29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના બે મુખ્ય આરોપી વિકી અને સાગરને આજે (બુધવારે) મુંબઈની ફોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
29 એપ્રિલે થયેલી સુનાવણીમાં સ્પેશિયલ MCOCA જજ એ.એમ. પાટીલે બંનેને 8મી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
હવે બુધવારે બંને આ કેસમાં ચોથી વખત કોર્ટમાં હાજર થશે. હાજર થવા દરમિયાન પોલીસ હજુ થોડા દિવસ રિમાન્ડની માગણી કરી શકે છે.
આ ઉપરાંત મંગળવારે રાજસ્થાનમાંથી ધરપકડ કરાયેલા પાંચમા આરોપીને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
આ કેસમાં પ્રથમ વિકી અને સાગરની ધરપકડ કરવામાં આવી હતી. બંને શૂટરોને મુંબઈ પોલીસે ગુજરાતમાંથી પકડ્યા હતા
પાંચમો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે આ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ કરી હતી. મોહમ્મદ રફીક ચૌધરી તરીકે ઓળખાતા આરોપીની રાજસ્થાનમાં અટકાયત કરવામાં આવી હતી.
વીડિયો શૂટ કરીને અનમોલ બિશ્નોઈને મોકલવામાં આવ્યો હતો
ચૌધરીએ શૂટિંગના બે દિવસ પહેલા જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ 12 એપ્રિલના રોજ અભિનેતાના ઘરે ફરીને એક વીડિયો શૂટ કર્યો હતો અને તેને અનમોલ બિશ્નોઈને મોકલ્યો હતો.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના આદેશ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
સલમાનના ઘરે ફાયરિંગ બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે તેને મળવા પહોંચ્યા હતા. શિંદે સલમાનના પિતા સલીમ ખાનને પણ મળ્યા હતા
શૂટ આઉટ માટે બિશ્નોઈ પાસેથી ફંડ મળ્યું હતું
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચૌધરીએ શૂટઆઉટ માટે બિશ્નોઈ પાસેથી ફંડ મેળવ્યું હતું. ચૌધરીએ શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તાને અનેક પ્રસંગોએ પૈસા આપ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગુપ્તા અને પાલને આ યોજનાને અમલમાં મૂકવા માટે કેટલા પૈસા મળ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૌધરી 8 એપ્રિલ અને 11 એપ્રિલે કુર્લામાં બંને શૂટર્સને મળ્યો હતો. ચૌધરીના ફોનમાંથી કેટલાક વધુ વીડિયો મળી આવ્યા છે જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે.
અનુજે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી
1 મેના રોજ, અનુજ થાપન નામના એક આરોપીએ મુંબઈ પોલીસની કસ્ટડીમાં બેડશીટથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. અનુજની આત્મહત્યાની તપાસ રાજ્યની સીઆઈડીને સોંપવામાં આવી છે. જોકે, થપનના ભાઈ અભિષેકે દાવો કર્યો હતો કે પોલીસે તેની હત્યા કરી છે. તે એવી વ્યક્તિ ન હતી જે આત્મહત્યા કરે.
મૃતકના વતન ગામના સરપંચ મનોજ ગોદરાએ આ મામલે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે એક તરફ સુપરસ્ટાર સલમાન ખાન છે તો બીજી તરફ મજૂરો છે. દબાણ હેઠળ, પોલીસે તેને મારી નાખ્યો અને આ ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી.
ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અનુજ અને સુભાષ ચંદરની પંજાબમાંથી 25 એપ્રિલે ધરપકડ કરી હતી. આ ઘટના માટે બંનેએ હથિયારો આપ્યા હતા. બંને ઘણા વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ સાથે કામ કરી રહ્યા હતા.
વિકી અને સાગરની આ પહેલી તસવીર સીસીટીવી કેમેરા દ્વારા સામે આવી હતી.
14 એપ્રિલે ફાયરિંગ થયું હતું
14 એપ્રિલના રોજ બાઇક પર સવાર બે આરોપીઓએ બોલિવૂડ અભિનેતાના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન પોતાના ઘરે હાજર હતો.
આરોપીઓ બે દિવસ બાદ ગુજરાતમાંથી ઝડપાયા હતા
બે દિવસ પછી, મુંબઈ પોલીસે સાગર પાલ અને વિકી ગુપ્તાની ગુજરાતના ભુજમાંથી અટકાયત કરી. બે અન્ય આરોપીઓ સોનુ સુભાષ ચંદર અને અનુજ થાપનની પણ ગયા મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી.