સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો લખનઉ સુપરજાયન્ટ્સ સામે થશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. CSK અને LSG આ સિઝનમાં બીજી વખત સામસામે ટકરાશે. ગત વખતે લખનઉ 8 વિકેટે જીત્યું હતું.
આજે આ સિઝનમાં બંને ટીમની આઠમી મેચ રમાશે. બંનેએ 7માંથી 4 જીત્યા છે અને 3 હાર્યા છે. જોકે સારા રન રેટના કારણે ચેન્નઈ ચોથા સ્થાને અને લખનઉ પાંચમા સ્થાને છે.
LSG હેડ ટુ હેડમાં આગળ
IPLમાં ચેન્નઈ અને લખનઉ વચ્ચે 4 મેચ રમાઈ હતી. બેમાં લખનઉ અને એકમાં ચેન્નઈ જીતી હતી. જ્યારે બંને વચ્ચે એક મેચ પણ અનિર્ણિત રહી હતી.
CSK તરફથી મુસ્તફિઝુર સૌથી વધુ વિકેટ લેનાર બોલર
5 વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે 3 મેચ હારી છે, ટીમને 4 માંથી 3 જીત માત્ર ચેપોક મેદાન પર મળી છે. આજની મેચ પણ ચેપોકમાં જ યોજાશે, તેથી ટીમની જીતવાની શક્યતાઓ પણ વધારે છે. જો કે, ટીમને લખનઉ, દિલ્હી અને હૈદરાબાદ સામે 3 હારનો સામનો કરવો પડ્યો છે અને આજે ટીમ ફરી એકવાર લખનઉનો સામનો કરવા જઈ રહી છે.
ટીમ તરફથી ઓલરાઉન્ડર શિવમ દુબેએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 મેચમાં 245 રન બનાવ્યા છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 241 રન સાથે બીજા સ્થાને છે. મુસ્તફિઝુર રહેમાન અને મથિશ પથિરાના આ સિઝનમાં સારો દેખાવ કરી રહ્યા છે. મુસ્તાફિઝુર 11 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
રાહુલ LSGનો ટોપ સ્કોરર, તેણે ચેન્નાઈ સામે ફિફ્ટી ફટકારી હતી
લખનઉ સિઝનની પ્રથમ મેચ રાજસ્થાન સામે હારી ગયું હતું પરંતુ ત્યાર બાદ સતત 3 મેચ જીતી હતી. દિલ્હી અને કોલકાતાની ટીમે હરાવી હતી પરંતુ છેલ્લી મેચમાં પણ ટીમે ચેન્નઈને હરાવીને કમબેક કર્યું હતું.
કેપ્ટન કેએલ રાહુલ લખનઉનો ટોપ રન સ્કોરર છે, તેણે 7 મેચમાં 286 રન બનાવ્યા છે. યશ ઠાકુર 8 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ છે. અહીં બેટિંગ કરવી થોડી મુશ્કેલ છે. અત્યાર સુધીમાં અહીં 79 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 47 મેચ જીતી હતી અને 32 મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 246/5 છે, જે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે હોમ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે બનાવ્યો હતો.
હવામાન સ્થિતિ
ચેન્નઈમાં 23 એપ્રિલે તાપમાન 29 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આ દિવસે વરસાદની બિલકુલ શક્યતા નથી.
બન્ને ટીમની સંભવિત પ્લઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયર: મથિશ પથિરાના.
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક,દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, શમર જોસેફ/નવીન ઉલ-હક અને મોહસીન ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રેરક માંકડ, એમ સિદ્ધાર્થ.