નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે શુક્રવારે (2 ઓગસ્ટ) ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની SIT તપાસની માગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે આમાં દખલ કરવી એ કલમ 32 હેઠળ ખોટું અને સમયથી પહેલા હશે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે અમે એ આધાર પર આદેશ પસાર કરી શકતા નથી કે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચે થયેલી લેવડ-દેવડ (ક્વિડ પ્રો ક્વો) છે. ક્વિડ પ્રો ક્વો એટલે કોઈ વસ્તુના બદલામાં કંઈક આપવું અથવા કંઈક મેળવવું. CJI ચંદ્રચુડે એમ પણ કહ્યું હતું કે ટેક્સ એસેસમેન્ટ કેસની પુનઃ તપાસથી પણ ઓથોરિટીની કામગીરી પર અસર પડશે.
સર્વોચ્ચ અદાલતે NGO કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) સહિત 4 અરજીઓ પર સુનાવણી કરી હતી. તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડના નામે રાજકીય પક્ષો, કોર્પોરેશનો અને તપાસ એજન્સીઓ વચ્ચે સ્પષ્ટ લેવડ-દેવડ થાય છે.
ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. તેમજ SBIને ઈલેક્ટોરલ બોન્ડ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અરજીમાં દાવો હતો- ફાયદા માટે ફંડિગ કર્યું
માર્ચ 2024માં ઈલેક્ટોરલ બોન્ડના ડેટા સામે આવ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બે માંગણીઓ કરવામાં આવી હતી. પ્રથમ- ચૂંટણી બોન્ડ દ્વારા કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેના વ્યવહારોની SIT દ્વારા તપાસ થવી જોઈએ. SITની દેખરેખ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરે.
બીજી માગ એ હતી કે ખોટ કરતી કંપનીઓ (શેલ કંપનીઓ સહિત) રાજકીય પક્ષોને કેવી રીતે ભંડોળ પૂરું પાડે છે. રાજકીય પક્ષો પાસેથી ઈલેક્ટોરલ બોન્ડમાં મળેલી રકમની વસૂલાત કરવા અધિકારીઓને સૂચના આપવી જોઈએ, કારણ કે આ ગુના દ્વારા કમાયેલી રકમ છે.
અરજદારોએ દાવો કર્યો હતો કે કંપનીઓ નફા માટે બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડે છે. આમાં સરકારી કામના કોન્ટ્રાક્ટ, લાઇસન્સ, તપાસ એજન્સીઓ (CBI, IT, ED) દ્વારા તપાસ ટાળવી અને નીતિમાં ફેરફારનો સમાવેશ થાય છે.
પિટિશનમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સબસ્ટાન્ડર્ડ દવાઓનું ઉત્પાદન કરતી ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા, જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988નું ઉલ્લંઘન છે.
અરુણ જેટલી લાવ્યા હતા સ્કીમ, તેને 2017માં પડકારવામાં આવી, 2019માં સુનાવણી શરૂ થઈ
2017માં તેને રજૂ કરતી વખતે અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળા નાણા પર અંકુશ આવશે. તે જ સમયે, વિરોધીઓએ કહ્યું કે ચૂંટણી બોન્ડ ખરીદનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે.
બાદમાં આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી, પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ હતી. 12 એપ્રિલ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ માહિતી એક કવરમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, કોર્ટે આ સ્કીમને અટકાવી ન હતી.
પાછળથી ડિસેમ્બર 2019માં પિટિશનર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી. જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ અને રિઝર્વ બેંકની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પરની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી.