51 મિનિટ પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગમે તે ઘડીએ ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે આ બધા વચ્ચે આવેલા એક સમાચારે ભારતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની જેમ ફરી એકવાર ભાજપને સરપ્રાઇઝ આપવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોનિયા ગાંધી BSP સુપ્રીમો અને દેશના સૌથી મોટા દલિત નેતા એવા માયાવતીને I.N.D.I.A ગઠબંધનના PM ઉમેદવાર જાહેર કરી શકે છે. જો આવું થયું તો 2024માં ચોકાવનારા પરિણામો પણ આવી શકે છે અને અત્યાર સુધી સરળ અને એકતરફી લાગતી લોકસભાની ચૂંટણીમાં જોરદાર રસાકસી જામશે. તો આવો જાણીએ કે માયાવતી I.N.D.I.A ગઠબંધનના PM ઉમેદવાર જાહેર થાય તો કેવી રીતે 2024 લોકસભાની ચૂંટણીના તમામ સમીકરણો બદલાઇ જશે.
માયાવતીને PM પદના ઉમેદવાર બનાવવા પાછળ સોનિયા ગાંધીની રણનીતિ
આપણે સૌપ્રથમ એ સમાચાર વિશે જાણીએ કે જે આવનારી લોકસભાની ચૂંટણીમાં મોટો ઉલટફેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે માયાવતીને I.N.D.I.A ગઠબંધન સાથે ચૂંટણી લડવા માટે મનાવવામાં આવી રહ્યા છે અને વાતચીત અંતિમ ચરણમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીને PM પદના ઉમેદવાર બનાવવા પાછળ સોનિયા ગાંધીની રણનીતિ કામ કરી રહી છે. તેમની પહેલ પર જ પ્રિયંકા ગાંધીએ આ વાતચીતને આગળ વધારી છે. બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે માયાવતીને I.N.D.I.A ગઠબંધન હેઠળ 25 સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 17 અને સપાને 38 સીટો મળી શકે છે. અને જો બધું બરાબર રહ્યું તો બહુજન સમાજ પાર્ટી ચૂંટણી જાહેર થતા જ I.N.D.I.A ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. હજુ પણ જ્યાં સુધી માયાવતી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય ન લે ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે.
સોનિયા ગાંધી અને માયાવતી
શું આ શાંતિ કોઈ મોટા વાવાઝોડાની તૈયારી તો નથી ને?
લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે તેમ છે. પરંતુ BSPના સાંસદો અને કાર્યકરો સતત પાર્ટી છોડી રહ્યા છે. પરંતુ માયાવતી તરફથી એક વિચિત્ર મૌન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે શું આ શાંતિ કોઈ મોટા વાવાઝોડાની તૈયારી તો નથી ને? જે પક્ષે 2019માં ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો પર સમાજવાદી પાર્ટી કરતાં બમણી બેઠકો જીતી, દેખીતી રીતે તેનો ઉત્સાહ અખિલેશ યાદવ કરતાં બમણો હોવો જોઈએ. પણ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. બહુજન સમાજ પાર્ટીએ 2019માં સમાજવાદી પાર્ટીની 5 બેઠકો સામે 10 બેઠકો જીતી હોવા છતાં 2024 માટે એક અકળ મૌન ધારણ કર્યું છે. એવું તો શું કારણ છે કે BSPએ હજુ સુધી રેલીઓ કે સભાઓ શરૂ નથી કરી? ન તો BSPએ તેના ઉમેદવારોની કોઈ યાદી બહાર પાડી. તો શું આ રહસ્યમય શાંતિ પાછળ કંઈ ખાસ છે? અને જેના પત્તા BSP ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ જ ખોલશે. તો શું આ વાત પરથી એવો સંકેત માની શકાય કે માયાવતી અને I.N.D.I.A ગઠબંધનન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને મામલો PM ઉમેદવાર બનવા પર અટકી ગયો છે.
BSP-SP ઉમેદવારો પસંદ કરવામાં વિલંબ કરી રહ્યા છે
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે BSPએ હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ભાજપે રાજ્યની 51 બેઠકો પર તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે SPએ પણ 31 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ હજુ સુધી તેની બાકીની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકી નથી. આ બંને પક્ષોના ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબથી I.N.D.I.A ગઠબંધનમાં કંઈક રંધાઇ રહ્યું હોવાની શંકા વધુ પ્રબળ બની રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે BSPએ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી લગભગ ફાઇનલ કરી દીધી છે. હવે રાહ શેની જોવાઇ રહી છે તે વિચારવા જેવી બાબત છે.
અખિલેશે માયાવતીને PM પદના ઉમેદવાર બનાવાના સંકેત આપ્યા
અખિલેશ યાદવે પણ માયાવતીના પીએમ પદના ઉમેદવાર બનવાના સંકેત આપ્યા હતા. માયાવતીએ થોડા દિવસો પહેલા અખિલેશની ટીકા કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એકલા જ ચૂંટણી લડશે. તે પછી અખિલેશના નિવેદને સંકેત આપ્યો હતો કે ક્યાંક અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે માયાવતીને I.N.D.I.A ગઠબંધનનમાં સામેલ કરવા માટે વડાપ્રધાન પદના પદની ઓફર કરવામાં આવી શકે છે. એકલા ચૂંટણી લડવાના નિર્ણયની સાથે જ માયાવતીએ અખિલેશ યાદવને કાચીંડાની જેમ રંગ બદલતા ગણાવ્યા હતા. આ પછી સપા પ્રમુખ અખિલેશ યાદવનું નિવેદન સામે આવ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમની પાર્ટી બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાનું સપનું જોઈ રહી છે. માયાવતીનું નામ લીધા વિના અખિલેશ યાદવે કહ્યું હતું કે એક સમયે સપાએ તેમને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અખિલેશે કહ્યું હતું કે વડાપ્રધાન એવા વર્ગમાંથી હોવા જોઈએ જેણે હજારો વર્ષોથી સમાજની તમામ ખરાબીઓનો સામનો કર્યો છે.
BSPના લોકો પણ કરી રહ્યા છે માગ
BSPના નેતાઓ તરફથી ઘણી વખત માયાવતીને PM પદ માટે દાવેદાર બનાવવાની માગ થતી રહી છે. BSPમાં કોઈ પણ નેતાની હિંમત નથી કે તે સુપ્રીમોની સંમતિ વિના તેને સંબંધિત કોઈ નિવેદન આપે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા, BSP સાંસદ મલૂક નાગરે માગ કરી હતી કે આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે તેમને વડાપ્રધાનનો ચહેરો બનાવવામાં આવે. નાગરના આ નિવેદનને માયાવતીના પક્ષ દ્વારા I.N.D.I.A ગઠબંધનનમાં જોડાવાની શરત તરીકે જોવામાં આવ્યું હતું. અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલુક નાગરના શબ્દોને હળવાશથી લઈ શકાય નહીં. નાગરે કહ્યું હતું કે જો I.N.D.I.A ગઠબંધનન ખરેખર ભાજપને હરાવવા માંગે છે, તો તેણે માયાવતીને ભારત ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા પડશે, જો આવું નહીં થાય, તો મોદીને રોકવા કોઈપણ જોડાણ માટે શક્ય નથી.
I.N.D.I.A ગઠબંધન માટે નફાકારક સોદો
I.N.D.I.A ગઠબંધન જાણે છે કે રામ મંદિરની લહેરને ધ્યાનમાં રાખીને યુપીમાં ભાજપ સાથે સ્પર્ધા કરવી સરળ નથી. 2019ની ચૂંટણીમાં જ્યારે BSP, RLD, સુભાસપા, SP અને અન્ય પછાત નેતાઓ પણ સાથે હતા ત્યારે પણ ભાજપને રોકી નહોતું શકાયું. BSP સાંસદ મલુક નાગરનું કહેવું છે કે માયાવતીના 13 ટકા વોટ અને વિપક્ષના 37-38 ટકા વોટ I.N.D.I.A ગઠબંધનનને નિર્ણાયક લીડ આપી શકે છે. કારણ કે BSP અને વિપક્ષના વોટ મળીને યુપીમાં ભાજપને મળેલા 44 ટકા વોટ કરતા ઘણા વધારે છે. મલુક નાગરની વાતને નકારી શકાય તેમ નથી જો માયાવતીને I.N.D.I.A ગઠબંધનન દ્વારા વડાપ્રધાનનો ચહેરો જાહેર કરવામાં આવે તો BSPના મુખ્ય મતદારોના સો ટકા વોટ I.N.D.I.A ગઠબંધનનને જશે તે નિશ્ચિત છે.
લગભગ બે દાયકાથી માયાવતીનો પ્રભાવ
હવે એ જાણીએ કે પોતાના રાજકીય જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થતા માયાવતીની I.N.D.I.A ગઠબંધનને જરૂર કેમ પડી. માયાવતીને બહુજન સમાજ પાર્ટી કાંશીરામ પાસેથી વારસામાં મળી હતી, જેમણે દલિત રાજકારણને નવો આયામ આપ્યો હતો. 1990 અને આ સદીના પહેલા દાયકામાં માયાવતીની રાજનીતિમાં ચમક જોવા મળી હતી. 1990 અને આ સદીનો પહેલો દશક એટલે કે બે દાયકા, ઉત્તર પ્રદેશનું રાજકારણ માયાવતીના પ્રભાવ અને વર્ચસ્વ સાથે જોડાયેલા છે. આ બે દાયકાઓમાં પ્રદેશના રાજકીય સમીકરણોને સાધીને માયાવતી યુપીની 4 વખત મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા. પ્રથમ માયાવતી જૂન 1995થી ઓક્ટોબર 1995 સુધી મુખ્યમંત્રી હતા. બીજી વખત તેઓ માર્ચ 1997થી સપ્ટેમ્બર 1997 સુધી મુખ્યમંત્રી બન્યા. માયાવતી મે 2002થી ઓગસ્ટ 2003 સુધી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. માયાવતીને ચોથી વખત મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની તક મળી. માયાવતી મે 2007થી માર્ચ 2012 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
પ્રથમ દલિત PM બનાવવા માટે દેશના દલિતો એકજૂટ થાય
હવે એ જાણીએ કે માયાવતી I.N.D.I.A ગઠબંધન તરફથી PM ઉમેદવાર બને છે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં શું મોટો ઉલટફેર થશે. માયાવતી દેશનો સૌથી મોટો દલિત ચહેરો છે. તેમની સાથે દેશના દલિત સમુદાયના લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ભારતમાં કુલ મતદારોમાં આશરે 20થી 22 ટકા દલિત મતદારો છે. I.N.D.I.A ગઠબંધનના એક નિર્ણયથી આ વોટ બેંક એકજૂટ થવાની શક્યતા છે. બની શકે કે દેશના પ્રથમ દલિત PM બનાવવાના નામે દેશના દલિતો એકજૂટ થઇને મતદાન કરે. I.N.D.I.A ગઠબંધન જાણે છે કે રામ મંદિરની લહેરને ધ્યાનમાં રાખીને યુપીમાં ભાજપ સાથે સ્પર્ધા કરવી સરળ નથી. 2019ની ચૂંટણીમાં જ્યારે BSP, RLD, સુભાસપા, SP અને અન્ય પછાત નેતાઓ સાથે હતા ત્યારે પણ ભાજપને રોકી નહોતું શકાયું. ત્યારે જો આ સમયે માયાવતીનો સાથ મળી જાય તો ભાજપને રોકી શકાય. ભાજપની પ્રચંડ જીત માટે દલિત મતદારોનો પણ મોટો ફાળો છે. જો આ મત છટકી જાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી જીતવામાં ચોક્કસથી મુશ્કેલી આવે.
અનુસૂચિત જાતિઓ ભારતમાં એક વિશાળ વોટ બેંક
માયાવતી જે ઝડપે રાજનીતિમાં સફળતાની સીડી ચઢી તે ચમત્કારિક લાગે, પરંતુ તેની પાછળ એક કારણ હતું. અનુસૂચિત જાતિઓ ભારતમાં એક વિશાળ વોટ બેંક છે અને તેમની વસ્તી લગભગ 25 કરોડ છે. યુપીમાં, દલિતો વસ્તીના 22% છે. પંજાબમાં જ્યાં કાંશીરામનો જન્મ થયો હતો ત્યાં દલિતોની વસ્તી 32% છે જે દેશમાં સૌથી વધુ છે. ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં અનુસૂચિત જાતિ મહત્વની ભૂમિકા ભજવે છે અને માયાવતી આ વર્ગના સૌથી સફળ નેતા છે.
માયાવતીએ કાર્યક્ષમતાથી સરકાર ચલાવી હતી
2007થી 2012 સુધીના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કાર્યક્ષમતાથી સરકાર ચલાવી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો હતો અને રમખાણો, બળાત્કાર વગેરેના બનાવોમાં ઘટાડો થયો હતો. તેમણે ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી. ભ્રષ્ટાચાર પણ તેમના કાર્યકાળ દરમિયાન અગાઉની સરકારોની સરખામણીમાં ઘટ્યો હતો. તેમણે અત્યાર સુધી ઉપેક્ષિત પછાત વર્ગના પ્રતીકોને માન આપીને ઐતિહાસિક નેરેટિવમાં પણ સુધારો કર્યો. 2007-08માં, તેણીએ 26 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો, જે દેશમાં સૌથી વધુમાંનો એક હતો.
માયાવતી સ્વ.કાંશીરામ સાથે
કાંશીરામે માયાવતીમાં સંભાવના જોઈ હતી
1995માં જ્યારે તે પહેલીવાર યુપીની મુખ્યમંત્રી બન્યા ત્યારે તે આ રાજ્યની સૌથી યુવા મુખ્યમંત્રી હતા. 1989માં જ્યારે તે બિજનૌરથી સાંસદ તરીકે ચૂંટાઈ ત્યારે તે માત્ર 33 વર્ષના હતા. ત્યારથી તે ઘણી વખત લોકસભા અને રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. માયાવતીના પિતા યુપીના દાદરી પાસેના એક ગામમાં પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા. તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને કાલિંદી કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા અને ડીયુની લો ફેકલ્ટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી B.Ed પણ કર્યું છે. 1977માં, જ્યારે તે સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી કરતા હતા, ત્યારે તેમના માર્ગદર્શક કાંશીરામને મળ્યા. કાંશીરામનું વિઝન સામાજિક રીતે ન્યાયી ભારતનું નિર્માણ કરવાનું હતું અને ડૉ. મનમોહન સિંહે તેમને આપણા સમયના મહાન સમાજ સુધારકોમાંના એક તરીકે ઓળખાવ્યા હતા. કાંશીરામે માયાવતીમાં સંભાવના જોઈ હતી.
કાંશીરામની આગાહી સાચી પડી
માયાવતી આઈએએસ અધિકારી બનવા ઈચ્છતા હતા, પરંતુ કાંશીરામે તેમને કહ્યું કે જો તેઓ રાજકારણમાં આવશે તો ઘણા આઈએએસ અધિકારીઓ તેમને રિપોર્ટ કરશે. અને તેમની આગાહી નાટકીય રીતે સાચી પણ સાબિત થઈ. બહુજન સમાજ પાર્ટી (BSP)ની સ્થાપના 1984માં થઈ હતી. 1989 સુધીમાં માયાવતીએ લોકસભામાં પ્રવેશ કર્યો. માત્ર છ વર્ષ બાદ તે યુપીના મુખ્યમંત્રી બન્યા. 2001માં કાંશીરામે જાહેરાત કરી કે ‘બેહનજી’ તેમના અનુગામી હશે અને તે BSPના પ્રમુખ બન્યા.
BSP માટે ગઠબંધન કેમ જરૂરી?
આ ગઠબંધન ન માત્ર I.N.D.I.A ગઠબંધન પરંતુ BSP માટે પણ અનેક સંભાવના લઇને આવ્યું છે. જેટલી I.N.D.I.A ગઠબંધનને તેની જરૂર છે તેટલી જ BSPને પણ જરૂર છે. જો માયાવતી I.N.D.I.A ગઠબંધન તરફથી PM ઉમેદવાર બને છે તો BSPમાં એક નવી ઉર્જા આવશે. છેલ્લા ઘણા વર્ષોથી હાંસિયામાં ધકેલાઇ ગયેલી BSP ફરી એકવાર દેશના રાજકારણમાં કેન્દ્ર સ્થાને આવશે. તે ફરી એકવાર પોતાની મૂળભૂત વોટ બેંકને એકજૂટ કરી શકશે. બની શકે કે દેશના પ્રથમ દલિત PM બનાવવાના નામે દેશના દલિતો એકજૂટ થઇને મતદાન કરે. અને BSPમાં જે નાસભાગની સ્થિતિ સર્જાઇ છે તેના પર પણ નિયંત્રણ આવશે.
BSPનો ઘટતો વોટ શેર
2019ની સામાન્ય ચૂંટણીમાં BSPને લગભગ 22% વોટ મળ્યા. પાર્ટીએ સપા સાથે ગઠબંધન કરીને 38 સીટો પર ચૂંટણી લડી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં BSPના વોટ શેરમાં 10%નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ 403 સીટો પર ચૂંટણી લડીને બસપા માત્ર 12.8% વોટ મેળવવામાં સફળ રહી હતી. જે 1993માં તેની રચના પછી પક્ષને તેની પ્રથમ ચૂંટણીમાં મળેલા મત કરતાં થોડા જ વધુ મત હતા. 1993 અને 2022ની વચ્ચે બસપાને યુપીમાં ક્યારેય 19%થી ઓછા વોટ મળ્યા નથી. તેનો સ્પષ્ટ મતલબ છે કે 2022 પછી પાર્ટીના વળતા પાણી શરૂ થઇ ગયા છે. 2007ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે તે દલિતો અને ઉચ્ચ જાતિઓના વ્યાપક ગઠબંધન સાથે ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીને 30.7% મતો મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે બસપાને યુપીમાં એક પણ સીટ મળી ન હતી, ત્યારે તેનો વોટ શેર હજુ પણ 19.77% હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે તેણે 19 બેઠકો જીતી હતી, ત્યારે તેનો વોટ શેર 22.23% હતો. દેખીતી રીતે જ પાર્ટી તેના ઘટતા વોટ શેરથી ચિંતિત છે. આ માટે માયાવતી I.N.D.I.A ગઠબંધનમાંથી આવતા પીએમ પદના ઉમેદવારની તક ગુમાવવા માંગશે નહીં. જો તે પીએમ બનવાની આશા ન રાખતા હોય તો પણ તે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સોદો સાબિત થશે.
ગઠબંધન માયાવતી માટે હંમેશા ફળદાયી
તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ગઠબંધન હંમેશા બહુજન સમાજ પાર્ટી માટે ફળદાયી રહ્યું છે. 1993માં જ્યારે બસપાએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું ત્યારે માયાવતીની પાર્ટીની 12 બેઠકોથી વધીને 67 બેઠકો થઈ. 1996માં, જ્યારે બહુજન સમાજ પાર્ટીએ પંજાબમાં અકાલી દળ સાથે ગઠબંધન કર્યું, ત્યારે તેણે ત્રણ લોકસભા બેઠકો જીતી. 2022માં પણ માયાવતીએ અકાલી દળ સાથે ગઠબંધન કરી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારને તેમના મત ટકાવારીથી જીતાડ્યા. પંજાબ સિવાય માયાવતીએ 2018માં અજીત જોગી સાથે છત્તીસગઢમાં ચૂંટણી લડી હતી અને ફાયદામાં રહ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે પોતાનું નુકસાન વેંઠીને માયાવતી સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણી પરિણામોમાં BSPને કુલ 10 લોકસભા સીટો મળી છે જ્યારે સમાજવાદી પાર્ટીને માત્ર 5 સીટો પર જ સફળતા મળી શકી છે. માયાવતી આ વાત સારી રીતે સમજે છે, તેઓ માત્ર સારી ઓફરની રાહ જોઈ રહ્યા છે અને પીએમ પદ માટે ઉમેદવારી કરતાં આનાથી સારી ઓફર કઈ હોઈ શકે?
