નવી દિલ્હી11 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન મોદી રેપિડ ટ્રેનમાં સાહિબાબાદથી ન્યૂ અશોક નગર મુસાફરી કરી. આ માટે તેમણે પોતે ટિકિટ ખરીદી અને QR કોડથી પેમેન્ટ કર્યુ હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી રવિવારે રાજધાનીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. છેલ્લા 3 દિવસમાં દિલ્હીમાં મોદીનો આ ત્રીજો કાર્યક્રમ છે.
આજે તેમણે સૌપ્રથમ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ ‘નમો ભારત’ કોરિડોરના સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધીના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. આ 13 કિલોમીટર લાંબો માર્ગ 4600 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દિલ્હીની પહેલી ‘નમો ભારત’ કનેક્ટિવિટી છે, જે મેરઠને જોડશે.
રેપિડ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વડાપ્રધાન મોદીએ પોતે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લીધી હતી. તેમણે પોતાના મોબાઈલના QR કોડ દ્વારા પેમેન્ટ કર્યું હતું. આ પછી તેઓ ટ્રેનમાં સ્કૂલના બાળકોને મળ્યા હતા.
આ પછી મોદી જનકપુરી-કૃષ્ણ પાર્ક વચ્ચે લગભગ રૂ. 1,200 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-4ના 2.8 કિલોમીટર લાંબા સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રો ફેઝ-4નું આ પ્રથમ ઉદ્ઘાટન હશે. PM દિલ્હી મેટ્રો ફેઝ-IV ના 26.5 કિલોમીટર લાંબા રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે, જેનો ખર્ચ લગભગ 6,230 કરોડ રૂપિયા હશે.
મેટ્રો પ્રોજેક્ટ પછી, વડાપ્રધાન નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI) માટે નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે, જેનું નિર્માણ અંદાજે રૂ. 185 કરોડ ખર્ચે કરવામાં આવશે. આ પછી તેઓ જાપાનીઝ પાર્કમાં જનસભા કરશે.
આ પહેલા મોદીએ 3 જાન્યુઆરીએ દિલ્હીમાં 4500 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 4 જાન્યુઆરીએ વડાપ્રધાને ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ₹30 હજાર કરોડ છે, વાર્ષિક 2.5 લાખ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે હાલમાં નમો ભારત રેપિડ ટ્રેન સાહિબાબાદ અને દક્ષિણ મેરઠ વચ્ચે 42 કિલોમીટરના પટ પર દોડી રહી છે. ઉદ્ઘાટન બાદ આ ભાગ વધીને 55 કિમી થઈ જશે.
સાહિબાબાદ-ન્યુ અશોક નગરના 13 કિમી લાંબા વિભાગમાંથી 6 કિમી ભૂગર્ભમાં છે, જેમાં આનંદ વિહાર સ્ટેશન પણ સામેલ છે.
તેમજ, ન્યૂ અશોક નગર સ્ટેશન એ એલિવેટેડ સ્ટેશન છે (રસ્તાની ઉપરના પુલ પર બનેલ). આ વિભાગનો ખર્ચ લગભગ 4600 કરોડ રૂપિયા છે.
સમગ્ર 82 કિમીના કોરિડોરનો અંદાજિત ખર્ચ 30,274 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ જૂન 2025 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
એક અનુમાન છે કે એકવાર કોરિડોર કાર્યરત થઈ જશે, એક લાખથી વધુ ખાનગી વાહનો રસ્તાઓ પરથી દૂર થઈ જશે અને કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક 2.5 લાખ ટનનો ઘટાડો થશે.
નમો ભારત ટ્રેન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે હાલમાં, એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હીથી મેરઠ પહોંચવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગે છે. તેમજ, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, આ યાત્રા માત્ર 55 મિનિટમાં પૂર્ણ થશે.
રેપિડ ટ્રેન લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જોકે તેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઉદ્ઘાટન પછી, નમો ભારત ટ્રેન સાંજે 5 વાગ્યાથી દર 15 મિનિટે દક્ષિણ મેરઠ માટે દોડશે.
દિલ્હીના ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણ સુધી, સ્ટાન્ડર્ડ કોચનું ભાડું રૂ. 150 અને પ્રીમિયમ કોચનું ભાડું રૂ. 225 છે.