રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
હરિયાણાની ટીમે વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમે ODI ટુર્નામેન્ટની અંતિમ મેચમાં રાજસ્થાનને 30 રને હરાવ્યું હતું. સુમિત કુમારને પ્લેયર ઓફ ધ ફાઈનલ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 28 અણનમ રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. તેમજ ફાસ્ટ બોલર હર્ષલ પટેલે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી.
શનિવારે રાજકોટના મેદાન પર હરિયાણાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા. 288 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી રાજસ્થાનની ટીમ 48 ઓવરમાં 257 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હરિયાણાએ પ્રથમ વખત આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. આ ટુર્નામેન્ટ 1993માં શરૂ થઈ હતી.
અંકિત અને અશોકની અડધી સદી
ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યા બાદ હરિયાણાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 3 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. અહીં યુવરાજ સિંહ એક રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં અંકિત કુમાર (88 રન)એ હિમાંશુ રાણા સાથે 47 બોલમાં 38 રનની ભાગીદારી કરી હતી. અહીં હિમાંશુ 10 રન બનાવીને આઉટ થયો હતો.
હિમાંશુના આઉટ થયા બાદ અંકિતે અશોક મેનારિયા સાથે 151 બોલમાં 124 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ટીમના સ્કોરને 150ની પાર પહોંચાડી દીધો હતો. મિડલ ઓર્ડરમાં રોહિતે 20, નિશાંતે 29, રાહુલ તેવટિયાએ 24 અને સુમિત કુમારે 28 રન બનાવ્યા હતા.
હરિયાણાના ઓપનર અંકિત કુમારે સૌથી વધુ 88 રન બનાવ્યા હતા.
અનિકેત ચૌધરીએ 4 વિકેટ લીધી
રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 49 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 4.90ની ઈકોનોમી સાથે બોલિંગ કરી. ચૌધરી સિવાય અરફત ખાને 2 વિકેટ લીધી હતી.
અનિકેત ચૌધરીએ 10 ઓવરના ક્વોટામાં 49 રન આપીને 4 વિકેટ લીધી હતી.
અભિજીતની સદી બિનઅસરકારક રહી
સ્કોરનો પીછો કરી રહેલા રાજસ્થાનના ઓપનર અભિજીત તોમરે સદી ફટકારી હતી. તેણે 129 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સહિત 106 રન બનાવ્યા હતા. કુણાલ સિંહ રાઠોડે 79 રન બનાવ્યા હતા.
રાજસ્થાનના ઓપનર અભિજીત તોમર અને કુણાલ સિંહ રાઠોડે 121 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ટીમ જીતી શકી ન હતી.
સુમિત અને હર્ષલની 3-3 વિકેટ
હરિયાણા તરફથી સુમિત કુમાર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. અંશુલ અને રાહુલને 2-2 વિકેટ મળી હતી.