સ્પોર્ટ્સ ડેસ્ક40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સોમવારે પુષ્ટિ કરી કે હેડ કોચ તરીકે T20 વર્લ્ડ કપ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે. તેમણે આ પોસ્ટ માટે ફરીથી અરજી કરી નથી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ ગયા મહિને આ માટે અરજીઓ આમંત્રિત કરી હતી.
સોમવારે મીડિયા સાથે વાત કરતા દ્રવિડે કહ્યું, ‘મે મુખ્ય કોચ તરીકેના મારા કાર્યકાળની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. એક કોચ તરીકે મારા માટે ભારતની દરેક મેચ મહત્વની હતી. વર્લ્ડ કપ પણ અલગ નથી. મુખ્ય કોચ તરીકે આ મારી છેલ્લી ટુર્નામેન્ટ છે. કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી.
દ્રવિડ 2021માં મુખ્ય કોચ બન્યા હતા
BCCIએ નવેમ્બર 2021માં રાહુલ દ્રવિડને ભારતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ હેડ કોચ બન્યા તેની પહેલા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પછી તેમના વડપણ હેઠળ ટીમ 2022 T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી હતી. 2023માં ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાને કારણે તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને એકમાત્ર સફળતા 2023માં એશિયા કપના રૂપમાં મળી હતી. ભારતે યજમાન શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની ચેમ્પિયન બની હતી.
નવા કોચનો કાર્યકાળ 2027 સુધી ચાલશે
નવા મુખ્ય કોચની પસંદગી T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. તેમનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 ICC ટૂર્નામેન્ટ રમવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T-20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 સાયકલનો સમાવેશ થાય છે.
ગંભીરનું ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવું લગભગ નિશ્ચિત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. ક્રિકબઝ સાથે વાત કરતી વખતે, IPL ફ્રેન્ચાઇઝીના માલિકે કહ્યું હતું કે ગંભીરનું કોચ બનવું લગભગ નિશ્ચિત છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને પણ આ વિશે માહિતી મળી છે. BCCIના નિયમો અનુસાર, જો ગંભીર ટીમનો મુખ્ય કોચ બને છે તો તેણે KKRની મેન્ટરશિપ છોડવી પડશે.