મુંબઈ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન વુમન્સ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું છે. આ સાથે જ વુમન્સ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલાં શ્રીલંકાની વુમન્સ ટીમે 1998માં પાકિસ્તાનને 309 રનથી હરાવ્યું હતું. તો, ન્યૂઝીલેન્ડે 1972માં સાઉથ આફ્રિકા સામે 188 રને જીત મેળવી હતી.
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ઇંગ્લેન્ડને હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટમાં હરાવ્યું હતું
ઇંગ્લેન્ડને પ્રથમ વખત ઘરઆંગણે હરાવ્યું
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ઇંગ્લેન્ડને હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટમાં હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમની આ એકંદરે ત્રીજી જીત છે. આ પહેલાં તેમણે 2006માં ટાઉન્ટન અને 2014માં વોર્મસ્લેમાં જીત મેળવી હતી.
શું થયું આ મેચમાં…
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે પ્રથમ દાવના આધારે ભારતને 292 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે 186 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ઇંગ્લેન્ડને જીતવા માટે 479 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 479 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહી
દીપ્તિએ બંને ઇનિંગ્સમાં મળીને 9 વિકેટ લીધી હતી.
દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. દીપ્તિએ બંને ઇનિંગ્સમાં મળીને 9 વિકેટ લીધી હતી. દીપ્તિએ પ્રથમ દાવમાં 1.27ના ઇકોનોમી રેટથી 5.3 ઓવરમાં 7 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં દીપ્તિ શર્માએ 8 ઓવરમાં 32 રન આપીને 4ના ઇકોનોમી રેટથી 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે પહેલી ઇનિંગમાં 67 રન અને બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. બોલિંગમાં બીજી ઇનિંગમાં પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 5.3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી.
વુમન્સ ટીમ 9 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ રમી
ભારતીય મહિલા ટીમ 9 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ મેચ રમવા આવી હતી. આ પહેલાં 2014માં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ઘરની ધરતી પર ટેસ્ટ રમી હતી. જોકે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ભારતીય મહિલા ટીમને આગામી ટેસ્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. 5 દિવસ બાદ 21મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વાનખેડે ખાતે ટેસ્ટ મેચ રમાશે. આ પછી, બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ T20 મેચની સિરીઝ રમાશે.
ભારતીય મહિલા ટીમ 9 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ મેચ રમવા આવી હતી.
પ્રથમ દિવસે 4 ભારતીય બેટર્સની ફિફ્ટી
મુંબઈમાં રમાઈ ગયેલી ટેસ્ટના પહેલાં દિવસે ભારતે 7 વિકેટે 410 રન બનાવ્યા હતા. શુભા સતીશ (69 રન), જેમિમાહ રોડ્રિગ્ઝ (68 રન) અને યાસ્તિકા ભાટિયા (66 રન)એ અડધી સદી ફટકારી હતી. દીપ્તિ શર્મા 67 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી લોરેન બેલે 2 વિકેટ લીધી હતી.
બીજા દિવસની રમતમાં કુલ 19 વિકેટ પડી હતી
બીજા દિવસની રમતમાં કુલ 19 વિકેટ પડી હતી. જેમાં ઇંગ્લેન્ડની 10 અને ભારતની 9 વિકેટ સામેલ છે. બીજા જ દિવસે, ભારતીય મહિલા તેની પ્રથમ ઇનિંગમાં 428 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં ભારતે 6 વિકેટે 186 રન બનાવ્યા હતા.