લોકસભા ચૂંટણીના પરિણામો માયાવતીના રાજકારણની સ્થિતિ અને દિશા નક્કી કરશે
2024 ઘણા રાજકીય પક્ષોના અસ્તિત્વના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. તેમાંથી એક રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા છે. આગામી લોકસભા ચૂંટણીના પરિણામો BSP પ્રમુખ માયાવતીના રાજકારણની સ્થિતિ અને દિશા બંને નક્કી કરશે. બહુજન સમાજ પાર્ટીનું રાજકારણ મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તેનો એક નાનો પરંતુ લોકપ્રિય આધાર છે. રાજકીય દૃષ્ટિકોણથી માયાવતી અને તેમની પાર્ટી માટે છેલ્લો દાયકા ખૂબ જ ખરાબ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં તેની કોર વોટ બેંકને કારણે BSPનો હજુ પણ સારો આધાર છે, પરંતુ તેમ છતાં આપણે જોયું છે કે છેલ્લા દસ વર્ષમાં માયાવતીની રાજનીતિ ઝડપથી પતન તરફ ગઈ છે. માર્ચ 2012થી માયાવતી ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદની નજર માયાવતીની વોટ બેંક પર
યુપીનો 22 ટકા દલિત સમુદાય બે ભાગમાં વહેંચાયેલો છે. એક જાટવ છે, જેની વસ્તી લગભગ 12 ટકા છે અને બીજી 10 ટકા બિન-જાટવ દલિતો છે. માયાવતી જાટવ સમુદાયમાંથી આવે છે. ચંદ્રશેખર આઝાદ પણ જાટવ છે અને માયાવતીની જેમ પશ્ચિમ યુપીમાંથી આવે છે. જાટવ વોટ બીએસપીના હાર્ડકોર વોટર માનવામાં આવે છે, જેને ચંદ્રશેખર કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ BSPના સ્થાપક કાંશીરામની પુણ્યતિથિએ 9 ઓક્ટોબરે નગીના વિસ્તારમાંથી મિશન-2024 લોન્ચ કરશે. આ રીતે કાંશીરામના રાજકીય વારસાની મદદથી ચંદ્રશેખરે દલિતોના દિલમાં સ્થાન બનાવવા અને બસપાના રાજકીય મેદાન પર કબજો જમાવવાની યોજના બનાવી છે.
ચંદ્રશેખર દલિત મુદ્દા પર સતત સક્રિય, યુવાનોમાં લોકપ્રિય
ચંદ્રશેખર કાંશીરામની પુણ્યતિથિ પર રેલી 2024ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા પાછળ તેમની સારી રીતે વિચારેલી વ્યૂહરચના છે. BSP કાંશીરામની પુણ્યતિથિ અને તેમની જન્મજયંતિ પર મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે. માયાવતી જ્યારે સત્તામાં હતી ત્યારે મોટી રેલીઓ કરતી હતી, પરંતુ હવે તે લખનૌના કાંશીરામ પાર્કમાં જઈને તેમની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવા પૂરતી મર્યાદિત છે. ચંદ્રશેખર કાંશીરામના બહાને બસપા રાજકીય મેદાન પર પોતાની પકડ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાંશીરામે પરિનિર્વાણ દિવસને દલિત મતદારો સુધી પહોંચવાનું માધ્યમ બનાવ્યું છે. ચંદ્રશેખર દલિત મુદ્દા પર સતત સક્રિય છે અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા પણ વધી રહી છે. ખાસ કરીને પશ્ચિમ યુપીમાં. જો દલિતોનો યુવા વર્ગ તેમની સાથે જોડાય તો તે માયાવતી માટે ચિંતાનું કારણ બની શકે છે.
કોંગ્રેસનું ધ્યાન બસપાના મતો પર
ઉત્તર પ્રદેશમાં, કોંગ્રેસ તેની જૂની દલિત વોટ બેંકને ફરીથી જોડવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. કોંગ્રેસ કાંશીરામની પુણ્યતિથિ પર 9 ઓક્ટોબરથી દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમ શરૂ કરી રહી છે. તેના દ્વારા તે દલિતોમાં જનજાગૃતિ ફેલાવશે, તેમના મંતવ્યો સાંભળવાની સાથે તેને એક લાખ દલિત અધિકારના કાગળો પણ ભરાવશે. કાંશીરામને શ્રદ્ધાંજલિ આપવા સાથે, તે તેમના સંદેશાઓનો પ્રચાર પણ કરશે. દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમ પણ એ જ દિવસથી શરૂ થશે અને તે બંધારણ દિવસ એટલે કે 26મી નવેમ્બર સુધી ચાલશે. આ ઝુંબેશ દ્વારા કોંગ્રેસનો ઉદ્દેશ્ય દલિત સમુદાયના ડોકટરો, એન્જિનિયરો, શિક્ષકો અને અન્ય બુદ્ધિજીવીઓમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો છે.
