સ્પોર્ટ્સ ડેસ્ક40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પસંદગી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ PTIને આ માહિતી આપી છે. શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કર્યું છે.
જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમિફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે.
19 ડિસેમ્બર, ગુરુવારે ICCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. તેમજ પાકિસ્તાની ટીમ 2027 સુધી ભારતમાં યોજાનારી તમામ ટુર્નામેન્ટ માટે ભારત નહીં આવે. તેની મેચ પણ તટસ્થ સ્થળોએ યોજાશે.
2025નો મહિલા ODI વર્લ્ડ કપ ભારતમાં, T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે.
15માંથી 5 મેચ UAEમાં યોજાશે 8 ટીમ વચ્ચે 15 મેચોની ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે. જોકે, ICCએ હજુ સુધી કાર્યક્રમ જાહેર કર્યો નથી. ભારત તેની ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ UAEમાં રમશે. જો ભારત ક્વોલિફાય થશે તો અહીં જ સેમિફાઈનલ અને ફાઈનલ પણ રમાશે જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં રમાશે. PCBએ મિટિંગમાં 4-5 માગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માગણીઓ ફગાવી દીધી હતી.
પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ માટે ભારત આવી હતી પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી.
- ટીમ ઈન્ડિયા છેલ્લે 2008માં પાકિસ્તાનની મુલાકાતે ગઈ હતીઃ ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2008માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. 3 ટેસ્ટ મેચની એ શ્રેણી ભારતીય ટીમે 1-0થી જીતી હતી. આ શ્રેણીની 2 મેચ ડ્રો રહી હતી.
- પાકિસ્તાન 2013માં દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ભારત આવ્યું હતું: પાકિસ્તાને છેલ્લે 2012-13માં ભારતનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસમાં 3 ODI અને 2 T-20 મેચની દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. પાકિસ્તાને ODI સિરીઝ 2-1થી જીતી હતી, જ્યારે T-20 સિરીઝ 1-1થી બરાબર થઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી જાન્યુઆરી 2013માં રમાઈ હતી. ત્યારથી બંને ટીમો માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ સામસામે આવી છે.
મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જતું નથી ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013થી બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો.