નવી દિલ્હી58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં મંગળવારે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું હતું. મેચમાં સંજુ સેમસનનો લોન્ગ ઓફ પોઝિશન પર કેચ થયો હતો, જે દરમિયાન ફિલ્ડરનો પગ બાઉન્ડ્રીની નજીક હતો. અહીં આઉટ આપ્યા બાદ સેમસને અમ્પાયર સાથે દલીલ કરી હતી.
દિલ્હીનો જેક ફ્રેઝર-મેગુર્ક પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટીમનો શાઈ હોપ નોન-સ્ટ્રાઈકર છેડે રનઆઉટ થયો હતો. RRના જોસ બટલરને પણ જીવનદાન મળ્યું.
DC vs RR મેચ મોમેન્ટ્સ…
1. ફ્રેઝર મેગાર્ક પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થયો
દિલ્હીનો જેક ફ્રેઝર-મેગાર્ક મેચની પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઓવરના ચોથા બોલે ટ્રેન્ટ બોલ્ટે ગુડ લેન્થ પર ઇનસ્વિંગર ફેંક્યો. મેગાર્કે શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ એબ્ડોમિનલ એરિયામાં વાગ્યો. મેગાર્ક જમીન પર પડ્યો અને ફિઝિયો ટીમ મેદાનમાં આવી. ઈજાને કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી, મેગાર્કે થોડીવારમાં ફરી બેટિંગ શરૂ કરી અને આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
2. આવેશની ઓવરમાં 6 બાઉન્ડ્રી આવી
પાવરપ્લેની ચોથી ઓવરમાં આવેશ ખાને પહેલી વખત બોલિંગ કરી હતી. જોકે તેની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ ફ્રેઝર-મેગાર્કે તેની ઓવરમાં 6 બાઉન્ડ્રી ફટકારીને 28 રન બનાવ્યા હતા. મેગાર્કે ચોથા અને છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી જ્યારે બાકીના બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. મેગાર્કે પણ એ જ ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. 19 બોલમાં તેણે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
ફ્રેઝર-મેગાર્કે આવેશ ખાનની ઓવરમાં સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી.
3. શાઈ હોપ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ
દિલ્હીનો શાઈ હોપ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ થયો હતો. સંદીપ શર્માએ છઠ્ઠી ઓવરનો પહેલો બોલ શોર્ટ પિચ બોલ નાખ્યો, અભિષેક પોરેલે પુલ શોટ રમ્યો પણ બોલ સામેની દિશામાં ગયો. અહીં સંદીપ શર્માએ બોલને હાથ લગાવ્યો અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો. હોપ નોન-સ્ટ્રાઈકર છેડે બહાર ઉભો હતો જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાયો હતો, તેથી તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. હોપ માત્ર એક રન બનાવી શક્યો હતો.
4. 2 સિક્સર ફટકાર્યા બાદ LBW થયો સ્ટબ્સ
દિલ્હીનો ટ્રીસ્ટન સ્ટબ્સ 20મી ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા બાદ LBW થયો હતો. તેણે સંદીપ શર્મા સામે પ્રથમ બોલ પર વાઈડ લોંગ ઓફ અને બીજા બોલ પર આગળની દિશામાં સિક્સર ફટકારી હતી. ત્યારબાદ શર્માએ કમબેક કર્યું અને ત્રીજા બોલ પર યોર્કર ફેંકીને સ્ટબ્સને LBW કર્યો. સ્ટબ્સે 20 બોલમાં 41 રન બનાવ્યા, આ ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ છે.
5. સ્ટબ્સે આપ્યું બટલરને જીવનદાન
રાજસ્થાનની ઇનિંગ્સની 5મી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે જોસ બટલરને જીવનદાન આપ્યું હતું. મુકેશ કુમારે ઓવરનો પહેલો બોલ ફૂલર લેન્થ ફેંક્યો હતો. બટલર મોટો શોટ રમવા ગયો પણ બોલ હવામાં જ અટકી ગયો. સ્ટબ્સ બોલની નીચે આવ્યો, તેને રિવર્સ કપ સ્ટાઈલમાં પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો.
જીવનદાન સમયે બટલરે 11 બોલમાં 8 રન બનાવ્યા હતા. તે પછીની જ ઓવરમાં અક્ષર પટેલ દ્વારા બોલ્ડ થયો, તેણે 17 બોલમાં 19 રન બનાવ્યા.
6. ખલીલે સતત 4 વાઈડ બોલ ફેંક્યા
ઈનિંગની 15મી ઓવરમાં ખલીલ અહેમદે સંજુ સેમસન સામે સતત 4 વાઈડ બોલ ફેંક્યા હતા. ખલીલે પહેલાં 3 બોલમાં 6 રન આપ્યા બાદ સતત 4 વાઈડ બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં કુલ 11 રન બન્યા હતા.
ખલીલ અહેમદે સંજુ સેમસન સામે સતત 4 વાઈડ બોલ ફેંક્યા હતા.
7. હોપના વિવાદાસ્પદ કેચને કારણે સેમસન આઉટ
રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન શાઈ હોપના બાઉન્ડ્રી પર શાનદાર કેચ લઈને આઉટ થયો હતો. મુકેશ કુમારે 16મી ઓવરનો ચોથો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો, સેમસને લોંગ ઓન તરફ શોટ રમ્યો. અહીં હોપે કેચ લીધો પરંતુ આ દરમિયાન તેનો પગ બાઉન્ડ્રીની ખૂબ નજીક દેખાયો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયો પરંતુ કેચને ક્લીન માનતા સેમસનને આઉટ જાહેર કરવામાં આવ્યો.
કેચ ક્લીન જાહેર થયા બાદ સેમસન અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો કે ફિલ્ડરનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો છે. જોકે, અમ્પાયરે પોતાનો નિર્ણય માન્ય રાખ્યો અને સેમસનને પેવેલિયન પરત ફરવું પડ્યું. સંજુએ 46 બોલમાં 86 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ ટીમે શાઈ હોપના કેચ સામે વાંધો ઉઠાવ્યો હતો.
આઉટ જાહેર થયા બાદ સંજુ સેમસન અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.