નવી દિલ્હી22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડેટા સેન્ટર કેપિસિટી મામલે ભારતે હવે સમગ્ર એશિયા-પ્રશાંત (ચીનને છોડીને)માં બાજી મારી છે. 950 મેગાવોટની ક્ષમતા સાથે ભારતે જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાને પણ પાછળ છોડી દીધું છે. ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલટન્સી કંપની સીબીઆરઇના રિપોર્ટ અનુસાર, આગામી 2 વર્ષમાં ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા 850 મેગાવોટ વધીને અંદાજે 1,800 મેગાવોટ સુધી પહોંચી જશે.
એક અન્ય રિસર્ચ ફર્મ કેરએજ અનુસાર, વર્ષ 2026 સુધી ભારતની ડેટા સેન્ટરની ક્ષમતા અંદાજે 2,000 મેગાવોટ અથવા 2 ગીગાવોટ સુધી પહોંચી જશે. આ વર્ષે દેશની ડેટા સેન્ટરની ક્ષમતા 1,370 મેગાવોટ પર પહોંચવાની આશા છે. જો કે કોમર્શિયલ રિયલ એસ્ટેટ ફર્મ કુશમેન એન્ડ વેકફીલ્ડ અનુસાર, ચીનની ડેટા સેન્ટરની ક્ષમતા અંદાજે 3,800 મેગાવોટ છે. વર્ષ 2023માં ભારતમાં કુલ ડેટા સેન્ટર સ્ટૉક 1.6 કરોડ સ્ક્વેર ફુટ હતો. સીબીઆરઇના રિપોર્ટ અનુસાર, 2018 થી 2023ની વચ્ચે, ભારતમાં આ સેક્ટરમાં 3.34 લાખ કરોડથી વધુ રોકાણ થયું હતું. કેરએજ રેટિંગ્સના રિપોર્ટ અનુસાર 2026 સુધી આ ક્ષેત્રમાં 50,000 કરોડનું વધારાનું રોકાણ જોવા મળી શકે છે. તેનાથી દેશમાં ડેટા એનાલિટિક્સની માંગ પણ સતત વધી રહી છે.
ભવિષ્યમાં ડેટા સેન્ટર્સની સપ્લાયના 60%થી વધુ હિસ્સો મુંબઇ અને ચેન્નાઇમાં કેન્દ્રિત હશે. પરંતુ સીબીઆરઇના રિપોર્ટ અનુસાર કોચી, જયપુર, અમદાવાદ, લખનઉ, પટના અને વિશાખાપટ્ટનમ જેવા ઉભરતા શહેરો ગ્રોથની વધુ સંભાવના ધરાવે છે. આ શહેરોમાં મુંબઇ, ચેન્નાઇની તુલનાએ ખર્ચ ઓછો છે.
ડેટા સેન્ટરમાં સર્વર, ડેટા સ્ટોરેજ ડ્રાઇવ જેવી વિશાળ કમ્પ્યુટિંગ મશીન તેમજ તેમના સંબંધિત હાર્ડવેર ઉપકરણ રાખવામાં આવે છે. આ ઉપકરણોમાં ડિજિટલ ડેટા સ્ટોરેજ હોય છે.
મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં શિફ્ટ થઇ રહી છે
ભારત મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે. મુખ્યત્વે એવી કંપનીઓને જે ડિજિટલ સર્વિસનો વિસ્તાર કરવા માંગે છે અને સપ્લાય સંબંધિત ચિંતાઓને કારણે અન્ય એશિયન દેશોમાંથી રિલોકેટ થવા ઇચ્છે છે. – અંશુમાન મેગઝીન, ચેરમેન-સીઇઓ, સીબીઆરઇ ઇન્ડિયા