5 કલાક પેહલા
- કૉપી લિંક
નેલ્સનમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-0થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે સૌમ્ય સરકારની 169 રનની ઇનિંગની મદદથી કિવી સામે 291 રન બનાવ્યા હતા. કિવી ટીમે 3 વિકેટના નુકસાને 296 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેની પ્રથમ વિકેટ 11 રન પર પડી હતી. આ પછી નજમલ હુસૈન શાંતો પણ 36 રનના સ્કોર પર આઉટ થયો હતો. 44 રનના સ્કોર પર બાંગ્લાદેશને ત્રીજો ઝટકો લાગ્યો હતો. લિટન દાસ પણ 6 રન બનાવીને આઉટ થયો હતો.
તે પછી સૌમ્ય સરકારે પહેલા તૌહીદ હિદાય સાથે 43 બોલમાં 36 રનની ભાગીદારી કરી, ત્યારબાદ મુશફિકુર રહીમ સાથે 108 બોલમાં 91 રનની ભાગીદારી કરીને સ્કોર 171 રન સુધી પહોંચાડ્યો. ત્યારબાદ સરકારે મહેદી હસન મિરાજ સાથે 61 રન અને તન્ઝીમ હસન સાકિબ સાથે 40 રનની ભાગીદારી કરી હતી. સૌમ્ય સરકાર સિવાય મુશ્ફિકુર રહીમે 57 બોલમાં 45 રન બનાવ્યા હતા.
સૌમ્ય સરકાર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
વિલિયમ ઓ’રોર્કે અને જેકબ ડફે 3-3 વિકેટ લીધી
ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ’રર્કે 9.5 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ અને જેકબ ડફે 10 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
રચિન અને યંગે ટીમને સારી શરૂઆત અપાવી
292 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને ઓપનર રચિન રવીન્દ્ર અને વિલ યંગે સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 76 રનની ભાગીદારી થઈ હતી. રચિન રવીન્દ્રએ 33 બોલમાં 45 રન બનાવ્યા હતા.
જે બાદ વિલ યંગે હેનરી નિકોલ્સ સાથે 131 બોલમાં 128 રનની ભાગીદારી કરી હતી. વિલ યંગે 94 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા.હેનરી નિકોલ્સે ટોમ લાથમ સાથે મળીને 34 બોલમાં 36 રનની ભાગીદારી કરી હતી. તેણે 99 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી.