ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ બાદ તેના પર ગુનો નોંધાયો અને તેણે માફી માંગી લીધી. તેમ છતાં તેને ધમકી મળી રહી હતી. કિશન અને ભૌમિક જ્યારે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક પર આવે
.
હવે આગળ વાંચો.
પીઆઇ વાળાએ તપાસનો દૌર શરૂ કર્યો અને ઘટના સ્થળની મુલાકાત લીધી. ઘટના સ્થળની આસપાસ એક પણ સીસીટીવી કેમેરા નહોતો પણ થોડે દૂર એક સીસીટીવી કેમેરા હતો.
દૂર રહેલા આ કેમેરાએ પોલીસને પહેલી કડી સુધી પહોંચવામાં મદદ કરી. કેમેરો દૂર હતો એટલે તેમાં ચહેરા સ્પષ્ટ રીતે દેખાતા નહોતા પરંતુ એક બાઇક પર બે શખસો આવ્યા હોવાનું સ્પષ્ટ જણાતું હતું. પોલીસે ફરસાણની એક દુકાન અને સલીમ મોદનના ઘરના સીસીટીવી ફૂટેજ જોયા. જેમાં કિશનની બાઇકનો પીછો કરતાં 2 શખસો જોવા મળ્યા હતા.
એક તરફ સીસીટીવી કેમેરાની તપાસ ચાલુ હતી બીજીતરફ હત્યા પાછળ કોણ જવાબદાર છે તે અંગે પણ જુદી-જુદી ચર્ચા ચાલતી હતી. તેમાં દેશી પિસ્તોલનો ઉપયોગ થયો હોવાથી UPના શાર્પ શૂટરો હશે તેવી આશંકા સેવાઇ રહી હતી.
એ સમયે આખા દેશમાં સર તન સે જુદા, સર તન સે જુદાનું એક જ સૂત્ર ચાલતું હતું. તેમાંય વળી આ સમગ્ર ઇશ્યૂ આંતરરાષ્ટ્રીય કક્ષાનો હતો. પાકિસ્તાનનો મૌલાના અઝહર જે સ્પીચ આપતો હતો તેનાથી અંજાઇ જઇને લોકોના બ્રેઇન વોશ કરવામાં આવતા હતા.
આરોપીઓને વહેલામાં વહેલા ઝડપી લેવા માટે ધંધુકા પોલીસે સ્થાનિક વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. પીઆઇ વાળાએ ટેકનિકલ તપાસની સાથોસાથ સ્થાનિક બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા.
પીઆઇ વાળાને બાતમી મળી કે 2 લોકોને UP જવું છે એટલે 10 હજાર રૂપિયા ઉધાર માંગી રહ્યા છે. આ બાતમી બાદ તે બન્ને લોકો શંકાના પરિઘમાં મૂકાયા હતા.
આ સિવાય પોલીસને એવી પણ માહિતી મળી કે કિશન પર ફાયરિંગ કરનારા આરોપીઓ ધંધુકાની સર મુબારક દરગાહ પાસેના ખેતરમાં આવેલી એક અવાવરૂં ઓરડીમાં છુપાયેલા છે.
આ માહિતી મળ્યા બાદ પોલીસે એક ગુપ્ત ઓપરેશન કરવાનું નક્કી કર્યું. પીઆઇ વાળાએ પોતાના સ્ટાફને બોલાવીને ક્યાં અને કેવી રીતે ઓપરેશન પાર પાડવાનું છે તેનો પ્લાન બનાવી લીધો. આ ઓપરેશન દરમિયાન કોણ શું કરશે તે પણ નક્કી કરી લીધું.
હવે બીજા દિવસનો સૂરજ ઊગે તેની રાહ હતી.
બીજા દિવસે સવારે 6 વાગ્યામાં જ પીઆઇ વાળા અને તેમનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં સર મુબારક દરગાહવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં ચારેતરફ નજર ફેરવીને જે ખેતરની બાતમી મળી હતી તે ખેતરને ઓળખી લીધું. હવે તેમનું મિશન હતું ખેતરમાં આવેલી ઓરડી.
જેવો પોલીસનો સ્ટાફ ઓરડીની નજીક પહોંચ્યો કે તેમાં રહેલા બે શખસો અચાનક બહાર આવ્યા અને ભાગવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસ પહેલેથી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હતી એટલે તરત જ આ બન્ને શખસોને પકડી લીધા.
આ બન્ને શખસો હતા શબ્બીર અને ઇમ્તિયાઝ. પોલીસને તેમની પાસેથી કિશન પર ફાયરિંગ કરવા માટે વપરાયેલી દેશી પિસ્તોલ મળી આવી હતી. ઓરડીમાં દાટી દીધેલા 3 કારતૂસ પણ પોલીસને હાથ લાગ્યા હતા. કિશનની હત્યામાં વપરાયેલી બાઇક અવાવરૂં સ્થળેથી પોલીસે કબજે કરી હતી.
આરોપીઓ તો પકડાઇ ગયા પણ કિશનની હત્યા શા માટે થઇ તે કારણ જાણવું ખૂબ જરૂરી હતું.
પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પૂછપરછમાં ખૂલ્યું કે કિશને કરેલી પોસ્ટના કારણે આરોપીઓએ તેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ પણ કિશનની રેકી કરી હતી. સથવારા સમાજની વાડી તેમજ અન્ય સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં આ આરોપીઓ કિશનની રેકી કરતા હોવાનું કેદ થયું હતું.
અમદાવાદના જમાલપુરના મૌલાના અય્યુબ અને દિલ્હીના મૌલાના કમર ગનીએ આરોપીઓનું બ્રેઇન વોશ કર્યું હતું. આ બન્ને મૌલાનાઓએ ધંધુકાની મુલાકાત પણ લીધી હતી. આ ગુનાનો રેલો છેક દિલ્હી સુધી પહોંચતો હોવાથી ગુજરાત પોલીસે આ કેસની તપાસ ATSને સોંપી હતી. જેના પછી ATSએ સ્થાનિક પોલીસ પાસેથી આગળની તપાસનો દૌર સંભાળી લીધો હતો. ATSએ તપાસ સંભાળી તે પહેલાં સ્થાનિક પોલીસે 6 દિવસ સુધી તપાસ કરી હતી.
હવે ગુજરાત ATSના વડા અમિત વિશ્વકર્મા, DIG સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ DySP બી.એચ.ચાવડા અને PSI બી.જે.પટેલે આગળ તપાસ શરૂ કરી. ATSએ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી.
આ પૂછપરછમાં ખૂલ્યું કે શબ્બીર યુ ટ્યૂબ પર મૌલાના કમર ગની ઉસ્માનીના વીડિયો જોતો હતો. મૌલાનાના વીડિયો જોઇ શબ્બીર જૂન, 2021માં મુંબઇના વડાલામાં કમર ગનીને મળવા ગયો હતો. મૌલાના કમર ગની ઉસ્માની તહેરિક ફરોગ-એ-ઇસ્લામ (TIF) નામની સંસ્થા ચલાવતો હતો. આ સંસ્થાનો ઉદ્દેશ નબી પર ટિપ્પણી કરનારા લોકો સામે આંદોલન ચલાવીને ફરિયાદ દાખલ કરાવવાનો હતો. સંસ્થામાં જોડાનાર સભ્યએ દરરોજ એક રૂપિયો સભ્ય ફી તરીકે ચૂકવવાનો રહેશે તેવો નિયમ હતો. મૌલાના કમર ગની ઉશ્કેરણીજનક ભાષણો કરવા માટે પંકાયેલો હતો. તે ઘણીવાર અમદાવાદના ગોમતીપુર, ગાયકવાડ હવેલી, શાહ આલમ, વડોદરા અને સુરતની મસ્જિદોમાં ભાષણ કરવા આવતો હતો.
આ સમયે મૌલાના કમર ગની જે કોઇપણ નબીની વિરૂદ્ધ ટિપ્પણી કરે તેની સામે ફરિયાદ કરવાનું કહેતો અને કુરાન-એ-હદીસમાં એવું લખ્યું છે કે નબીની ગુસ્તાખી કરનારા માટે એક જ સજા છે, સર તન સે જુદા, સર તન સે જુદા. આવું કહેતો હતો. મૌલાનાએ તો શબ્બીરને ત્યાં સુધી કહ્યું હતું કે તમે કંઇપણ કરો તો ખર્ચો સંસ્થા ભોગવશે, વકીલ પ્રોવાઇડ કરશે, ઘર ખર્ચ આપશે.
મૌલાના કમર ગનીએ શબ્બીરને કહ્યું હતું કે તમે અમદાવાદ જમાલપુર મસ્જિદના મૌલાના અય્યુબ જાબરાવાલા (મૂળ UP)ને મળજો. તે તમને બધી મદદ કરશે. જેથી શબ્બીર અમદાવાદ આવીને મૌલાના જાબરાવાલાને મળ્યો હતો અને કિશને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટની વાત કરી હતી.
આના પછી મૌલાના જાબરાવાલાએ શબ્બીર સાથે મળી આગળ શું કરવું તે નક્કી કરી લીધું હતું. તેણે શબ્બીરને કહ્યું હતું કે આપણે કિશનની હત્યા કરવા માટે હથિયાર લાવવું પડશે. આ હથિયારની વ્યવસ્થા પણ મૌલાના જાબરાવાલાએ જ કરી હતી. તેણે રાજકોટના અજીમ બસીર સમાને દેશી પિસ્તોલની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું હતું એટલે અજીમે રાજકોટના જ રહેવાસી રમિત સેંતા પાસેથી દેશી પિસ્તોલ મેળવી લીધી હતી અને તે મૌલાના જાબરાવાલાને આપી હતી.
8મી જાન્યુઆરીએ શબ્બીર અને મૌલાના જાબરાવાલા ધંધુકા ગયા હતા. આ બન્નેના સીસીટીવી પણ પોલીસને મળ્યા હતા. આ સમયે કિશન નહીં મળતા મૌલાના જાબરાવાલાએ પોતાની પાસે રહેલી પિસ્તોલ અને પાંચ કારતૂસ શબ્બીરને આપીને કામ પાર પાડવા માટે કહ્યું હતું. જેથી શબ્બીરે કિશનની રેકી ચાલુ રાખી હતી.
25મી તારીખે જ્યારે કિશન અને તેનો પિતરાઇ ભાઇ ભૌમિક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા ત્યારે શબ્બીર તેને જોઇ ગયો હતો. જેના પછી તેણે ઇમ્તિયાઝની મદદથી આ બન્નેનો પેશન બાઇક પર પીછો શરૂ કર્યો હતો. આ સમયે તેની પાસે મૌલાના જાબરાવાલાએ આપેલી પિસ્તોલ હતી જ. આ પિસ્તોલથી જ તેણે કિશન પર ફાયરિંગ કર્યું હતું. આરોપીઓએ બાઇક પર જતાં કિશન પર 3 રાઉન્ડ ફાયર કર્યા હતા પરંતુ દેશી પિસ્તોલ હોવાથી 2 રાઉન્ડ ફાયર થયા બાદ ત્રીજી ગોળી અંદર જ ફસાઇ ગઇ હતી અને ફાયર થઇ શકી નહોતી.
કિશન પર ફાયરિંગ કર્યા બાદ શબ્બીરે પોતાના મિત્ર મતીન મોદનને ફોન કર્યો હતો. આ ફોન કર્યા પછી તેણે સીમ કાર્ડ અને મોબાઇલ ધંધુકાના તળાવમાં નાખી દીધા હતા. તેના પછી ખેતરમાં જઇને ઓરડીમાં છુપાઇ ગયા હતા અને બાઇક અવાવરૂં જગ્યાએ મુકી દીધી હતી.
મતીન મોદન ખેતરમાં છૂપાયેલા શબ્બીર અને તેના મિત્ર ઇમ્તિયાઝને ખાવાનું અને શબ્બીરના ઘરે તેની માતાને 10 હજાર રૂપિયા પણ આપી આવ્યો હતો. મતીને જ શબ્બીર અને ઇમ્તિયાઝને કપડાં પણ પહોંચાડ્યા હતા. જેથી એ બન્નેએ કિશનની હત્યા સમયે જે કપડાં પહેર્યા હતા તે બદલી નાંખ્યા હતા.
પોલીસે આરોપીઓએ હત્યા સમયે પહેરેલા કપડા અને શબ્બીરની માતા પાસેથી 10 હજાર રૂપિયા કબજે લીધા હતા. પોલીસે મતીન મોદન તેમજ અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલાના અય્યુબ જાબરાવાલાને પણ ઝડપી લીધા હતા.
પોલીસે અય્યુબના ઘરમાંથી કટ્ટરતાનો પ્રચાર કરતું સાહિત્ય કબજે કર્યું હતું. ઝઝબે શહાદત નામની ગુજરાતી અને હિન્દીમાં પ્રસિદ્ધ થયેલી 1 હજાર જેટલી ઉશ્કેરણી ફેલાવતી પુસ્તિકા કબ્જે કરી હતી. મૌલાના જાબરાવાલા આ પુસ્તિકા 10 રૂપિયામાં વેચતો હતો. નબી વિરુદ્ધ લખાણ કરે તેની હત્યા કરી નાંખવી તેવું લખાણ આ પુસ્તિકામાં હતું.
મૌલાના કમર ગનીનો માણસ મહંમદ ઇરશાદ મોબાઇલમાં કમર ગનીના વીડિયો ઉતારતો હતો. કમર ગનીએ 2022માં સંભલમાં ઉશ્કેરણી જનક ભાષણ આપ્યું હતું. તેણે મનસબ્બા નબિયન ફક્તુલહુ એવું અરબી ભાષામાં લખાણ કર્યું હતું. જેનો અર્થ થાય છે જીસને ગાલી દી નબી કો તો તુમ ઉસકા કત્લ કરો.
વર્ષ 2021માં ત્રિપુરામાં કમર ગની સામે UAPA (Unlawful Activities (Prevention) Act) હેઠળ ગુનો દાખલ થયેલો છે. જેમાં તેનો પાછળથી જામીન પર છૂટકારો થયો હતો. આ ઉપરાંત તેની વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. જ્યારે ATSમાં ગુજસીટોક તથા UAPA હેઠળ ગુનો નોંધાયેલો છે.
પોલીસ તપાસમાં એ પણ ખૂલ્યું કે પોરબંદરના સાજણ ઓડેદરાએ મુસ્લિમ સમાજ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી. જેના લીધે તેની વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો. તે 5-6 મહિના જેલમાં હતો. આ દરમિયાન પોરબંદરનો હુસેન મિસ્ત્રી જમાલપુરના મૌલાના અય્યુબને મળ્યો હતો. અને સાજણ ઓડેદરાને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. જેના પછી મૌલાના અય્યુબ એકલો પોરબંદર ગયો હતો. પરંતુ સાજણ જેલમાં હોવાથી મળ્યો નહોતો અને તે પાછો આવી ગયો હતો. ફરીવાર અય્યુબ અને શબ્બીર બસમાં હથિયાર સાથે પોરબંદર ગયા હતા અને હુસેન મિસ્ત્રીને મળ્યા હતા. આ સમયે તેમણે સાજણ ઓડેદરાના મોટા બાપાના ઘર સુધી રેકી પણ કરી હતી પણ સાજણ મળ્યો ન હોવાથી તેઓ પાછા આવી ગયા હતા. જેના પછી કિશન ભરવાડની હત્યાની ઘટના બની હતી.
પોલીસે જ્યારે કમર ગનીના કોમ્પ્યુટરના સીપીયુ અને અય્યુબ જાબરાવાલાના મોબાઇલની તપાસ કરી તો તેમાંથી નબી વિરૂદ્ધ ટિપ્પણી કરનારા 17 લોકોના નામની યાદી મળી આવી હતી. આ 17 લોકો કમર ગની અને જાબરાવાલાના ટાર્ગેટ પર હતા.
કિશન ભરવાડની હત્યાના કેસમાં થયેલી પૂછપરછમાં એક પછી એક નામો ખૂલતા ગયા. જેમાં પોલીસે આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝ બાદ જમાલપુરના મૌલાના અયુબ જાબરાવાલા, અજીમ બસ્તર સમા, મૌલાના કમર ગની, હુસેન મિસ્ત્રી, મતીન મોદન તથા રમિત સેંતાની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી હુસેન મિસ્ત્રીનો ડિસેમ્બર-2022માં હાઇકોર્ટમાંથી શરતી જામીન પર છૂટકારો થયો હતો તો રમિત સેંતાનો 2024માં સુપ્રીમ કોર્ટમાંથી તથા અજીમ બસીર સમાનો ડિસેમ્બર-2024માં હાઇકોર્ટમાંથી શરતી જામીન પર છૂટકારો થયો હતો. હાલ આ તમામ આરોપીઓ સામેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
બીજીતરફ શરૂઆતમાં તપાસ કરનારા ધંધુકા SOGના તત્કાલીન PI દીવાનસિંહ વાળા હાલ ગાંધીનગર LCBના PI તરીકે ફરજ બજાવી રહ્યા છે.