પટના12 કલાક પેહલા
- કૉપી લિંક
નીતીશ-તેજસ્વી પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં દોઢ કલાક સાથે રહ્યા હતા, પણ એકબીજા સાથે વાત કરી નહોતી.
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. બિહારમાં આજે મહાગઠબંધનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. માત્ર મુખ્યમંત્રી નીતીશ કુમારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ પહેલાં ગઈકાલે નીતીશ કુમાર રાજભવન પહોંચ્યા હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પહોંચ્યા નહોતા. એ બાદ અટકળોએ વધુ જોર પકડ્યું હતું. 26 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે અંતર પણ જોવા મળ્યું હતું.
બિહાર ભાજપની આજે દિલ્હીમાં મહત્ત્વની બેઠક
બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર ભાજપના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું હતું કે બિહારની એક બેઠક છે, જેમાં તમામ અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો આવશે અને આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.
આરજેડી મહાગઠબંધન સરકારને બચાવવામાં વ્યસ્ત છે
લાલુ પ્રસાદ યાદવની પાર્ટી મહાગઠબંધન સરકારને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. બેઠક સતત ચાલુ છે. આરજેડી જીતન રામ માંઝીને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગઈકાલે સુશીલ કુમાર મોદીના ’રાજકારણમાં કોઈ દરવાજો કાયમ માટે બંધ થતો નથી. અહીં જો દરવાજા બંધ હોય છે, તો એ ખૂલે પણ છે’ આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે નીતીશ માટે બીજેપીના દરવાજા ફરી એકવાર ખૂલી ગયા છે. આ પછી બિહારમાં એનડીએ સરકારની રચના પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે એક વર્ષમાં એવું શું થયું કે નીતીશ માટે દરવાજા બંધ કરનાર ભાજપ તેમનું સ્વાગત કરવા તૈયાર થઈ ગયો? ભાજપ કઈ સ્થિતિમાં નીતીશ કુમારને પોતાની સાથે લાવશે? શું બીજેપી બિહારમાં ફરી એકવાર નીતીશ કુમારની તાજપોશી કરવાની તૈયારી કરી રહી છે?
સૂત્રોનું માનીએ તો ભાજપની સમગ્ર નેતાગીરી છેલ્લા 48 કલાકથી આ પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. સૌથી પહેલા ઉતાવળમાં બિહાર ભાજપની કોર કમિટીના સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા. અહીં અડધી બેઠક રાજ્ય પ્રભારી વિનોદ તાવડેના ઘરે યોજાઈ હતી.
આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને લગભગ 95 મિનિટનું મંથન થયું. જેપી નડ્ડા અને અમિત શાહ સાથે પણ અલગ-અલગ બેઠક કરી હતી. ભાજપનાં સૂત્રો અને રાજકીય નિષ્ણાતોની મદદથી અમે ભાજપની અંદર ચાલી રહેલી હલચલને સમજવાનો પ્રયાસ કર્યો છે.
આ પોસ્ટર ભાજપે ત્રણ વર્ષ પહેલાં પટનામાં લગાવ્યું હતું.
સૌથી પહેલા 2 મુદ્દામાં સમજો, નીતીશ કુમાર માટે દરવાજા શા માટે ખૂલ્યા
1. ભાજપ ચૂંટણી પહેલાં I.N.D.I.A. ગઠબંધનને ખતમ કરવા માગતી હતી: રાજકીય નિષ્ણાતોના મતે, નીતીશ કુમાર લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર હતા. વિપક્ષના વિખેરાયેલાં જૂથોને એક મંચ પર લાવવાનું શ્રેય નીતીશ કુમારને જાય છે. નીતીશ કુમારે જ સૌપ્રથમ કોંગ્રેસને ગઠબંધન માટે તૈયાર કરી હતી.
આ પછી તેણે ઉત્તરપ્રદેશ, બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તામિલનાડુ જેવાં રાજ્યોનો પ્રવાસ કર્યો. તેમણે મમતા બેનર્જી અને અખિલેશ યાદવને કોંગ્રેસમાં જોડાવવા માટે રાજી કર્યાં. જુલાઈ 2023માં તેમણે જ પટનામાં સત્તાવાર રીતે ભાજપવિરોધી નેતાઓને એક મંચ પર એકઠા કર્યા હતા.
નીતીશ કુમાર દેશભરની 400 લોકસભા બેઠક પર ભાજપ વિરુદ્ધ વન VS વન કેન્ડિડેટને મેદાનમાં ઉતારવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા હતા. તેમનું સૌથી મોટું ધ્યાન બિહારની 40 લોકસભા બેઠક, યુપીની 80, ઝારખંડની 14 અને બંગાળની 42 લોકસભા બેઠક પર ભાજપને હરાવવાનું હતું.
ભાજપને એ પણ ખબર હતી કે જો વિપક્ષની આ ફોર્મ્યુલા સફળ રહી તો લોકસભાની ચૂંટણીમાં ભાજપના મિશન 400ને મોટો ફટકો પડી શકે છે. આવી સ્થિતિમાં જો નીતીશ એનડીએમાં જોડાય છે તો I.N.D.I.A.નું જૂથ લગભગ સંપૂર્ણપણે વિખેરાઈ જશે. બંગાળમાં મમતા બેનર્જી, યુપીમાં અખિલેશ યાદવ અને પંજાબમાં AAP એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે કોંગ્રેસ સિવાય નીતીશ કુમાર એકમાત્ર એવા નેતા છે, જેમની પાસે સમગ્ર હિન્દી પટ્ટા પર કબજો છે. એટલું જ નહીં, નીતીશના દેશના તમામ પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે સારા સંબંધો છે. નીતીશ સિવાય I.N.D.I.A. ગઠબંધનમાં કોઈપણ નેતાનો તમામ પક્ષો સાથે સંકલન સ્થાપિત કરવા માટે પૂરતો પ્રભાવ નથી.
