સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બુધવારે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે સંજુને દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ બુધવારે આ જાણકારી આપી.
IPLની 17મી સિઝનમાં બુધવારે રાજસ્થાન રોયલ્સનો આ સિઝનનો પ્રથમ પરાજય થયો હતો. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા. ગુજરાતે 197 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
20મી ઓવરમાં ગુજરાત જીત્યું, આ ઓવરમાં માત્ર 4 ખેલાડી બાઉન્ડરી પર હતા
ગુજરાતને 20મી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. રાજસ્થાનની ટીમ નિર્ધારિત સમયે ઓવર પૂરી કરવાથી 5 મિનિટ પાછળ રહી ગઈ હતી. જેના કારણે છેલ્લી ઓવરમાં સંજુ 5ને બદલે માત્ર 4 ખેલાડીઓને જ બાઉન્ડરી પર મોકલી શક્યો હતો. GTનો રાશિદ ખાને 3 ચોગ્ગા ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.
IPL અધિકારીઓએ કહ્યું કે આ સિઝનમાં રાજસ્થાનની ટીમની આ પહેલી ભૂલ હતી, તેથી IPLની આચાર સંહિતા અનુસાર ન્યૂનતમ સજા આપવામાં આવી છે.
GTનો કેપ્ટન શુભમન ગિલ અને RRનો કેપ્ટન સંજુ સેમસનની આ તસવીર બુધવારની મેચની છે. સેમસનને આ મેચમાં જ દંડ ફટકારવામાં આવ્યો છે.
પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંતને સતત બે મેચમાં સ્લો ઓવર રેટિંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સના ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11માં સામેલ ખેલાડીઓ પર મેચ ફીના 25%નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની છેલ્લી મેચમાં પણ તે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો, પરંતુ સિઝનની પહેલી ભૂલ હોવાથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો
આ સિઝનની 7મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લો ઓવર રેટના કારણે ટીમના કેપ્ટન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ચેન્નઈએ ગુજરાત ટાઇટન્સ (GT) ને 63 રને હરાવ્યું હતું.