નવી દિલ્હી22 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે કોંગ્રેસે શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ આપ્યો છે. દરેક ભારતીય તેનાથી નારાજ છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. તેમણે 75 વર્ષમાં ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડી છે.
PMએ સોશિયલ મીડિયા પર કચ્છથીવુ પર આરટીઆઈ રિપોર્ટને ટાંકીને આ વાત કહી. RTI રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધીની સરકારે 1974માં શ્રીલંકાને આ ટાપુ ભેટમાં આપ્યો હતો.
તમિલનાડુ બીજેપી ચીફ અન્નામલાઈએ RTI દાખલ કરી, રિપોર્ટના 4 મુદ્દા
1. તમિલનાડુના બીજેપી ચીફ કે. અન્નામલાઈએ કચ્છથીવુ વિશે માહિતી માંગતી RTI દાખલ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 1974માં ભારતની તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે વચ્ચે સમજૂતી થઈ હતી. આ અંતર્ગત કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો હતો.
2. રિપોર્ટ અનુસાર ઈન્દિરાએ આ સમજૂતી તમિલનાડુમાં લોકસભા પ્રચારને ધ્યાનમાં રાખીને કરી હતી. 1974માં ઈન્દિરા ગાંધીની સરકારે આ ટાપુ શ્રીલંકાને ભેટમાં આપ્યો હતો.
3. 1974માં બંને દેશો વચ્ચે બે બેઠક થઈ હતી. પહેલી બેઠક 26 જૂને કોલંબોમાં અને બીજી 28 જૂને દિલ્હીમાં થઈ હતી. બંને બેઠકોમાં શ્રીલંકાને ટાપુ આપવા પર સહમતિ થઈ હતી.
4. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરારમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી જેમ કે – ભારતીય માછીમારો તેમની જાળ સૂકવવા માટે આ ટાપુ પર જઈ શકશે. ટાપુ પર બનેલા ચર્ચમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળશે.
મોદીએ સંસદમાં કચ્છથીવુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો
10 ઓગસ્ટ, 2023ના રોજ પીએમ મોદીએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કચ્છથીવુને લઈને નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વિપક્ષના લોકો જે સંસદની બહાર ગયા છે, થોડું એમનો પૂછો. આ કચ્છથીવુ ક્યા છે અને શું છે? ડીએમકેના આ લોકો અને તેમની સરકાર મને પત્ર લખીને મોદીજીને કચ્છથીવુ પરત લાવવા કહે છે. તમિલનાડુથી આગળ અને શ્રીલંકા પાછળનો ટાપુ કોણે અને બીજાને કેમ સોંપ્યો? શું આ વિસ્તાર ભારત માતાનો ભાગ ન હતો? ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની સરકારે પણ તેને ભારતથી અલગ કરવાનું કામ કર્યું.
ટાપુ અંગે ભાજપ-કોંગ્રેસનું નિવેદન
- કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે વડાપ્રધાનની સમસ્યા એ છે કે તેઓ કોઈપણ આધાર વગર નિવેદનો આપે છે. જો આવી સમજૂતી કરવામાં આવી હોત, તો અમને ખબર પડી હોત કે શું થયું હતું. બીજું વડાપ્રધાન 9 વર્ષ સુધી શું કરતા હતા? તે એવી સ્થિતિમાં છે જ્યાં તેમને આ માહિતી મળી શકે, તો તે અત્યાર સુધી ચૂપ કેમ હતા? આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમિલનાડુમાં ચૂંટણી છે અને તમામ સર્વે બતાવી રહ્યા છે કે તમિલનાડુમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ રહ્યો છે.
- અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કચ્છથીવુ છોડી દીધું છે અને તેને તેનો કોઈ અફસોસ નથી. ક્યારેક કોંગ્રેસના સાંસદ દેશના ભાગલાની વાત કરે છે તો ક્યારેક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને બદનામ કરે છે. આ દર્શાવે છે કે તેઓ ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે.
કચ્છથીવુ 285 એકરમાં ફેલાયેલો છે, જે રામેશ્વરમથી 19 કિમી દૂર છે ભારતના તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે વિશાળ દરિયાઈ વિસ્તાર છે. આ દરિયાઈ વિસ્તારને પાલ્ક સ્ટ્રેટ કહેવામાં આવે છે. અહીં ઘણા ટાપુઓ છે, જેમાંથી એકનું નામ કચ્છથીવુ છે.
શ્રીલંકાના વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કચ્છથીવુ 285 એકરમાં ફેલાયેલો ટાપુ છે. આ ટાપુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રને જોડે છે.
