32 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક દિવસ તો એવો આવે જ છે, જ્યારે દરેક ક્રિકેટરે મેદાનને અલવિદા કહેવું પડે છે. પોતાના મનગમતા ક્રિકેટરોને મેદાન છોડીને જતા જોઈને ફેન્સ નિરાશ થઈ જાય છે. તાજેતરમાં ઘણા એવા દિગ્ગજ ભારતીય ક્રિકેટરો છે જેઓ આ અંતિમ પડાવ પર પહોંચ્યા છે. એવું લાગી રહ્યું છે કે હાલમાં ચાલી રહેલી IPL ટૂર્નામેન્ટ તેમની કારકિર્દીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આવામાં આપણે એવા 5 દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ જેમની IPL 2024ની સિઝન તેમના કરિયરની છેલ્લી IPL સિઝન હોઈ શકે છે…
1. મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વર્તમાન ઉંમર 42 વર્ષ અને 302 દિવસ છે. આગામી સિઝન સુધીમાં તે 43 વર્ષના થઈ જશે. આટલું જ નહીં ધોની ઓર્થોડોક્સની સમસ્યાથી પણ પરેશાન છે. આ જ કારણ છે કે તેમને ઘણી વખત પગની સર્જરી કરાવવી પડી છે. વધતી ઉંમર અને ફિટનેસની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, એવું અનુમાન લગાવી શકાય છે કે ચાલુ IPLની સિઝન તેમની કારકિર્દીની છેલ્લી IPL બની શકે છે.
2. અમિત મિશ્રા
લખનઉ સુપર જાયન્ટ્સના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રા પણ ધોનીની રાહ પર જ છે. મિશ્રાની હાલની ઉંમર 41 વર્ષ છે. આગામી સિઝન સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. ચાલુ સિઝનમાં તેમને અત્યાર સુધી ખૂબ ઓછી મેચ રમવાની તક મળી છે. પરંતુ જ્યારે તક મળી છે ત્યારે પણ કંઈ ખાસ અસરકારક નથી રહ્યા. આ સિવાય તેમને ફિટનેસની પણ સમસ્યા છે. મિશ્રાની વધતી ઉંમર અને ફિટનેસને જોતા તે આગામી સમયમાં મેદાનમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
3. રિદ્ધિમાન સાહા
ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાની પણ ઉંમર ઘણી છે. હાલમાં તેમની ઉંમર 39 વર્ષની છે. આગામી સિઝન સુધીમાં તે 40 વર્ષના થઈ જશે. સાહા પહેલા જ ટીમ ઈન્ડિયામાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. તે હાલ ઘરેલુ ક્રિકેટમાં પણ ભાગ લેતા નથી. આવી સ્થિતિમાં, તે આગામી IPLમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
4. દિનેશ કાર્તિક
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિકેટકીપર બેટર દિનેશ કાર્તિક ચોક્કસપણે મેદાનમાં ખૂબ જ ફિટ દેખાય છે. પણ તેમની પણ ઉંમર વધુ કહી શકાય તેટલી છે. કાર્તિક હાલમાં 38 વર્ષના છે. આગામી સિઝન સુધીમાં તે 39 વર્ષના થઈ જશે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં ભાગ્યે જ કોઈ ટીમ તેમનામાં રસ બતાવશે.
5. ઈશાંત શર્મા
દિલ્હી કેપિટલ્સના અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા પણ આ ખાસ લિસ્ટમાં આવે છે. ઈશાંત શર્માની હાલની ઉંમર 35 વર્ષ છે. આવતા વર્ષ સુધીમાં તે 36 વર્ષના થઈ જશે. શર્મા સાથે ફિટનેસની સમસ્યા હોવાનું જણાય છે. આ સિવાય તે ફાસ્ટ બોલર છે. 36 વર્ષની ઉંમરે ફાસ્ટ બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં ભાગ્યે જ કોઈ ટીમ તેમનામાં રસ બતાવશે.