(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મંગળવારે મોડી રાતે ઉમેદવારોની છઠ્ઠી યાદી જારી કરી છે. આ યાદીમાં કુલ નવ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં મહારાષ્ટ્રના સાત અને કેરળના બે ઉમેદવારનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ ૧૧ એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૧૪૬ ઉમેદવારનાં નામ જાહેર કરી ચૂકી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
કોંગ્રેસે કેરળની અલાપુઝા બેઠક પરથી શનિમોલ ઉસ્માન અને અતિંગલ સીટ પરથી અડૂર પ્રકાશને ઉમેદવાર બનાવ્યા છે. અલાપુઝા સીટનું પ્રતિનિધિત્વ હાલ એઆઈસીસીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ કરી રહ્યા છે.
કોંગ્રેસે મહારાષ્ટ્રની નન્દુનબાર બેઠકથી કે.સી. પાડવી, ધુલેથી કુણાલ કોહિદાસ પાટિલ, વર્ધાથી ચારુલત્તા ખાજાસિંહ ટોકસ, યવતમાલ-વાસિમથી માનિકરાવ જી. ઠાકરે, મુંબઈ દક્ષિણ સેન્ટ્રલ બેઠક પરથી એકનાથ ગાયકવાડ, શિરડીથી ભાઉસાહેબ કાંબલે અને રત્નાગિરી-સિંધુદુર્ગથી નવીનચંદ્ર બાંદિવડેકરને ઉમેદવાર બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસે પહેલી યાદીમાં ૧૫ ઉમેદવારનાં નામ, બીજી યાદીમાં ૨૧, ત્રીજી યાદીમાં ૧૮, ચોથી યાદીમાં ૨૭ અને પાંચમી યાદીમાં સૌથી વધુ ૫૬ બેઠકો માટે ઉમેદવારનાં નામ જાહેર કરી ચૂકી છે.