SP પણ બહુજનોને સાધવાના પ્રયાસમાં
SP પણ હવે યાદવ-મુસ્લિમો સાથે દલિતો અને અત્યંત પછાત વર્ગોને એક કરવાના મિશનમાં વ્યસ્ત છે. અખિલેશ યાદવે કહ્યું છે કે સપા લોહિયાની સાથે આંબેડકર અને કાંશીરામના વિચારોને અનુસરશે. સપાની નજર સંપૂર્ણપણે દલિત મતો પર છે, જેના માટે તેમણે કાંશીરામની પ્રયોગશાળામાંથી બહાર આવેલા બસપાના તમામ નેતાઓને સામેલ કર્યા છે અને તેમના દ્વારા દલિતોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંબેડકર વાહિનીની રચના કરવાની સાથે જ તેમણે કાંશીરામની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. એટલું જ નહીં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો લોહિયાવાદીઓ અને આંબેડકરવાદીઓ સાથે આવે તો તેમને કોઈ હરાવી નહીં શકે. સપા ઘણા દલિત નેતાઓને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે, જેના દ્વારા તે 22 ટકા મત મેળવવાની યોજના ધરાવે છે.
ભાજપનું દલિત મિશન
બિન-જાટવ દલિતોને સામેલ કરવામાં ભાજપ ઘણી હદ સુધી સફળ રહ્યું છે અને હવે તેની નજર જાટવ મતો પર છે. BSP દલિત સમુદાયમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ દ્વારા ભાજપે દલિત સમાજમાં મોટી વોટબેંક બનાવી છે. એટલું જ નહીં, સંઘ સામાજિક સમરસતા દ્વારા દલિત સમુદાયનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે તે ગામ-ગામ અભિયાન પણ ચલાવી રહ્યું છે. ભાજપ દલિત સમાજની વિવિધ જ્ઞાતિઓને સરકાર અને સંગઠનમાં સ્થાન આપીને રાજકીય સંદેશ આપવાનો પણ પ્રયાસ કરી રહી છે.
RLDનું દલિત કાર્ડ
ચૌધરી ચરણ સિંહ અને ચૌધરી અજીત સિંહનો રાજકીય વારસો સંભાળી રહેલા આરએલડીના વડા જયંત ચૌધરી પણ દલિત મતો પર નજર રાખી રહ્યા છે. દલિતો વોટ ઉમેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જયંતે તેમના ધારાસભ્યોને એમએલએ ફંડના 33 ટકા દલિત વસાહતો અને તેમના વિકાસ માટે ખર્ચવા સૂચના આપી છે. એટલું જ નહીં તેણે દલિત નેતા ચંદ્રશેખર આઝાદ સાથે પણ હાથ મિલાવ્યા છે. ખતૌલી પેટાચૂંટણીમાં આરએલડી ચંદ્રશેખર દ્વારા દલિતોના મતો ઉમેરવામાં સફળ રહી હતી. જયંત ચૌધરી પશ્ચિમ યુપીમાં જાટ-મુસ્લિમ-દલિત-ગુર્જર સમીકરણ બનાવવામાં વ્યસ્ત છે અને તેના માટે ગામ-ગામ પ્રચાર પણ કરી રહ્યા છે.
માયાવતી 2024નો પડકાર સ્વીકારશે?
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે માયાવતી રાજકીય રીતે સાવ નિષ્ક્રિય કેમ થઈ ગયા? જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપ પાસે તેમની મિલકતો વિશે માહિતી છે જેના માટે તેમને દોષી ઠેરવી શકાય છે. આ કારણે તેમણે બેકસીટ પર રહેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમનું દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમનું સંયોજન હજુ પણ ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા છે. ગત લોકસભા ચૂંટણીમાં બસપાએ 10 બેઠકો જીતી હતી, જ્યારે તેની સહયોગી સમાજવાદી પાર્ટી માત્ર 5 બેઠકો મેળવી શકી હતી. ત્યારે બસપા હજુ પણ ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું તેઓ 2024નો પડકાર સ્વીકારશે?.