ગાંધીનગર, રાજકોટ34 મિનિટ પેહલાલેખક: નિર્મલ દવે/જીગ્નેશ કોટેચા
- કૉપી લિંક
પુરુષોત્તમ રૂપાલા પર ભાજપ એક્શન ક્યારે લેશે? આ સવાલ 23 માર્ચથી પુછાઈ રહ્યો હતો, જેનો જવાબ 78 દિવસ પછી મળ્યો. નરેન્દ્ર મોદીના પહેલા અને બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં સામેલ રૂપાલાને હવે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે. 2014માં કેન્દ્રમાં પહેલીવાર મોદી સરકાર બન્યા બાદ વર્ષ 2016થી રૂપાલાને ખેતી, ફાર્મર વેલ્ફેર અને પંચાયતી રાજના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. 2021માં તેમને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવાયા હતા, જેમાં તેમને મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગ સોંપાયો હતો.
2024ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં રૂપાલાએ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરી. તેમની ટિપ્પણીમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ફક્ત 7 જ શબ્દો બોલ્યા હતા અને આ શબ્દોથી વિવાદનો મધપૂડો છેડાઈ ગયો. આ ટિપ્પણી ક્ષત્રિયોનું આંદોલન શરૂં થયું. પુરુષોત્તમ રૂપાલાએ 3 વાર માફી માગી હતી. પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલે પણ બે હાથ જોડીને ક્ષત્રિયોની માફી માગી હતી. આમ છતાં ક્ષત્રિયોનો રોષ શાંત ન થયો અને ક્ષત્રિય આંદોલન ચાલુ જ રહ્યું.
આમ જોઇએ તો રૂપાલા સામે મેદાને પડેલા ક્ષત્રિયોનું આંદોલન 3 અલગ-અલગ માગ સાથે આગળ વધ્યું. જેમ-જેમ રૂપાલા આગળ વધતા ગયા એમ-એમ ક્ષત્રિયોની માગ પણ બદલાતી રહી. રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ક્ષત્રિયોએ પહેલી માગ કરી કે ભાજપ તેમની ટિકિટ રદ કરે, પરંતુ ભાજપ મક્કમ રહ્યો, તેણે રૂપાલાની ટિકિટ યથાવત્ રાખી. આ પછી પ્રચંડ પ્રચાર સાથે રૂપાલાએ પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું.
ક્ષત્રિય આંદોલનની ફાઇલ તસવીર.
રૂપાલાએ ઉમેદવારીપત્રક ભરી દેતાં ક્ષત્રિયોએ પણ રણનીતિ બદલી. હવે તેમણે રૂપાલા ફોર્મ પાછું ખેંચી લે એવી માગ કરી. આ વખતે પણ ભાજપ અને રૂપાલા મક્કમ રહ્યાં. રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચ્યું અને પોતાની ઉમેદવારી યથાવત્ રાખી.
હવે રૂપાલા સામેનો ક્ષત્રિયોનો રોષ ભાજપ સામેના રોષમાં ફેરવાઇ ગયો. ક્ષત્રિયોએ ફક્ત રૂપાલાને જ નહીં, પરંતુ ભાજપને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું. ઠેર-ઠેર ક્ષત્રિય સંમેલન યોજ્યાં. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ખુલ્લેઆમ અપીલ કરી.
ક્ષત્રિયોની આ અપીલ અસરકારક સાબિત થઈ કે નહિ એ 4 જૂને આવેલા રાજકોટ બેઠકના પરિણામે સાબિત કરી દીધું છે. ક્ષત્રિયોના વિરોધનો સામનો કરતાં-કરતાં રૂપાલા ટિકિટ બચાવવામાં સફળ રહ્યા, ઉમેદવારીપત્રક પાછું ન ખેંચાય એમાં સફળ રહ્યા અને રાજકોટ બેઠક પરથી જંગી લીડ સાથે જીતવામાં પણ સફળ રહ્યા. આમ, આ 3 કોઠા તો રૂપાલાએ સારી રીતે વીંધી લીધા, પરંતુ ચોથો કોઠો (મંત્રીપદ મેળવવામાં) વીંધવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
રૂપાલાનું મંત્રીપદ છીનવાઈ જતાં ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા લોકો શું માને છે એ જાણવા દિવ્ય ભાસ્કરે તેમનો સંપર્ક કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંદોલન ફરી એક્ટિવ થશેઃ પદ્મિનીબા વાળા
પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે સૌથી પહેલા વિરોધ કરનારાં પદ્મિનીબા વાળાએ વ્યક્તિગત મત વ્યક્ત કરતાં કહ્યું, રૂપાલાને મંત્રીમંડળમાં ન સમાવીને સરકારે અમારી નોંધ લીધી છે, જે સારું કહેવાય. 2-3 દિવસમાં અમારી મિટિંગ થવાની છે, જેમાં આગળની રણનીતિ ઘડાશે. મેં તો પહેલાં જ વ્યક્તિગત રીતે રૂપાલાને માફ કરી દીધા હતા. હવે વિરોધ રૂપાલાનો રહ્યો નથી, આંદોલન ભાજપ-કોંગ્રેસનું થઇ ગયું હતું. સંકલન સમિતિએ તો આંદોલનનો દાટ વાળી દીધો હતો. ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલન ફરી એક્ટિવ થશે. અમારા સમાજનો યુવા વર્ગ એવું માને છે કે જો ભાજપ અમારી માગ પૂરી નહિ કરે તો ફરીથી આંદોલન થશે.
પદ્મિનીબા વાળા.
રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી ભાજપ સામે વિરોધ હતોઃ વીરભદ્રસિંહ જાડેજા
કચ્છ કરણી સેનાના અધ્યક્ષ અને ક્ષત્રિય આંદોલન સાથે સંકળાયેલા વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી ભાજપ સામે જ વિરોધ હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિરોધ થશે.
વીરભદ્રસિંહ જાડેજા.
રૂપાલાને પડતા મૂકવાના નિર્ણયને આવકારીએ છીએઃ કરણસિંહ ચાવડા
સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું, વડાપ્રધાન લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવ્યા ત્યારે સુરેન્દ્રનગરની સભામાં રૂપાલાને સ્ટેજ પરથી દૂર રાખીને અંતર રાખ્યું હતું ત્યારથી જ ખ્યાલ હતો કે ભાજપની મજબૂરી હશે, પણ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન ન આપવાના નિર્ણય આવકારીએ છીએ.
રૂપાલાના કારણે ગુજરાતમાં ભાજપને નુકસાન થયુંઃ કરણસિંહ ચાવડા
કરણસિંહે વધુમાં કહ્યું, આવા વાણીવિલાસ કરવાવાળા, અસ્મિતા વિશે બોલવાવાળા , ઇતિહાસ વિકૃત કરનારી વ્યક્તિને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, યુપીમાં ઓછામાં ઓછી 65 બેઠક પર ભાજપને નુકસાન થયું. ગુજરાતમાં વિધાનસભાની 25 બેઠક પર નુક્સાન થયું છે. એક વ્યક્તિને લીધે આટલું નુકસાન થયા હોવાના ફીડબેક મળ્યા હશે એટલે આ પગલું લીધું એ ખૂબ સારું કહેવાય.
કરણસિંહ ચાવડા.
ભવિષ્યમાં રૂપાલાને કોઈ સ્થાન નહી મળે એવી માનીએ છીએઃ કરણસિંહ ચાવડા
તેમણે જણાવ્યું, આ પગલાથી ક્ષત્રિયોના રોષને થોડાઘણા અંશે શાંત કરવા પ્રયાસ કર્યો એને અમે આવકારીએ છીએ. જોકે સરકારને પણ મોડે-મોડે સમજાયું છે કે ક્ષત્રિય આંદોલનને કારણે અસર થઈ છે એટલે અમારી માગણી વિશે સરકારને ખ્યાલ છે. સરકારે વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજને નારાજ રાખવો કે વચગાળાનો રસ્તો કરવો. ભવિષ્યમાં પણ રૂપાલાને કોઈ સ્થાન નહી મળે એમ અમારું માનવું છે.
આગામી ચૂંટણીમાં શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશેઃ કરણસિંહ ચાવડા
કરણસિંહે ક્ષત્રિય આંદોલનને ચળવળ ગણાવી. તેમણે કહ્યું હતું કે આ આંદોલન નથી, ચળવળ કહેવાય. આ અસ્મિતાનો મુદ્દો ઊઠ્યો એટલે આંદોલન શબ્દથી ચળવળ ચલાવવી પડી. અમારાં રચનાત્મક કાર્યો, અમારા પ્રશ્નો, ભવન માટે જમીન વગેરે બાબત અમારા એજન્ડામાં છે. અમે રતનપરની સભામાં કહ્યું હતું કે અમે દડો સરકારની ગોદમાં નાખ્યો છે એટલે સરકાર પાસે દડો છે. અમને એમ લાગે કે હજુ પણ સરકાર અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે તો સંકલન સમિતિ નક્કી કરશે કે આવનારી ચૂંટણીમાં શું કરવું. રૂપાલાની માફી ગ્રાહ્ય રાખવી કે નહિ એ સંકલન સમિતિ નક્કી કરશે. સંકલન સમિતિની કામગીરી ચાલુ જ છે. જૂન મહિનાના અંતમાં તમામ સંસ્થાઓ અમે બોલાવીશું. ચળવળ પડતી મૂકવાનું કારણ નથી. અમે સૂચન લઈશું અને અભિપ્રાય માગીશું, અભિપ્રાય મળ્યા પછી નક્કી થશે કે શું કરવું.
રૂપાલાનું ભવિષ્ય ધૂંધળું લાગે છેઃ વિજયસિંહ ચાવડા
સંકલન સમિતિના આગેવાન વિજયસિંહ ચાવડાએ કહ્યું, અમારી લડાઈ કોઈને કંઈ ન મળે એ માટે નહોતી, પણ અસ્મિતાનું માન જળવાય એ માટે હતી. રૂપાલાનું અન્ય કોઇ સ્થાન આપવું હોય તો ભાજપ અત્યારે પણ આપી શકે, બાકી ભવિષ્ય તો અમને પણ ધૂંધળું જ લાગે છે.
વિજયસિંહ ચાવડા.
રૂપાલાના કારણે સમાજ એક થયોઃ વિજયસિંહ ચાવડા
તેમણે કહ્યું હતું, પહેલેથી અમે એકસાથે બેસીને જ નિર્ણય લઈએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ પહેલા રૂપાલાની ટિકિટ રદ કરવાનો મુદ્દો હતો, પણ એ ન થયું એટલે ભાજપ વિરુદ્ધમાં ગયા. હવે સમાજ ફરીથી નક્કી કરશે કે આ લડાઈને કઈ રીતે લઈ જવાની છે. સમાજના વિકાસ પર પણ સાથે ધ્યાન આપવાનું છે, કેમ કે રૂપાલાને કારણે સમાજ ફરી એક થયો છે.
વિનમ્રતાથી માફી માગી હોત તો આંદોલન ન થયું હોતઃ વિજયસિંહ ચાવડા
તેઓ વધુમાં જણાવે છે, દુઃખ લાગે એના 6 મહિના પછી સોરી કહીએ તો એનો કોઇ મતલબ ન હોય. માફી માગવા અને આપવાનો સમય પહેલાં હતો. જ્યારે માફી માગવાની હતી એ સમયે વિનમ્રતાથી માફી માગી હોત તો આ આંદોલન ન થયું હોત, પણ પછી વારંવાર એમ બતાવે કે હું સારી વ્યક્તિ છું એના કરતાં એ સાબિત કર્યું હોત તો વારંવાર માફી માગવી ન પડી હોત.
ગોતામાં સમાજની બેઠક મળશેઃ વિજયસિંહ ચાવડા
વિજયસિંહે કહ્યું, આંદોલનના એક કે બે ભાગ પૂરા થયા છે. ભવિષ્યની ચર્ચા માટે ફરીથી સમાજ થોડા સમયમાં ગોતા ભવન ખાતે ભેગો થશે. જ્યાં નિર્ણય કરીશું કે આંદોલનનું શું કરવું અને સમાજના કયા કાર્યક્રમ કરવા.
