23 મિનિટ પેહલા
- કૉપી લિંક
T-20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરે છે. ફોટોમાં, વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ લેજેન્ડ્સ કોર્ટની એમ્બ્રોઝ, વિવિયન રિચર્ડ્સ અને એન્ડી રોબર્ટ્સ વર્લ્ડ કપ ટ્રોફી સાથે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન IS ખોરાસાને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે આતંકવાદી સંગઠને વેસ્ટ ઈન્ડિઝ સહિત ઘણા દેશોને વીડિયો સંદેશ મોકલ્યા છે.
T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ભારતની તમામ લીગ મેચો અમેરિકામાં યોજાવાની છે. આ પછી, જો ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થાય છે તો તેણે આ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમવી પડશે.
ટીમ ઈન્ડિયાની લીગ મેચો, જે અમેરિકામાં યોજાશે…
સવાલ-જવાબમાં વર્લ્ડ કપ અને આતંકી ધમકી…
આતંકવાદી સંગઠને ધમકીમાં શું કહ્યું?
ઇસ્લામિક સ્ટેટ તરફી મીડિયાએ ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. IS ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે પ્રચાર ચેનલ નસીર-એ-પાકિસ્તાન દ્વારા એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં સમર્થકોને આ દેશોમાં હુમલાને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ સરકાર અને ક્રિકેટ બોર્ડે શું કહ્યું?
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ, જોની ગ્રેવ્સે ક્રિક બઝને કહ્યું: “અમે ઓથોરિટી સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. “
વર્લ્ડ કપ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝમાં મેચ ક્યાં યોજાશે?
વેસ્ટ ઈન્ડિઝમાં એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં વર્લ્ડ કપની મેચ યોજાશે. અમેરિકામાં ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાશે.
શું વર્લ્ડ કપના સહ યજમાન અમેરિકાને પણ ધમકીઓ મળી હતી?
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં વર્લ્ડ કપ દરમિયાન હુમલાના કોઈ ખતરાને લઈને અત્યાર સુધી કોઈ માહિતી સામે આવી નથી.
વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં ક્યાં રમશે?
ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં સામેલ છે. આ ગ્રુપમાં કેનેડા, અમેરિકા, પાકિસ્તાન અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. આ ગ્રુપની તમામ લીગ મેચ અમેરિકામાં યોજાશે. જો ટીમ ઈન્ડિયા આ ગ્રુપમાં પ્રથમ અથવા બીજા સ્થાને રહેશે તો તે સુપર 8 મેચ માટે ક્વોલિફાય થઈ જશે.
સુપર 8ની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝમાં 2 સેમીફાઈનલ અને ફાઈનલ પણ રમાશે.
વર્લ્ડ કપમાં કુલ કેટલી મેચ થશે, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કેટલી મેચ થશે?
T-20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ, નોકઆઉટ અને ફાઈનલ સહિત કુલ 55 મેચ રમાશે. જેમાંથી 39 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં અને 16 અમેરિકામાં રમાશે. તમામ નોકઆઉટ અને ફાઈનલ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જમૈકાના દોડવીર અને ઓલિમ્પિક દિગ્ગજ યુસૈન બોલ્ટને T20 વર્લ્ડ કપના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. 11 વખતના વર્લ્ડ ચેમ્પિયન બોલ્ટે 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લીધી હતી. આ ફોટો 25 એપ્રિલનો છે, જ્યારે બોલ્ટને એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો.