ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસની રમત 3 કલાકના વિલંબથી શરૂ થશે. કાનપુરમાં શનિવાર સવારથી વરસાદ પડી રહ્યો છે. શુક્રવાર, 27 સપ્ટેમ્બરના રોજ મેચના પહેલા દિવસે પણ વરસાદના કારણે સ્ટમ્પ વહેલા બોલાવવામાં આવ્યા હતા. માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. સામાન્ય રીતે એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે છે. દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા હતા. મોમિનુલ હક 40 અને મુશ્ફિકુર રહીમ 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત 2 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હુસેન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને LBW આઉટ કર્યો હતો. તેણે શાંતો અને મોમિનુલની ફિફ્ટીની ભાગીદારીને તોડી હતી. આ પહેલા આકાશ દીપે શાદમાન ઈસ્લામ (24 રન) અને ઝાકિર હસન (0)ને આઉટ કર્યા હતા.
Source link