નવી દિલ્હી/મુંબઈ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે જોરદાર વાવાઝોડાને કારણે પડી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થયા છે. મોડી રાત સુધી મૃત્યુઆંક 9 થયો હતો. હોર્ડિંગ્સ અથડાતાં 74 લોકો ઘાયલ થયા છે. NDRFની 67 સભ્યોની ટીમે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
શરૂઆતનાં અંદાજના આધારે, આ બિલબોર્ડનું વજન 250 ટન હોવાનું કહેવાય છે. તેના માલિક ભાવેશ ભીડે વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ચાર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો. અંધારું થઈ ગયું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પેટ્રોલ પંપ પર બિલબોર્ડ પડ્યા બાદની સ્થિતિ આ ફૂટેજ પરથી સમજો…
એક અંદાજ મુજબ બિલબોર્ડનું વજન 250 ટન હતું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બિલબોર્ડ અંગે ઓગસ્ટ 2023માં સરકારી એજન્સીઓ, BMC અને સરકારી રેલવે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. કોઈએ પગલાં લીધાં નહીં.
તે જ સમયે, હવામાનમાં ફેરફારની અસર મુંબઈ એરપોર્ટના સંચાલન પર પડી હતી. 15થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક રીશેડ્યુલ કરવામાં આવી હતી. મેટ્રો અને લોકલ રેલ સેવાઓને પણ અસર થઈ હતી. જોકે બે કલાક બાદ સેવાઓ ફરી શરૂ થઈ હતી.
મુંબઈના ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, ધારાવી, દાદર, માહિમ, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય મુંબઈના ઉપનગરો થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્લાસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઊડી હતી. અહીં 20 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી આવુ જ વાતાવરણ રહી શકે છે. પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પવનની ઝડપ 50-60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે.
વડાલામાં મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી
વડાલામાં જોરદાર વાવાઝોડાને કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અનેક વાહનો અથડાયા હતા. તે જ સમયે જોગેશ્વરી વિસ્તારમાં શેરીમાં પાર્ક કરેલી ઓટો પર એક ઝાડ પડ્યું. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી અને ઓટોને નુકસાન થયું હતું. નવી મુંબઈના ઐરોલી, ઘણસોલી અને વાશીના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાના અહેવાલ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી છે.
વાવાઝોડાના કારણે વડાલા વિસ્તારમાં લોખંડનું માળખું પણ તૂટી પડ્યું હતું.
જોગેશ્વરી વિસ્તારમાં એક ઓટો પર ઝાડ પડ્યું. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.
મુંબઈના ખરાબ હવામાનની 3 તસવીરો…
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ
તે જ સમયે દેશમાં તોફાન, વરસાદ અને કરાંનો સમયગાળો ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5 દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં કરાં પણ પડી શકે છે. રાજસ્થાનમાં 16 મે સુધી વરસાદી માહોલ જારી રહેશે.
હવામાન વિભાગે કહ્યું છે કે આજે દેશનાં 25 રાજ્યમાં વરસાદ પડશે. આમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર અને ઝારખંડનો પણ સમાવેશ થાય છે. સાથે જ ઉત્તર-પૂર્વનાં 7 રાજ્ય પણ સામેલ છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે વરસાદના કારણે રાજ્યોમાં હીટવેવની અસર લગભગ ખતમ થઈ ગઈ છે, પરંતુ ગરમીની અસર યથાવત્ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને તેલંગાણામાં રવિવારે તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 3 દિવસ પછી હીટવેવની શક્યતા છે. રવિવારે દેશમાં સૌથી વધુ તાપમાન મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવે હવામાન કેવું રહેશે?
14 મે: છત્તીસગઢ-ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે.
- મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- ગુજરાતમાં ભેજવાળી ગરમીની અસર જોવા મળશે.
15 મે: ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાની ચેતવણી
- ઓડિશા સહિત ઉત્તર-પૂર્વનાં 7 રાજ્યમાં વીજળી અને વરસાદની સંભાવના છે.
- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે.
- તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે.
હીટવેવ ઓછો થશે, ચોમાસાના મજબૂત સંકેતો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સારા ચોમાસાના સંકેતો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. સારા વરસાદ માટે જરૂરી ફેરફારો પ્રશાંત અને હિંદ મહાસાગરમાં દેખાવા લાગ્યા છે.
વિશ્વની તમામ હવામાન એજન્સીઓ આગાહી કરી રહી હતી કે અલ નીનો ચોમાસાના પહેલા મહિનામાં સમાપ્ત થઈ જશે અને થોડાં અઠવાડિયાંની તટસ્થ સ્થિતિ પછી લા નીનોની સ્થિતિનું નિર્માણ શરૂ થશે.
યુએસ એજન્સી અને ઓસ્ટ્રેલિયન વેધર બ્યૂરોએ પુષ્ટિ કરી છે કે વિશ્વના સૌથી મોટા સમુદ્ર એવા પ્રશાંત મહાસાગરના ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. બીજી બાજુ, IMDએ પુષ્ટિ કરી છે કે હિંદ મહાસાગર દ્વિધ્રુવની સ્થિતિ સકારાત્મક બની રહી છે.
હિંદ મહાસાગરનું તાપમાન ડેન્ગ્યૂની આગાહી કરશે
હિંદ મહાસાગરના તાપમાનમાં ફેરફારથી વિશ્વભરમાં ડેન્ગ્યૂના જોખમની આગાહી કરી શકાય છે. બીજિંગ નોર્મલ યુનિવર્સિટીના સંશોધન મુજબ હિંદ મહાસાગરમાં વધતા તાપમાનને કારણે સમગ્ર વિશ્વમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થાય છે.
તાજેતરમાં અલ નીનોને કારણે પણ આ વિસ્તરણ જોવા મળ્યું હતું. યુનિવર્સિટીએ 1990થી 2019 દરમિયાન વિશ્વના 46 દેશમાં નોંધાયેલા વાર્ષિક ડેન્ગ્યૂના કેસ અને 2014 થી 2019 દરમિયાન 24 દેશોમાં નોંધાયેલા માસિક કેસ અને હિંદ મહાસાગરમાં તાપમાનનો અભ્યાસ કર્યો હતો.