી હોવાનો આરોપ હિંસાના ચાર દિવસ પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 12 એપ્રિલે એક પોસ્ટ શેર કરીને શાંતિ જાળવવા અપિલ કરી હતી, પણ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર સતત આરોપ લગાવી રહ્યા છે કે આ હિંસા પ્રી-પ્લાન્ડ છે. તેમનો આરોપ એવો છે કે મમતા બેનર્જીનું મૌન જ હિંસાને હવા આપે છે. 14 એપ્રિલે મજુમદારે એવો દાવો કર્યો કે હિંસામાં સામેલ મોટા ભાગે સગીર વયના હતા. સુકાંતે કહ્યું હતું કે બંગાળ પોલીસ જ તોફાનીઓને છાવરે છે કે જાઓ… હિન્દુઓનાં ઘર બાળો… આ સૂચના મમતા બેનર્જી જ આપે છે.
સગીરોને એટલે આગળ કરાય છે કે ક્રિમિનલ ઓફેન્સ ન કરી શકાય, કારણ કે તેને 18 વર્ષ નથી થયાં, એટલે કેસ ન થઈ શકે. આ પ્લાન સાથે થયું છે. સુકાંત મજુમદારે બે દિવસ પહેલાં નોર્થ 24 પરગણાંમાં રામની શોભાયાત્રા કાઢી. ભગવા ઝંડા સાથે ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા. રામનવમી તો ચાલી ગઈ છે, પણ બંગાળના ઘણા ભાગોમાં રામનવમીની શોભાયાત્રાઓ હજી પણ ચાલુ છે. બશીરહાટમાં પણ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી. એમાં સુકાંતા મજુમદારની સાથે મિથુન ચક્રવર્તી પણ સામેલ થયા હતા.
બંગાળના સાંસદે અમિત શાહને પત્ર લખ્યો ને શાહ ભડક્યા પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ છે જ્યોતિર્મયસિંઘ મહતોએ ગૃહમંત્રી અમિત શાહને લેટર લખ્યો છે કે બંગાળમાં અફસ્પા લાગુ કરવામાં આવે, કારણ કે હિન્દુઓ પર અત્યાચાર થાય છે, હત્યા થાય છે, પલાયન કરવું પડે છે. ભાજપના નેતાઓને એ વિસ્તારમાં જવા દેવાતા નથી. તેમણે લેટરમાં લખ્યું કે વધારે ને વધારે સેન્ટ્રલ ફોર્સિસને તહેનાત કરવામાં આવે. મહતોએ તમામ જગ્યાએ થયેલી હિંસાનું વર્ણન કર્યું છે એનાથી અમિત શાહ વધારે ભડક્યા છે અને બંગાળમાં મોટેપાયે એક્શન લેવાની તૈયારી ચાલી રહી હોય એવું જણાઈ રહ્યું છે.
ગૃહમંત્રાલય પાસે કયા ઓપ્શન છે? ગૃહમંત્રાલયે બંગાળ સરકારને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે હિંસા કાબૂમાં નહીં આવે તો કેન્દ્ર કાંઈપણ કરી શકે છે, પણ દિલ્હીમાં ગૃહમંત્રાલય સાથે બંગાળના ગૃહ સચિવ ગોવિદ મોહને ફોન કરીને માહિતગાર કર્યા. એ પછી ગોવિંદ મોહનને રાજ્યના ડીજીપી અને ચીફ સેક્રેટરીને ફોન કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ મદદ કરવા તૈયાર છે. હવે તમારી જવાબદારી છે કે હિંસાને ગમે તેમ કરીને રોકો. આટલા દિવસો પછી હિંસા શાંત થઈ રહી છે. પલાયન થઈ ગયેલા હિન્દુ પરિવારોમાંથી 19 પરિવાર પાછા પણ ફર્યા છે, પણ હજી તેમના મનમાં ભય છે.
