નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી છે. પોલીસ મારપીટ સમયના CCTV ફુટેજ અને DVR કલેક્ટ કર્યાં છે. હુમલાના આરોપી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. શનિવારે સાંજે 4.30 વાગ્યે સીએમ હાઉસમાંથી જ બિભવની ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસે બિભવની 7 દિવસની કસ્ટડી માગી હતી. દિલ્હી પોલીસ વતી એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે બિભવની કસ્ટડી અંગે દલીલ કરી હતી. બિભવને 23 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બિભવની ધરપકડ બાદ માલીવાલે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે બિભવે તેને લાફો, લાત અને મુક્કા માર્યા હતા.
ક્રાઈમ સીન રિ-ક્રિએશન માટે દિલ્હી પોલીસ બિભવને આજે સીએમ હાઉસ લઈ જઈ શકે છે. 17 મેના રોજ પોલીસ સ્વાતિ માલીવાલને સીન રિ-ક્રિએશન માટે લઈ ગઈ હતી. માલીવાલે આરોપ લગાવ્યો છે કે બિભવે 13 મેના રોજ સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. સ્વાતિએ 16મી મેના રોજ સાંજે 6.15 વાગ્યે FIR નોંધાવી હતી.
સ્વાતિનો દાવો- સીએમ હાઉસના CCTV ફૂટેજ ગાયબ છે
પોલીસે બિભવ પર કોર્ટમાં 4 આરોપો લગાવ્યા હતા
1. ફરિયાદી રાજ્યસભાના સાંસદ છે. તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. સંવેદનશીલ અંગો પર હુમલો કરવામાં આવ્યો હતો.
2. અમે ફૂટેજ માટે DVR માંગ્યું, અમને પેન ડ્રાઇવ આપવામાં આવી, જે ખાલી હતી.
3. પોલીસને એક આઈફોન આપવામાં આવ્યો હતો. બિભવ તેનો પાસવર્ડ શેર કરી રહ્યો નથી. આ ફોન ફોર્મેટ કરવામાં આવ્યો છે.
4. સાક્ષીઓ પર આરોપીનો પ્રભાવ છે. તેમને બરતરફ કરવામાં આવ્યા, પછી તેઓ મુખ્યમંત્રી આવાસ કેવી રીતે પહોંચ્યા. અમારે તપાસ કરવાની છે કે તે અસામાજિક તત્ત્વો સાથે જોડાયેલો છે કે નહીં.
રિમાન્ડ સામે બિભવના વકીલની 6 દલીલો
1. બિભવ કુમારના વકીલ રાજીવ મોહને કહ્યું. ઘટના 13 મેના રોજ બની હતી, તો પછી સ્વાતિએ FIR દાખલ કરવા માટે 3 દિવસ સુધી કેમ રાહ જોઈ. સ્વાતિએ કોઈ પૂર્વ એપોઈન્ટમેન્ટ લીધી ન હતી કે સીએમ હાઉસ જવાની પરવાનગી લીધી ન હતી.
2. રાજીવ મોહને કહ્યું કે મુખ્યમંત્રી જાહેર વ્યક્તિ છે, પરંતુ દરેક સમયે નહીં. દિલ્હી પોલીસ તથ્યો સાથે છેડછાડ કરી રહી છે. સ્વાતિએ પીસીઆર કોલ પર ફરિયાદ કરી. જો તેને માર મારવામાં આવ્યો હતો તો 13મી મેના રોજ એફઆઈઆર કેમ દાખલ કરવામાં ન આવી? તેમને શું રોકી રહ્યું હતું?
3. સ્વાતિના ફોન પછી પોલીસ પહોંચી, પરંતુ સ્વાતિને હોસ્પિટલ લઈ જવામાં ન આવી. પીસીઆર કોલ રેકોર્ડ કરવામાં આવે છે અને અધિકારી રિપોર્ટ ફાઇલ કરે છે. સ્વાતિએ પોલીસ સ્ટેશન જઈને ઘટનાની જાણ કરી. તેણે ફરિયાદ નોંધાવી ન હતી.
4. કોઈપણ સારવારનો ઉલ્લેખ નથી. રેકોર્ડ પર કોઈ તબીબી દસ્તાવેજો અથવા MLC નથી. 16 મે સુધી કોઈ સમાચાર ન હતા. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે કોઈ મોડું થયું નથી.
5. સીએમ હાઉસના ડ્રોઈંગ રૂમમાં સીસીટીવી નથી. ગેટ પર કેમેરા નથી. આ આપણા નિયંત્રણમાં નથી. પોલીસ વિભાગ પાસેથી ડેટા લઈ શકે છે. આ કેસમાં કોઈ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં 7 દિવસના રિમાન્ડની જરૂર નથી.
6. જો વોટ્સએપ પર ફરિયાદી સાથે કોઈ વિવાદ નથી, તો ફોનને ફોર્મેટ કરવાનો પ્રશ્ન ક્યાંથી ઊભો થાય છે? આરોપીને પાસવર્ડ આપવા દબાણ કરી શકાય નહીં. ધરપકડ ઉતાવળમાં કરવામાં આવી હતી. અમે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ધરપકડની કોઈ જરૂર નહોતી. ધરપકડ વાજબી નથી તેથી રિમાન્ડ ન આપવા જોઈએ.
ઘટનાના દિવસનો પ્રથમ વીડિયો
સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર અને મારપીટનો વીડિયો 17મી મેની સવારે સામે આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો સીએમ આવાસનો છે. જેમાં સ્વાતિ સોફા પર બેઠેલી જોવા મળી હતી. બિભવ બહાર આવ્યો અને સિક્યુરિટી પર્સનલને અંદર મોકલ્યો. બિભવે સ્ટાફને સ્વાતિ માલીવાલને બહાર ફેંકી દેવા કહ્યું.
આ વીડિયોમાં સ્વાતિ સીએમ આવાસમાં સોફા પર બેઠી છે. તેની આસપાસ સ્ટાફ ઊભો છે.
ઘટનાના દિવસનો બીજો વીડિયો
ઘટનાના છઠ્ઠા દિવસે એટલે કે 18મી મેના રોજ સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો સામે આવ્યો. 32 સેકન્ડના વીડિયોમાં પોલીસકર્મીઓ સ્વાતિ માલીવાલને સીએમ હાઉસમાંથી હટાવતા જોવા મળે છે.
આ વીડિયોમાં સ્વાતિ માલીવાલ કેજરીવાલના ઘરની બહાર નીકળતી જોવા મળી રહી છે.
સ્વાતિ 13 મેના રોજ સવારે 9 વાગે સીએમ હાઉસ પહોંચી, 16 મેની સાંજે એફઆઈઆર દાખલ કરી
સ્વાતિ માલીવાલ 13 મેના રોજ સવારે 9 વાગે અરવિંદ કેજરીવાલને મળવા સીએમ હાઉસ પહોંચી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે બિભવ કુમારે તેને માર માર્યો હતો અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. ઘટનાના ત્રણ દિવસ બાદ સ્વાતિએ 16 મેના રોજ સાંજે 6:15 વાગ્યે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી.
17 મેના રોજ મધરાતે 12ની આસપાસ, દિલ્હી પોલીસે એઈમ્સમાં માલીવાલનું મેડિકલ કરાવ્યું. આ રિપોર્ટ શનિવારે (18 મે)ના રોજ આવ્યો હતો, જેમાં માલીવાલની આંખો અને પગમાં ઈજાઓ જોવા મળી હતી. રિપોર્ટ આવ્યાના થોડા કલાકો બાદ દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી અને બિભવ કુમારની ધરપકડ કરી હતી.