ભાજપે અમને ઇગ્નોર કર્યા એટલે અમે વિરોધ કર્યોઃ દોલુભા જાડેજા
ક્ષત્રિય આંદોલન સાથે સંકળાયેલા દોલુભા જાડેજાએ કહ્યું, રૂપાલાને મંત્રી બનાવ્યા કે નહિ એ તેના પક્ષનો વિષય છે. અમે રૂપાલાને હીરો બનાવવા માગતા નથી. ભાજપે અમારી સામાન્ય માગણીનો સ્વીકાર નથી કર્યો એના ભાગરૂપે અમે વિરોધ કર્યો. રૂપાલાના સ્થાને તેના પુત્ર, પુત્રી કે પત્નીને ભાજપ ટિકિટ આપે તો એમાં અમારો ક્યાં વિરોધ હતો? અમારા વિરોધનું કારણ એ જ હતું કે ભાજપે અમને ઇગ્નોર કર્યા. પહેલા અમારો વિરોધ રૂપાલા પૂરતો હતો, પછી અમારો વિરોધ રાજસ્થાન, યુપીમાં પણ શરૂ થયો. જ્યાં અમારી બહુમતી હતી ત્યાં શું પરિણામ આવ્યું એ બધાને ખબર છે.
ક્ષત્રિય આંદોલનના કારણે ગુજરાતમાં કોંગ્રેસ સજીવન થઈ દોલુભા જાડેજા
તેઓ વધુમાં કહે છે, ગુજરાતમાં ભાજપને ભલે 25 સીટ મળી, પણ કોંગ્રેસ જે સજીવન થઇ છે એ ક્ષત્રિય આંદોલનના કારણે જ થઇ છે. રૂપાલાને ભલે મંત્રી નથી બનાવાયા, પણ જ્યાં સુધી ક્ષત્રિયોની નોંધ નહીં લેવાય ત્યાં સુધી હંમેશાં અમે ભાજપનો વિરોધ કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અમે 100 ટકા વિરોધ કરીશું. કોઇ હજુરિયાને પણ ટિકિટ આપશે તો અમે તેને સ્વીકારીશું નહિ. રૂપાલાને કોઇ કાળે માફી નથી આપવાની.
મતદાન પછી રૂપાલાએ ફરી માફી માગી હતી
ગુજરાતમાં જ્યારે મતદાન પૂર્ણ થયું એના બીજા દિવસે એટલે કે 8મી મેએ રૂપાલાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને ફરી એકવાર માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. આ રાજકીય કારકિર્દીના સૌથી કઠિન દોરમાંથી પસાર થયો. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટાં વમળો સર્જાયાં. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનું કેન્દ્રબિન્દુ પણ હું જ હતો. ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી એના કારણે સમગ્ર ભાજપ પક્ષ એમાં લપેટાયો. સામાન્ય રીતે મારા વક્તવ્ય મારી પાર્ટી માટે એસેટ હતા અને પ્રોત્સાહક રહેતા, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો.
8મી મેએ રૂપાલાએ રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.
ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું: રૂપાલા
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. એ વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું.
હું દિલગીરી વ્યક્ત કરું છુંઃ રૂપાલા
રૂપાલાએ એવું પણ કહ્યું હતું કે મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે એ પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે. ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે સમગ્ર ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યો હોય ત્યારે વિકાસની આ કડીમાં તેઓ પણ આગળ વધે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.
કોણ છે પુરુષોત્તમ રૂપાલા?
1 ઓક્ટોબર, 1954ના રોજ જન્મેલા પુરુષોત્તમ રૂપાલાએ B.Sc. B.Ed. નો અભ્યાસ કર્યો છે. તેઓ 1977થી 1983 સુધી સ્કૂલમાં પ્રિન્સિપાલ રહ્યા હતા. 1983થી 1987 સુધી તેમણે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. 1988થી 1991 સુધી તેઓ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા. 1991માં અમરેલીથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 2002 સુધી ધારાસભ્ય રહ્યા. 1992માં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા. 1995માં પાણીપુરવઠા મંત્રી બન્યા. 1998થી 2001 સુધી GIDCના ચેરમેન તરીકે રહ્યા. 2001માં ગુજરાતના કૃષિમંત્રી બન્યા. 2006થી 2010 સુધી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ રહ્યા. 2008માં રાજ્યસભાના સાંસદ બન્યા. 2010થી 2016 સુધી ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહ્યા. 2016માં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બન્યા. 2021માં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી બન્યા.