સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઈઝી લીગ SA20ની ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. લીગની વિજેતા ટીમને 15 કરોડ રૂપિયા મળશે જ્યારે ઉપવિજેતા ટીમને 7.3 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડશે. લીગની વર્તમાન સિઝનમાં કુલ 31 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવશે.
લીગે વ્યક્તિગત પુરસ્કારો માટે ઈનામી રકમની પણ જાહેરાત કરી છે. પ્લેયર ઓફ ધ સિઝનને વધુમાં વધુ 15.5 લાખ રૂપિયા મળશે. આ લીગની બીજી સિઝન છે. તેની શરૂઆત 10 જાન્યુઆરીથી થશે અને ફાઈનલ મેચ 10 ફેબ્રુઆરીએ રમાશે.
સિઝન 2 10 જાન્યુઆરીથી શરૂ થશે
SA20 લીગની બીજી સિઝન 10 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ અને જોબર્ગ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.
4 ફેબ્રુઆરી સુધી 6 ટીમ વચ્ચે લીગ તબક્કાની 30 મેચ રમાશે. ક્વોલિફાયર-1 6 ફેબ્રુઆરીએ, એલિમિનેટર 7 ફેબ્રુઆરીએ અને ક્વોલિફાયર-2 8 ફેબ્રુઆરીએ રમાશે. સિઝન-2ની ફાઈનલ 10 ફેબ્રુઆરીએ ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ વચ્ચે રમાશે. તમામ મેચ IPLની જેમ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે.
સનરાઇઝર્સે પ્રથમ સિઝન જીતી હતી
SA20 ની પ્રથમ સિઝન 10 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન રમાઈ હતી. સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે ફાઈનલમાં પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફાઈનલ મેચ જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. રોલોફ વાન ડેર મર્વે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. જ્યારે સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.
લીગની તમામ 6 ટીમના IPL માલિકો
SA20માં 6 ટીમ ભાગ લઈ રહી છે, જે તમામ IPLમાં ભાગ લેતી 6 ટીમની માલિકીની છે. SA20 ની 6 ટીમ પ્રિટોરિયા કેપિટલ્સ, જોબર્ગ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ, પાર્લ રોયલ્સ, ડરબન સુપર જાયન્ટ્સ અને MI કેપ ટાઉન છે. ટીમના લોગો પણ IPL ટીમ જેવા છે.