48 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના ચાંદખેડામાં પંજાબ એન્ડ સિંધ બેન્કની નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન થયું હતું.
પંજાબ એન્ડ સિંધ બેન્કની ગુજરાતની 24 બ્રાન્ચ હતી અને આજે 27 ફેબ્રુઆરીએ અમદાવાદના ચાંદખેડા અને વટવામાં વધુ બે નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન થયું છે. પંજાબ એન્ડ સિંધ બેન્કના એમડી અને સીઈઓ સ્વરૂપકુમાર સાહા બંને બ્રાન્ચનું ઉદ્દઘાટન કરવા અમદાવાદ આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પંજાબ એન્ડ સિંધ બેન્કની 24 બ્રાન્ચ હતી, હવે 26 થઈ ગઈ છે. આગામી એક મહિનામાં વધુ ચાર બ્રાન્ચ સાથે ગુજરાતમાં બ્રાન્ચની સંખ્યા 30 થશે. આવતા વર્ષે માર્ચ, 2025 સુધીમાં ગુજરાતમાં નવી 20 બ્રાન્ચ સાથે કુલ 50 બ્રાન્ચ ખોલવાનો લક્ષ્યાંક છે. આ સાથે જ દેશમાં 1600થી વધુ બ્રાન્ચ થઈ જશે. ચાંદખેડા બ્રાન્ચના ઉદ્દઘાટન વખતે એરિયા ઝોનલ મેનેજર અમિત નાગર અને બ્રાન્ચ મેનેજર દીપક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના ચાંદખેડા બ્રાન્ચનું ઉદ્દઘાટન કરી રહેલા એમડી અને સીઈઓ સ્વરૂપ કુમાર સાહા (જમણે), એરિયા ઝોનલ મેનેજર અમિત નાગર (વચ્ચે) અને બ્રાન્ચ મેનેજર દીપક શર્મા (ડાબે)
બેન્કનો બિઝનેસ 2 લાખ કરોડને વટી ગયો
પંજાબ એન્ડ સિંધ બેન્કના એમડી અને સીઈઓએ ચાંદખેડા બ્રાન્ચના ઉદ્દઘાટન સમયે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી બેન્કનો બિઝનેસ 2 લાખ કરોડથી પણ આગળ વધી ગયો છે. માર્ચ 2026 સુધીમાં બ્રાન્ચનું નેટવર્ક 2,000 શાખાને વટાવી જશે. બેંક અત્યારે દેશના 319 જિલ્લામાં કાર્યરત છે. દેશના ખૂણે ખૂણા સુધી બેન્કનો વિસ્તાર કરવામાં આવશે. પંજાબ એન્ડ સિંધ બેન્કમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે અને આ જ તેનું પરિણામ છે. આગામી સમયમાં પણ બેન્ક દ્વારા ગ્રાહકોને તમામ પ્રકારની રાહત સાથેની ફેસેલિટી પૂરી પાડવામાં આવશે. હાલમાં પણ કરન્ટ એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા તદ્દન સરળ છે. ખાસ કરીને લોન મેળવવાની પ્રક્રિયા વધારે સરળ બનાવી છે. દરેક બ્રાન્ચમાં એટીએમ અને લોકરની સુવિધા રાખી છે. અમે ડિજિટલ બેન્કિંગને વધારે સરળ બનાવ્યું છે. બેંક તેના કોર બેંકિંગ સોલ્યુશન (CBS)ને અપગ્રેડ કરવાની પ્રક્રિયામાં છે જે ડિજિટલ પ્રોસેસને વધુ સરળ બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

પંજાબ એન્ડ સિંધ બેન્કની ચાંદખેડા બ્રાન્ચ
દરેક એટીએમ ઈ-સર્વેલન્સ પર મૂકાયા છે
બેન્કના એમડી અને સીઈઓ સ્વરૂપ કુમાર સાહાએ જણાવ્યું હતું કે, દેશમાં અમારી બેન્કના 1100 એટીએમ છે. બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થવા, ફ્રોડ થવા એ સૌથી વધારે જોખમી બનતું જાય છે. આ ફ્રોડ રોકવા ગ્રાહકે એલર્ટ રહેવું જરૂરી છે. કોઈને એટીએમ કાર્ડની ડિટેઈલ કે પીન શેર કરવા નહીં અને કોઈ અજાણી લિન્ક પર ક્લિક કરવું નહીં. ઉપરાંત અજાણી વ્યક્તિને બેન્કના ઓટીપી આપવા નહીં. ગ્રાહક ધ્યાન રાખે અને સાથેસાથે અમારી બેન્ક પણ સાયબર સિક્યોરિટીમાં મજબૂત બની રહી છે. અમે એવા એકાઉન્ટ પર વોચ રાખીએ છીએ જેમાં રોજેરોજ હજાર-બે હજારનું ટ્રાન્ઝેક્શન થતું હોય. રોજેરોજ વધારે રૂપિયાની લેવડ-દેવડ થતી હોય. આવા એકાઉન્ટ અમે ફ્રિઝ કરીને તપાસ કરીએ છીએ. એટીએમ પણ આધુનિક બનાવવામાં આવ્યા છે. તમામ એટીએમ ઈ-સર્વેલન્સ પર મૂકાયા છે. ઈ-સર્વેલન્સ એટલે એટીએમમાં કોઈ ચોર ઘૂસે અને સાયરનનો વાયર કાપે તો બેન્કના ઝોનલ મેનેજર, બ્રાન્ચ મેનેજર અને નજીકના પોલીસ સ્ટેશનમાં મેસેજ અને ઈમેલ પહોચી જાય છે. તરત એલર્ટ થઈને ચોરને પકડી શકાય છે. હવે આગળના સમયમાં AI ટેકનોલોજી પણ બેન્કિંગ સેક્ટરમાં બહુ ઉપયોગી સાબિત થશે.
બેન્કનું રેટિંગ AA સ્ટેબલ સુધી પહોચી ગયું
ચાંદખેડા બ્રાન્ચના મેનેજર દીપક શર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે, પંજાબ એન્ડ સિંધ બેન્કની સ્થિતિ એક સમયે કથળી હતી પણ ભારત સરકારે બેન્કનો હાથ ઝાલી લેતાં બેન્કની સતત પ્રગતી થઈ રહી છે. પંજાબ એન્ડ સિંધ બેન્ક એ હવે ભારત સરકારનો ઉપક્રમ છે. બેન્ક પ્રી-લોડ રિકવરી અને તમામ લોન લેનારાઓને ડેટ સર્વિસિંગની વિશેષ ફેસિલીટી આપે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે અર્નિંગ, એસેટ ક્વોલિટી અને કેપિટલ પોઝિશનમાં સતત સુધારાને પગલે બેન્કનું રેટિંગ AA ‘નેગેટિવ’માંથી AA ‘સ્ટેબલ’માં અપગ્રેડ કર્યું છે. બેન્કના ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ (NPAs)માં ઘણો સુધારો થયો છે. 31 માર્ચ, 2023ના રોજ 6.97 ટકા અને 31 માર્ચ, 2022ના રોજ 12.17 ટકાની સરખામણીમાં 30 જૂન, 2023એ એસેટ ગુણવત્તામાં 6.80 ટકા સુધારો થયો છે.
કોણે શરૂ કરી પંજાબ એન્ડ સિંધ બેન્ક?
વર્ષ 1908માં ભાઈ વીર સિંહ, સર સુંદર સિંહ મજીઠિયા અને સરદાર ત્રિલોચન સિંહ જેવા સ્વપ્નદ્રષ્ટાને દેશના ગરીબમાં ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો વિચાર આવ્યો, ત્યારે પંજાબ એન્ડ સિંધ બેંકનો જન્મ થયો. તેમને પંજાબના લોકો તરફથી ઘણું સન્માન મળ્યું. બેંકની સ્થાપના સામાજિક પ્રતિબદ્ધતાના સિદ્ધાંતો પર કરવામાં આવી હતી જેથી સમાજના નબળા વર્ગના લોકોના આર્થિક ઉત્થાન દ્વારા જીવનધોરણ ઊંચું આવે. 100થી વધુ વર્ષો પછી પણ, પંજાબ એન્ડ સિંધ બેંક તેના સ્થાપકોની સામાજિક પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવાના રસ્તે છે.