શ્રીનગરઅમુક પળો પેહલા
- કૉપી લિંક
સોમવારે આર્મી ચીફ મનોજ પાંડેની પૂંછ-રાજૌરીની મુલાકાત દરમિયાન તહેનાત એક જવાન.
ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના પુંછ-રાજૌરી સેક્ટરમાં વધુ સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેના આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ગ્રીડને વધુ મજબૂત કરવાની યોજના છે.
21 ડિસેમ્બરના રોજ રાજૌરીના ડેરા કી ગલી વિસ્તારમાં સેનાના વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સેનાએ આ નિર્ણય લીધો છે.
ઈન્ડિયા ટુડે અનુસાર અહીં તહેનાત જવાનોને સેનાના અલગ-અલગ કમાન્ડમાંથી અહીં લાવવામાં આવશે. થોડા મહિના પહેલા જ અહીં લશ્કરી ટુકડી તહેનાત કરવામાં આવી છે. આગામી બ્રિગેડને ટૂંક સમયમાં અહીં લાવવામાં આવશે.
આ દરમિયાન હુમલા બાદ આર્મી ચીફ મનોજ પાંડે સોમવારે (25 ડિસેમ્બર) પુંછ પહોંચ્યા હતા. તેઓ અહીં કમાન્ડરોને મળ્યા અને પ્રોફેશનલ રીતે કામ કરવાની સૂચના આપી.
સેનાએ પૂંછમાં 3 નાગરિકોના મોતની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ કરી
21 ડિસેમ્બરે થયેલા હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂછપરછ માટે લેવામાં આવેલા 8 શંકાસ્પદોમાંથી 3ના મૃતદેહ 22 ડિસેમ્બરે મળી આવ્યા હતા. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આર્મીએ હુમલાના કારણે નાગરિકની હત્યા કરવાના આરોપમાં સૈનિકો વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ કરી છે. સેનાએ સુરનકોટ બેલ્ટના પ્રભારી બ્રિગેડિયર સ્તરના અધિકારી અને 48 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોને હાલ ડ્યુટી પરથી હટાવી દીધા છે.
પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ 21 ડિસેમ્બરે થયેલા હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ સોશ્યિલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં M-4 રાઈફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ અમેરિકન M-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમ-4 રાઈફલ્સ પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી આતંકીઓ પાસે આવી હતી. આ રાઈફલ એ શસ્ત્રોનો એક ભાગ છે જેને અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતી વખતે છોડી દીધી હતી.
સેનાએ ઘટના સાથે સંબંધિત 4 જવાનોની બદલી કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે સૈનિકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. હાલનો કેસ અલગ હોવાથી તપાસ પૂર્ણ થયા બાદ અલગથી સ્પેશિયલ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બ્રિગેડિયર સ્તરના અધિકારી અને 48 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીર સરકારે ત્રણેય મૃતકોના પરિવારજનોને વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરી છે.
જાણો શું છે રાજૌરીમાં હાલની સ્થિતિ…
- પુંછ અને રાજૌરી જિલ્લામાં શનિવાર (23 ડિસેમ્બર)થી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોમવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
- આતંકવાદીઓને શોધવા માટે રાજૌરી, પૂંછ અને બાફલિયાઝમાં વધારાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની રાજૌરી મુલાકાત પહેલા સુરક્ષાકર્મીઓએ સુરનકોટ વિસ્તારમાં આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
સોમવારે પણ રાજૌરીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનના પુંછમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બે જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
કાનપુરના બિથુરમાં તેમના અંતિમ સંસ્કાર દરમિયાન આર્મીના જવાનો, પરિવાર અને સંબંધીઓએ હીરો કરણ કુમારને વિદાય આપી.
પૂછપરછનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધ્યો હતો
સુરક્ષા દળો દ્વારા જે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, તેમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં સફીર અહેમદ, મોહમ્મદ શૌકત અને શબ્બીર અહેમદનો સમાવેશ થાય છે.
પરિવારનો આરોપ છે કે મારપીટ દરમિયાન થયેલી ઈજાઓને કારણે આ લોકોના મોત થયા છે. સૈનિકોએ પૂછપરછ દરમિયાન આ લોકો સાથે સખ્તાઈ દાખવી હતી. જેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ પછી સેનાએ મામલાને ગંભીરતાથી લીધો.
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે સેનાનું કાઉન્ટર ઇન્સર્જન્સી યુનિટ વિવાદોમાં ફસાયું હોય. ઓક્ટોબર 2023 માં પણ, એક વરિષ્ઠ રેન્કના અધિકારીએ તેના સાથીદારો પર ગોળીબાર કર્યો હતો અને થાનામંડી નજીક બ્લુ પોસ્ટ કેમ્પની અંદર ગ્રેનેડ વિસ્ફોટ કર્યો હતો, જેમાં ત્રણ અધિકારીઓ સહિત પાંચ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
સૂત્રોનો દાવો- રાજૌરીમાં 30 આતંકીઓ એક્ટિવ છે
સેનાના સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા દળો પર હુમલો કરવા માટે લગભગ 30 પાકિસ્તાની આતંકવાદીઓ રાજૌરીના જંગલોમાં છુપાયેલા છે. 16 ડિસેમ્બરે પણ BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્તચર માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250 થી 300 આતંકીઓ પાકિસ્તાન બોર્ડર પર લૉન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.