12 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલીશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને એનો મસ્ત વીડિયો રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ પર શેર કર્યો છે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે એવી સંભાવના છે. આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં 1500થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ, હોટલ, બુક સ્ટોલ, સ્વિમિંગ પૂલ પણ હશે.
સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન વચ્ચે યાર્ડ એરિયામાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે આ સાબરમતી સ્ટેશન એ ટર્મિનલ સ્ટેશન હોવાથી એની નજીકમાં જ લોકોને એક જ જગ્યાએથી ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ સહિત અન્ય ખાનગી વાહનોની કનેક્ટિવિટી મળી રહે એ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય એવી શક્યતા છે.
બિલ્ડિંગમાં હોટલ, રેસ્ટોરાં, બુક સ્ટોલ, ગાર્ડન સહિત અન્ય સુવિધા હશે. બિલ્ડિંગના ત્રીજા માળે પેસેન્જરો બેસી શકે એ માટે કોન્કોર એરિયા છે, જ્યાં પેસેન્જરો બેસીને ચા-નાસ્તો કરી શકશે અને ત્યાંથી જ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન કે મેટ્રો સ્ટેશને સીધા જઈ શકશે. જ્યારે એ બ્લોકમાં કોન્કોર એરિયાની ઉપર વધુ 6 માળ છે, જેમાં વેઈટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ઓફિસો શરૂ કરાશે. જ્યારે બ્લોક બીમાં હોટલ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં હશે.
ટિકિટ વિન્ડો
આ હબમાં એક જ જગ્યાએથી પેસેન્જરોને બુલેટ ટ્રેનની ટિકિટ બારીની સાથે રેલવે ટિકિટ બારી, મેટ્રો ટિકિટ બારી, બીઆરટીએસની ટિકિટ બારીની સુવિધા મળશે.
8 એસ્કેલેટર, 2 ટ્રાવેલેટર, 13 લિફ્ટ હશે
આ હબને હાલ 13 લિફ્ટ, 8 એસ્કેલેટર, 2 ટ્રાવેલેટર, સીસીટીવી, આગથી સુરક્ષાનાં સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.
કોઈપણ ટ્રેન પકડવા આ કોરિડોરથી પસાર થવું પડશે
મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાંથી બુલેટ ટ્રેન, મેટ્રો કે સાબરમતી સ્ટેશનથી ટ્રેન પકડવા માટે 300થી 600 મીટર જેટલું ચાલીને જવું પડશે. એ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે.

ઓવરબ્રિજ અને ટ્રાવેલેટરની સુવિધા
આ બિલ્ડિંગની સાથે સાથે સાબરમતી જેલ રોડ અને ધર્મનગર સ્ટેશનને ફૂટ ઓવરબ્રિજ અને ટ્રાવેલેટર સાથે જોડાશે. હબને મેટ્રો અને બીઆરટીએસ સ્ટેશન સાથે ફૂટ ઓવરબ્રિજથી જોડ્યા છે.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ 14 સપ્ટેમ્બર, 2017ના રોજ અમદાવાદમાં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રોજેક્ટને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. 100 KM પુલ પૂર્ણ થયો છે અને 250 KM પુલ બનાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં પ્રથમ પર્વતીય ટનલ તોડવાનું કામ પણ પૂર્ણ થયું
ગુજરાતના વલસાડ જિલ્લામાં 350 મીટર લંબાઈની પ્રથમ પર્વતીય ટનલ તોડવાનું કામ પૂર્ણ થયું છે અને ગુજરાતના સુરત જિલ્લામાં 70 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. એ 28 સ્ટીલ બ્રિજમાંથી પ્રથમ છે, જે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR)નો ભાગ હશે.

બુલેટ ટ્રેનનો 7 કિમીનો ભાગ દરિયાની નીચે હશે
- 508 કિમીના રૂટમાંથી 351 કિમી ગુજરાતમાંથી અને 157 કિમી મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કુલ 92% એટલે કે 468 કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટેડ કરવામાં આવશે.
- મુંબઈમાં 7 કિલોમીટરનો વિસ્તાર સમુદ્રની નીચે રહેશે. 25 કિમીનો માર્ગ ટનલમાંથી પસાર થશે. 13 કિમીનો ભાગ જમીન પર હશે. બુલેટ ટ્રેન 70 હાઈવે અને 21 નદી પાર કરશે. 173 મોટા અને 201 નાના પુલ બનાવવામાં આવશે.
- એ 10 કોચવાળી 35 બુલેટ ટ્રેન સાથે શરૂ થશે. આ ટ્રેનો દરરોજ 70 ટ્રિપ કરશે. બુલેટ ટ્રેનમાં 750 લોકો બેસી શકશે. બાદમાં 1200 લોકો માટે 16 કોચ હશે. 2050 સુધીમાં આ ટ્રેનોની સંખ્યા વધારીને 105 કરવાની યોજના છે.

પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવાનું શરૂ થશે
અગાઉ વર્ષ 2022 સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય હતું. પછી એને વધારીને 2023 કરવામાં આવી. આ પછી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હવે એ 2026 સુધીમાં કાર્યરત થવાની આશા છે. આ પ્રોજેક્ટમાં ભારતને જાપાનની મદદ મળી રહી છે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. એકવાર આવું થઈ જાય, ભારત હાઇ સ્પીડ ટ્રેન નેટવર્ક ધરાવતા 15 દેશની ચુનંદા ક્લબમાં જોડાઈ જશે.
