વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસે આ યુવકને શોધી કાઢી હથિયારબંધી બદલ ધરપકડ કરી છે.
ગત 24 ઓક્ટોબરે મધરાતે ગદાપુરા વિસ્તારમાં ઉત્કર્ષ સ્કૂલ પાસે કેટલાક યુવકો દારૂખાનું ફોડી રહ્યા હતા અને ધૂમધડાકા વચ્ચે કારના બોનેટ પર એક યુવક ફિલ્મી ઢબે કમરના ભાગેથી એક ફૂટ લાંબુ ખંજર કાઢીને કેક કાપતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.આ યુવકના હાથમાં બોટલ પણ દેખાઇ રહી છે.
અકોટાના પીઆઇ વાય જી મકવાણાએ વીડિયોની તપાસ કરવા માટે સૂચના આપતાં હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અને ટીમે ગદાપુરા સ્લમ ક્વાર્ટરમાં રહેતા અને કલરકામ કરતા વિશાલ ઉર્ફે હિમાલય સંગીતભાઇ જાદવને શોધી કાઢી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરી ખંજર કબજે લીધું હતું.