2. નીતીશ કુમાર એટલે 16% વોટની ગેરંટી, ભાજપ પણ આ જાણે છેઃ
નીતીશ કુમારની શક્તિને બીજેપી કરતાં સારી રીતે કોઈ પાર્ટી નથી જાણતી. 2014ની લોકસભા ચૂંટણી સિવાય નીતીશ કુમારની વોટ ટકાવારી ક્યારેય 22%થી ઓછી રહી નથી. 2014ની મોદી લહેરમાં પણ નીતીશને 16% વોટ મળ્યા હતા. નીતીશનો પ્રભાવ માત્ર બિહાર પૂરતો મર્યાદિત નથી. એની અસર પડોશી રાજ્યો ઝારખંડ અને ઉત્તરપ્રદેશ પર પણ પડી શકે છે.
2014ની લોકસભા ચૂંટણીમાં JDU એકલા હાથે લડી હતી અને 16.04% વોટ મેળવવામાં સફળ રહી હતી. ત્યારે પાર્ટીને 2 બેઠક મળી હતી અને મોદી લહેરમાં NDAએ 36.48% મત મેળવીને 31 બેઠકો જીતી હતી, પરંતુ ભાજપ જાણે છે કે જ્યારે હરીફાઈ ત્રિકોણીય હતી ત્યારે તેમને આટલી મોટી જીત મળી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારે બીજેપી સાથે હાથ મિલાવ્યા કે તરત જ NDAનો વોટ શેર લગભગ 18% વધીને 54.34% થઈ ગયો. રાજ્યની 40 બેઠકમાંથી એનડીએને 39 બેઠક મળી અને કોંગ્રેસ વિપક્ષમાંથી માત્ર 1 બેઠક જીતી શકી. આ જ કારણ છે કે ભાજપ કોઈપણ સંજોગોમાં 2024ની લોકસભા ચૂંટણીમાં નીતીશનું સમર્થન છોડવા માગતી નથી.
હવે જાણો નીતીશ કુમાર માટે ભાજપનો શું પ્લાન છે
નીતીશ કુમારને સન્માનજનક પદ આપીને બિહારથી વિદાય આપવી જોઈએ
સૂત્રોનું માનીએ તો બીજેપીનું રાજ્ય નેતૃત્વ કોઈપણ સંજોગોમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં સરકાર બનાવવા માગતું નથી. તેમનું માનવું છે કે આની સીધી અસર કાર્યકરો પર પડશે. ભાજપ સંગઠનમાં ઉપાધ્યક્ષ સ્તરના એક નેતાએ નામ ન આપવાની શરતે ભાસ્કરને જણાવ્યું કે પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ છે કે તેમને બિહારમાંથી કેવી રીતે બહાર કાઢવા.
જો ભાજપનાં સૂત્રોનું માનીએ તો તેમને એનડીએ સંયોજકના પદની ઓફર કરવામાં આવી શકે છે. આ સાથે લોકસભાની ચૂંટણી બાદ તેમને રાજ્યસભાનું પદ આપવામાં આવી શકે છે અને જેડીયુને બે કેન્દ્રીય મંત્રીઓની સાથે એક રાજ્યમંત્રીનું પદ પણ આપવામાં આવી શકે છે. જોકે ભાજપના કોઈ નેતા આ અંગે ખૂલીને બોલવા માટે તૈયાર નથી.
નીતીશ કુમાર લોકસભા ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહી શકે છે, ભાજપ પાસે બે ડેપ્યુટી સીએમ હશે
નીતીશ કુમાર કોઈપણ સંજોગોમાં સીએમ પદ છોડવા તૈયાર નથી. આ સ્થિતિમાં ભાજપ લોકસભા ચૂંટણી સુધી સીએમ જાળવી શકે છે. આ સાથે ભાજપ પાસે બે ડેપ્યુટી સીએમ હશે.
જો ભાજપનાં સૂત્રોનું માનીએ તો સુશીલ મોદી ફરી એકવાર બિહાર સરકારમાં પાછા આવી શકે છે. આ સિવાય ભાજપના ક્વોટામાંથી 7-8 મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે હાલમાં આ નવા ચહેરા હશે કે જૂનાને રિપીટ કરવામાં આવશે એ અંગે પક્ષના કોઈ નેતા સ્પષ્ટ બોલવાનું ટાળી રહ્યા છે.
સમગ્ર પ્રચારની કમાન ખુદ અમિત શાહ સંભાળી રહ્યા છે
જો ભાજપના નેતાઓનું માનીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે બિહારમાં ચાલી રહેલી સમગ્ર રાજકીય ઊથલપાથલની કમાન પોતાના હાથમાં રાખી છે. સમગ્ર અભિયાનને ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે. ભાજપના કોઈપણ નેતાને જાહેરમાં બાઈટ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જ કારણ છે કે કોઈ નેતા નીતીશ કુમાર વિરુદ્ધ કોઈ સખત નિવેદન નથી આપી રહ્યા અને ના તો ગઠબંધન પર ખુલ્લેઆમ કંઈ બોલી રહ્યા છે.