બંગાળમાં શાંતિ સ્થાપવા માટે અમિત શાહ પાસે તમામ ઓપ્શન છે. દરેક ઓપ્શન પર વિચાર ચાલી રહ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. કોઈપણ રાજ્યમાં આંતરિક હિંસા થાય છે. બહારથી કોઈ એવી પ્રવૃત્તિ થાય છે કે રાજ્યને નુકસાન પહોંચાડી શકે તો સંવિધાનની કલમ 355 ગૃહમંત્રાલયને પાવર આપે છે કે તે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ત્યાંની હિંસાને રોકવા કોઈપણ પગલાં લઈ શકે છે, જેમ કે કલમ 356 લગાવવાથી રાષ્ટ્રપતિશાસન લગાવી શકાય છે. ત્યાંથી સરકારના તમામ પાવર ખતમ થઈ જાય છે અને બધી સત્તા રાજ્યપાલ પાસે પહોંચી જાય છે. એમાં સ્પીડબ્રેકર એક જ છે કે સંસદનું નવું સત્ર ચાલુ થાય ત્યારે આ રાષ્ટ્રપતિશાસનનો હુકમ પાસ કરાવવો પડે છે. બીજો વિકલ્પ છે કે સેન્ટ્રલ ફોર્સિસને એ રાજ્યમાં કાયમી તહેનાત કરી દેવી અને ફોર્સને જ વિશેષ અધિકાર આપી દેવો. આને અફસ્પા એક્ટ કહે છે. મણિપુરમાં અફસ્પા લાગુ કરાયો હતો. છેલ્લા પાંચ દિવસથી ‘બંગાળમાં પ્રેસિડેન્ટ રૂલ’ એવા ટેગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.
મોદી સરકારે 10 વખત રાષ્ટ્રપતિશાસન લગાવ્યું છે 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થયું. મોદી સરકારમાં પહેલીવાર મહારાષ્ટ્રમાં 28 સપ્ટેમ્બર 2014થી 31 ઓક્ટોબર 2014 સુધી રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું. એ સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી. મોદી સરકારમાં અત્યારસુધીમાં કલમ 356નો ઉપયોગ 10 વખત થયો છે. દેશમાં અત્યારસુધીમાં 132 વખત રાષ્ટ્રપતિશાસન લાગુ કરાયું છે. 20 જૂન 1951ના દિવસે દેશમાં પહેલીવાર પંજાબમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું, જે 302 દિવસ રહ્યું હતું.
16 એપ્રિલે સુપ્રીમના નિર્ણય પર નજર વક્ફ બિલ પર સુપ્રીમમાં કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના CJI સંજીવ ખન્નાની બેન્ચ 16 એપ્રિલે સુનાવણી કરશે. ત્રણ જજની બેન્ચમાં CJI સંજીવ ખન્ના ઉપરાંત જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથમ સામેલ થશે. અત્યારસુધીમાં સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન ફાઈલ થઈ હતી એ વક્ફ વિરુદ્ધ હતી, પણ હવે હિન્દુ મહાસભા અને અન્ય સંગઠનોએ વક્ફ બિલના સપોર્ટમાં પણ અરજીઓ દાખલ કરી છે. હવે મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રા પણ વક્ફના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ ચાની ચુસકી ભરતો હોય એવો ફોટો પોસ્ટ કર્યો છે. ભાજપે તેનેય આડેહાથ લીધો કે બંગાળ સળગે છે ને તેના સાંસદ ચાનો સ્વાદ માણી રહ્યા છે.
છેલ્લે, હરિયાણાના યમુનાનગર પહોંચેલા નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસને સંભળાવી દીધું હતું કે તમને મુસલમાનો માટે આટલી જ હમદર્દી છે તો કોઈ મુસલમાનને જ તમારી પાર્ટીના અધ્યક્ષ બનાવો, પણ તે આવું નહીં કરે. મોદીએ આ સ્ક્વેર કટ ત્યારે મારી છે જ્યારે રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં નવી લીડરશિપ તૈયાર કરવા આવી રહ્યા છે.
સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચઃ યશપાલ બક્ષી)