29 મિનિટ પેહલાલેખક: સૌમ્ય વોરા
- કૉપી લિંક
IPLનું સ્લોગન છે, ‘Yatra Pratibha Avsara Prapnotihi’, જેનો અર્થ થાય છે, where talents meets opportunity (જ્યાં ટેલેન્ટેડ પ્રતિભાઓને તક મળે છે). આવા જ ગુજરાતના એક પ્રતિભાશાળી ક્રિકેટર અને ગુજરાત તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા એવા 23 વર્ષીય સૌરવ ચૌહાણને IPLની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેઝ પ્રાઇસ પર ટીમમાં સામેલ કર્યો છે. આ યુવા ખેલાડીએ છેલ્લા થોડા વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત પરફોર્મન્સ આપ્યું અને તેનું પરિણામ મંગળવારે ઓક્શનમાં મળ્યું.
સૌરવ ચૌહાણે આ વર્ષે રમાયેલી ડોમેસ્ટિક T20 લીગ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાયલ પ્રદેશ સામે ટુર્નામેન્ટનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે મેચમાં સૌરવે માત્ર 18 બોલમાં 61 રનની સ્ફોટક ઇનિંગ રમીને સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. હાલમાં જ પૂરી થયેલી વિજય હઝારે ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તે IPLમાં સિલેક્ટ થતા તેના પિતા દિલીપભાઈ ચૌહાણ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. ત્યારે આવો જાણીએ સૌરવ ચોહાણના ક્રિકેટ કરિયર વિશે…
પહેલા અનસોલ્ડ રહ્યા તો અમે આશા જ છોડી દીધી
સૌરવ સિલેક્ટ થયો તો શું રિએક્શન હતું, તેના સવાલના જવાબમાં પિતા દિલીપભાઈએ કહ્યું કે અમે આના માટે તૈયાર જ નહોતા. એનું નામ આવ્યું તો અમે ચોંકી ગયા. કારણ કે અગાઉના રાઉન્ડમાં તે અનસોલ્ડ રહ્યો હતો. એટલે અમે આશા છોડી દીધી હતી. પણ લાસ્ટ મોમેન્ટ પર જ્યારે તે સિલેક્ટ થયો તો ઘરમાં એક્સાઇમેન્ટનો માહોલ છવાઈ ગયો. અમે ઘરના લોકો ખૂબ જ ખુશ થયા.
સૌરવની ક્રિકેટ જર્ની વિશે પિતા દિલીપભાઈ જણાવે છે કે તેણે 6 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેણે આટલી નાની ઉંમરે જ ક્રિકેટ કોચિંગ જોઇન કરી લીધું હતું. હું સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે પિચ ક્યુરેટર તરીકે કામ કરતો અને જ્યારે સૌરવનો જન્મ થયો ત્યારે હું ત્યાં જ નોકરી કરતો. તો તે ક્રિકેટના માહોલમાં જ મોટો થયો અને બસ પછી તેણે નવરંગપુરા સ્ટેડિયમમાં તેના કોચ તારક ત્રિવેદી સર પાસે કોચિંગ મેળવ્યું. પહેલા દિવસથી લઈને આજ સુધી હજુ પણ તારક સર પાસે તેના કોચ છે.
સૌરવ સવાર અને સાંજ પ્રેક્ટિસ કરતો. તે સ્કૂલેથી બપોરે આવી જતો અને પછી પ્રેક્ટિસ કરવા સ્ટેડિયમે જતો રહેતો. ત્યાં રહેવાનો મોટો ફાયદો એ હતો કે તેને બહુ દૂર જવું પડતું નહતું. એ સૌથી મોટો ફાયદો હતો.
અર્જુન તેંડુલકર અને સૌરવે એક જ દિવસે ડેબ્યુ કર્યું
વર્ષ 2011ના વર્ષમાં સૌરવ સ્ટેટ તરફથી U-14ની મેચ રમવા મુંબઈ ગયો. જેમાં સૌરવે ડેબ્યુ કર્યું અને સામે મુંબઈ તરફથી અર્જુન તેંડુલકરે ડેબ્યુ કર્યું. તો સૌરવ U-14 દિવસોથી રમતો આવ્યો અને પછી U-16, U-19, U-23 અને હવે રણજી ટ્રોફી રમે છે. આવી રીતે સૌરવ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો ગયો.
અમારો પૂરેપૂરો સપોર્ટ છે, તેને રમવા માટે જ પ્રેર્યો છે
ભાસ્કરે દિલીપભાઈને સૌરવને કેવો ફેમિલી સપોર્ટ મળ્યો તે વિશેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે ‘હવે છોકરો આગળ વધવા માગે તો ફેમિલીનો તો સપોર્ટ હોય જ.’ દિલીપભાઈ હસતા હસતા કહે છે ‘અમારા વખતે બાળકો રમવા જતા, તો પેરેન્ટ્સ ઘરના આંગણે લાકડી હાથમાં લઈને રાહ જોતા, કે બાળક ભણતો નથી અને રમવા જાય છે. પણ આ જનરેશનને તો ખોળામાં બેસાડીને રમવા લઈ જવો પડે કે ભઈ રમવા જા…એટલે ટૂંકમાં કહું તો અમારો સૌરવને પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે.’
સૌરવ કોઈને મચક આપતો નથી, તે સેલ્ફીશ નથી
સૌરવના ક્રિકેટ પ્રત્યેના ડેડિકેશન વિશે પિતા જણાવે છે, ‘તે પહેલાથી જ ફાઈટર રહેલો છે. કોઈપણ ચેલેન્જિંગ પરિસ્થિતિ કેમ ન હોય, તેણે હાર ન માની અને કોઈને મચક આપ્યા વિના ક્રિકેટ રમ્યો છે. તે પહેલાથી જ સેલ્ફીશ નથી. તેણે કોઈ દિવસ સેલ્ફીશ ક્રિકેટ રમ્યું જ નથી.’ આ વાતનો પુરાવો તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમેલી ઇનિંગ પરથી ખ્યાલ આવે છે. અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો અને ટીમને જીત તરફથી દોરી ગયો.
એક પિતા તરીકે તો હું એના પર નજર રાખીશ. તે હવે એ લેવેલ પર આવી ગયો છે કે તેને ખબર પડી જવી જોઈએ કે તેને હવે કઈ રીતે રમવું જોઈએ.
સિનિયર પ્લેયર્સ તરફથી શીખવા માટે તત્પર હોય છે
ગુજરાતના સિનિયર પ્લેયર્સ તરફથી શું શીખવા મળે છે તેના જવાબમાં પિતા દિલીપભાઈએ કહ્યું કે ‘સૌરવ હંમેશા સિનિયર પ્લેયર્સ તરફથી શીખવા માટે તત્પર હોય છે. પાર્થિવ પટેલ, અક્ષર પટેલ જેવા મોટા અને સિનિયર પ્લેયર્સને તે રિસપેક્ટ તો આપે જ છે, પણ શીખે પણ છે. પાર્થિવ પટેલે જે વર્ષે રિટાયરમેન્ટ લીધું તેના આગલા કે એ જ વર્ષે સૌરવે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું. પણ પાર્થિવ પટેલ સાથે 2 વર્ષ રહ્યો અને ઘણું શીખ્યો.’
સૌરવ ચૌહાણ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે.
સૌરવ જ્યારે સિલેક્ટ થયો, ત્યારે તે સૂતો હતો
સૌરવ જ્યારે સિલેક્ટ થયો, ત્યારે તેનું કેવું રિએક્શન કેવું હતું, તેના સવાલના જવાબમાં તેના પિતા દિલીપભાઈ જણાવે છે કે સૌરવ જ્યારે સિલેક્ટ થયો, ત્યારે તે તેના રૂમમાં સૂતો હતો. પહેલીવારમાં અનસોલ્ડ રહ્યા પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો અને સૌરવ પણ તેના રૂમમાં સૂઈ ગયો. પણ તેના મમ્મીએ મહાકાલની મૂર્તિ હાથમાં રાખીને ટીવી પાસે ઊભી રહી અને પ્રાર્થના કરતી રહી કે સૌરવનું આમાં સિલેક્શન થઈ જાય. અને મહાકાલનો ચમત્કાર પણ એવો કે IPL ઓક્શનના છેલ્લા રાઉન્ડમાં સૌથી છેલ્લો ખેલાડી પણ સૌરવ જ રહ્યો અને તે સિલેક્ટ થયો.
સપનું સાકાર થયું… ફેવરિટ ક્રિકેટર કોહલી સાથે રમવા મળશે
સૌરવનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી છે. અને હવે તે IPLમાં RCB તરફથી રમશે. પિતા કહે છે ‘આ એક સપનું સાકાર થયું છે. જેને તે ચાહતો હતો, હવે તેની જ ટીમમાંથી તે રમશે. તેની સાથે રમશે. સૌરવ હકીકતમાં વિરાટની જેમ રહે છે. તેની હેરસ્ટાઇલ પણ વિરાટ જેવી રાખવાનો પ્રયત્ન કરે છે.’
અને તે ઇચ્છતો હતો કે તેને વિરાટ સર સાથે રમવું છે અને હવે તેને IPLમાં પણ કોહલીની ટીમ સાથે રમવા મળશે. આ બધું જ મહાકાલના કારણે થયું છે.’
‘મારી પણ એ જ ઇચ્છા છે કે હવે તે IPLમાંથી પણ કંઈકને કંઈક શીખે રાખે. આટલી મોટી લીગમાં ઘણા બધા મોટા પ્લેયર્સ આવશે, અને તેમની સામે અને સાથે રમવાનું થશે. તો બસ તેમની કંઈક શીખે. અને ટીમ માટે પરફોર્મન્સ આપતો રહે.’
સૌરવ તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી સાથે IPLમાં રમશે.