આ ટાપુ 14મી સદીમાં જ્વાળામુખી વિસ્ફોટ પછી બન્યો હતો. જે રામેશ્વરમથી લગભગ 19 કિલોમીટર અને શ્રીલંકાના જાફના જિલ્લાથી લગભગ 16 કિલોમીટર દૂર છે. રોબર્ટ પાક 1755 થી 1763 સુધી મદ્રાસ પ્રાંતના બ્રિટિશ ગવર્નર હતા. આ દરિયાઈ વિસ્તારનું નામ રોબર્ટ પાકના નામ પરથી પાક સ્ટ્રેટ રાખવામાં આવ્યું હતું.
કચ્છથીવુ ટાપુની વાસ્તવિક માલિકી ભારતની છે કે શ્રીલંકા?
સમુદ્રના મધ્યમાં આવેલા આ નિર્જન ટાપુ પર ભારત અને શ્રીલંકા બંને દ્વારા લાંબા સમયથી દાવો કરવામાં આવે છે. 19મી સદી સુધી આ વિસ્તાર રામનાદ સામ્રાજ્યનો ભાગ હતો.
17મી સદીમાં રઘુનાથ દેવ કિલવને પોતાને રામનાદ રાજ્યનો રાજા જાહેર કર્યો. આ પછી તે કચ્છથીવુ ટાપુનો શાસક બન્યો. 1902માં ભારતની બ્રિટિશ સરકારે આ ટાપુ પર શાસન કરવાનો અધિકાર રામનાદ અથવા રામનાથપુરમ રાજ્યના રાજાને આપ્યો.
આ પછી રામનાથપુરમના રાજાઓ અહીંના લોકો પાસેથી મહેસૂલ વસૂલતા હતા. બદલામાં તે અંગ્રેજ અધિકારીને ચોક્કસ રકમ આપતા હતા. 1913માં ભારત સરકારના સચિવ અને રામનાથપુરમના રાજા વચ્ચે એક કરાર થયો હતો. આ સમજૂતી અનુસાર, કચ્છથીવુને શ્રીલંકાને બદલે ભારતનો ભાગ ગણાવ્યો છે.
1921માં પહેલીવાર ભારત અને શ્રીલંકા વચ્ચે આ વિસ્તારને લઈને વિવાદ થયો હતો. એ સમયે આ ટાપુ અંગ્રેજોના શાસનમાં હતો. અંગ્રેજોએ આ વિવાદ પર બહુ ધ્યાન આપ્યું નહોતું, જેના કારણે આ વિવાદો વધતા ગયા. અગાઉ બંને દેશોના માછીમારો પોતાની જાળ સૂકવવા માટે આ ટાપુનો ઉપયોગ કરતા હતા.
જ્યારે ઈન્દિરા ગાંધીએ 2 વર્ષમાં 4 કરાર દ્વારા કચ્છથીવુ શ્રીલંકાને સોંપ્યો…
1974 અને 1976ની વચ્ચે તત્કાલીન ભારતીય પીએમ ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના પીએમ શ્રીમાવા બંદરનાઈકેએ ચાર દરિયાઈ જળ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત ભારતે આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો. ત્યારથી શ્રીલંકા આ ટાપુ પર કાયદેસર રીતે પોતાનો દાવો કરે છે.
જ્યારે ભારત સરકારે આ ટાપુ અંગે શ્રીલંકા સાથે કરાર કર્યો હતો ત્યારે તામિલનાડુ સરકારે એનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ પીએમ ઈન્દિરા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે આ ટાપુઓ ઐતિહાસિક રીતે રામનાદ સામ્રાજ્યની જમીનદારીનો ભાગ છે.
આવી સ્થિતિમાં ભારત સરકારે કોઈપણ કિંમતે આ વિસ્તાર શ્રીલંકાને આપવો જોઈએ નહીં. જોકે આ કરાર હેઠળ ભારતીય માછીમારોને અહીં માછલી પકડવાની અને તેમની જાળ સૂકવવાની છૂટ આપવામાં આવી હતી.
આ કારણોસર ભારતીય માછીમારો ત્યાં જતા હતા, પરંતુ 2009 પછી શ્રીલંકાની નેવીએ ત્યાં જતા ભારતીય માછીમારોની ધરપકડ કરવાનું શરૂ કર્યું.
તામિલનાડુએ 15 વર્ષના કરાર પછી જ કચ્છથીવુ પર દાવો કર્યો હતો
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ સમજૂતીના માત્ર 15 વર્ષ પછી 1991માં તામિલનાડુ વિધાનસભાએ ફરી એકવાર કચ્છથીવુને ભારતમાં એકીકરણની માગણી કરી. આ માટે રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો. શ્રીલંકાના ગૃહયુદ્ધ દરમિયાન, તેની ઉત્તરીય સરહદો પર તમિળ આતંકવાદી સંગઠન એલટીટીઈ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.
આ કારણે તામિલનાડુના માછીમારો માછીમારી માટે આ ટાપુ પર સરળતાથી પહોંચી જતા હતા. 2008માં જયલલિતાએ 1974 અને 1976 વચ્ચે થયેલા કચ્છથીવુ ટાપુ કરારોને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
2009માં શ્રીલંકાની સરકાર અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ તેના અંતને આરે હતું. એલટીટીઇનું સંગઠન નબળું પડી રહ્યું હતું. આવી સ્થિતિમાં શ્રીલંકાની સરકારે પોતાની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. જ્યારે પણ તામિલનાડુના માછીમારો માછીમારી માટે આ ટાપુની નજીક જતા ત્યારે શ્રીલંકાની પોલીસ તેમની ધરપકડ કરતી હતી.
આ કારણસર દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ ફરી એકવાર આ ટાપુ પરત કરવાની માગ શરૂ કરી. શ્રીલંકાની સરકારનું કહેવું છે કે તેના પ્રાદેશિક પાણીમાં માછલીઓ અને અન્ય જળચર જીવનમાં ઘટાડો થયો છે, જેનાથી તેના માછીમારોની આજીવિકા પર અસર પડી છે. આવી સ્થિતિમાં તેઓ ભારતીય માછીમારોને આ વિસ્તારમાં માછલી પકડવાની મંજૂરી આપી શકે નહીં.
કચ્છથીવુ ટાપુ પર મદુરાઈના રાજાનું શાસન હતું કચ્છથીવુ ટાપુ હિંદ મહાસાગરમાં તમિલનાડુ, ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત છે. આ ટાપુ હંમેશા ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદનું કારણ રહ્યું છે. 285 એકરમાં ફેલાયેલો આ ટાપુ 17મી સદીમાં મદુરાઈના રાજા રામનાદની જમીનદારી હેઠળ હતો, પરંતુ જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે આ ટાપુ મદ્રાસ પ્રેસિડેન્સી એટલે કે અંગ્રેજો હેઠળ આવી ગયો. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેને સરકારી દસ્તાવેજોમાં ભારતનો હિસ્સો જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે પણ શ્રીલંકાએ તેના પર પોતાનો અધિકાર દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું.
કચ્છથીવુ પર બનેલા ચર્ચમાં આજે પણ હજારો ભારતીયો પ્રાર્થના કરવા જાય છે
દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રામેશ્વરમના હજારો લોકો કચ્છથીવુ ટાપુ પર સેન્ટ એન્થોની ચર્ચમાં પ્રાર્થના કરવા માટે આવે છે. આ ચર્ચ 110 વર્ષ પહેલાં તામિલનાડુના તમિળ કેથોલિક શ્રીનિવાસ પડાયાચી દ્વારા બનાવવામાં આવ્યું હતું. 2016માં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીલંકાની સરકાર હવે ચર્ચને તોડી પાડવાની તૈયારી કરી રહી છે, પરંતુ બાદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે સ્પષ્ટતા કરી કે આવું કંઈ થશે નહીં.
તાજેતરનાં વર્ષોમાં જ્યારે કચ્છથીવુ ટાપુનો મુદ્દો આવ્યો…
2014: ભારત સરકારે, એક PILના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટને કહ્યું કે કચ્છથીવુ ટાપુ પર શ્રીલંકાની સાર્વભૌમત્વ ખૂબ જ સ્પષ્ટ અને અસ્પષ્ટ બાબત છે. ભારતના માછીમારોને આ વિસ્તારમાં માછીમારીની પ્રવૃત્તિઓમાં જોડાવાનો કોઈ અધિકાર નથી.
2015: શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ચેન્નઈ સ્થિત તમિળ ટીવી ચેનલ (થાંથી ટીવી)ને આપેલા ઈન્ટરવ્યૂમાં એમ કહીને વિવાદ ઊભો કર્યો હતો કે જો ભારતીય માછીમારો કચ્છથીવુ ટાપુ ધરાવતા શ્રીલંકાના જળસીમામાં ઘૂસણખોરી કરે તો તેમને ગોળી મારી શકાય છે.
આ સાથે શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તમે અમારા પાણીમાં કેમ આવો છો? તમે અમારા પાણીમાં કેમ માછીમારી કરો છો…? ભારતની સરહદમાં રહો… કોઈ વાંધો નહીં આવે… કોઈ કોઈને ગોળી નહીં મારે… તમે ભારતની બાજુમાં રહો, અમારા માછીમારોને શ્રીલંકાની બાજુમાં રહેવા દો… નહીં તો અમારા દરિયાઈ જવાનો માનવતાનું ઉલ્લંઘન કરે છે એવો આક્ષેપ ન કરતા.
2023: શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે નવી દિલ્હીની મુલાકાત લેવાના હતા. આ પહેલાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શ્રીલંકાના વડાપ્રધાન સમક્ષ આ ટાપુ સંબંધિત બે મુદ્દા ઉઠાવવા જણાવ્યું હતું.1. શ્રીલંકાએ કચ્છથીવુ ટાપુ ભારતને પરત કરવો જોઈએ.2. શ્રીલંકાના વડાપ્રધાનને જણાવવું જોઈએ કે આ ટાપુ સાથે તમિળ લોકોની જનતાની લાગણી જોડાયેલી છે.