2 કલાક પેહલા
- કૉપી લિંક
વર્ષ- 2023 શાહરૂખ ખાનના નામે હતું. તેમની ફિલ્મ ‘પઠાન’ અને ‘જવાન’એ ઘણા જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યા છે. ‘ડંકી’ પણ ગ્લોબલ કલેક્શનમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશી ચૂકી છે. ‘પઠાન’ અને ‘જવાન’ એક્શન ફિલ્મો હતી. જ્યારે ‘ડંકી’ સોશિયલ ડ્રામા ફિલ્મ હતી. આ સ્થિતિમાં જો ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો શાહરુખ નવા વર્ષમાં એક્શન ફિલ્મોમાં પરત ફરશે. શાહરુખ ખાનની ત્રણ એક્શન ફિલ્મો વચ્ચે સ્પર્ધા છે. ચોથી ફિલ્મ પહેલાંથી જ સલમાન ખાન સાથે પાઇપલાઇનમાં છે. આ ચાર ફિલ્મો પહેલાં તેઓ તેમની પુત્રી સુહાના ખાનની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.
શાહરુખ દીકરી સુહાના ખાનની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે
‘ડંકી’ પછી શાહરુખની ત્રણ એક્શન ફિલ્મો વચ્ચે ટક્કર
ટ્રેડ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, આવતા વર્ષમાં શાહરુખ ખાનની એક્શન ફિલ્મો પ્રાયોરિટી લિસ્ટમાં ટોપ પર હશે. શાહરુખ પાસે ત્રણ એક્શન ફિલ્મો છે. જેમાંથી બે સાઉથના ડિરેક્ટરો સાથે બની શકે છે. સમાચાર છે કે, આ ફિલ્મો લોકેશ કનાગરાજ અને સંદીપ રેડ્ડી વાંગાની હોઈ શકે છે.
શાહરુખનું ‘જવાન’ ફેમ ડિરેક્ટર એટલી સાથે રિયુનિયન થવામાં સમય લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એટલી આવતા વર્ષે અલ્લુ અર્જુન સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, એટલીએ અગાઉ શાહરુખ ખાન અને વિજય થાલાપતિ સાથેની ફિલ્મની યોજના જાહેર કરી હતી. પરંતુ હવે હાલમાં એ વાત સામે આવી છે કે, શાહરુખ અને એટલી વચ્ચે એકસાથે બની રહેલી ફિલ્મમાં સમય લાગી શકે છે.
શાહરુખ ખાન દિગ્દર્શકો એટલી અને વિજય થાલાપતિ સાથે
એટલીની નજીકના લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એટલીની ટીમ આ દિવસોમાં વરુણ ધવનની ફિલ્મ’VD 18’માં વ્યસ્ત છે. ફિલ્મ’VD 18’નું 55 ટકાથી વધુ કામ હજુ બાકી હોવાથી એટલીની ટીમ નવા વર્ષમાં પણ વરુણ ધવનની ફિલ્મમાં વ્યસ્ત રહેવાની છે. એટલીની અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ પણ આવતા વર્ષે ‘પુષ્પા 2’ રિલીઝ થયા પછી જ શરૂ થશે.
શાહરુખ અને સંદીપ રેડ્ડી વાંગા પણ સાથે કામ કરી શકે છે
શાહરુખ અને ‘એનિમલ’ ફેમ સંદીપ રેડ્ડી વાંગા સાથે પણ આ ફિલ્મની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સંદીપે પોતે પણ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ સાથે કામ કરવાની પોતાની યોજના અને ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને ઓળખનારા લોકોએ કહ્યું કે, નવા વર્ષમાં સંદીપ પણ પ્રભાસ સાથેની આગામી ફિલ્મમાં વ્યસ્ત રહેશે. પ્રભાસ સ્ટારર આ ફિલ્મનું નામ ‘સ્પિરિટ’ છે. આ એક એક્શન જોનર ફિલ્મ હશે. સંદીપ રેડ્ડી શાહરુખ સાથે 90ના દાયકાની એક્શન જોનરની ફિલ્મ પણ અજમાવવા જઈ રહ્યો છે.
સંદીપે પોતાના ઇન્ટરવ્યૂમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, જો તેમને 90ના દશકનો શાહરુખ મળે છે તો તેનાથી ઉત્તમ બીજું કંઈ નહીં હોય. સ્વાભાવિક છે કે, જે રીતે સંદીપે સ્પેશિયલ ઈફેક્ટ્સની મદદથી ‘એનિમલ’માં રણબીર કપૂરને ટીનેજ લુક આપ્યો હતો, એ જ રીતે નિર્દેશક સંદીપ શાહરુખ સાથે પણ કંઈક આવું કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ તમામ અંગે ઓફિશિયલ જાહેરાત થવાની બાકી છે.
સુહાના ખાનની ફિલ્મમાં શાહરુખ કેમિયો કરતો જોવા મળશે
સુહાના ખાનની આગામી થ્રિલર ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો કન્ફર્મ થઈ ગયો છે. આ ફિલ્મમાં સુહાના એક ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે. શાહરુખ ખાન તેના હેન્ડલરના રોલમાં હશે. હવે નવા વર્ષમાં યશરાજ તરફથી ‘ટાઈગર’ વિરુદ્ધ ‘પઠાન’ને લઈને બીજી થિયરી છે. ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે, યશરાજમાં જોનર્સને તોડીને એક જ જોનરની ફિલ્મોમાંથી ગેપ લેવાની પરંપરા છે. આવી સ્થિતિમાં સ્પાય યુનિવર્સનો ‘ટાઈગર’ વર્સીસ ‘પઠાન’ નવા વર્ષમાં જ બનશે. શક્ય છે કે યશરાજ નવા વર્ષમાં સૌથી પહેલાં ‘ધૂમ 4’ લોન્ચ કરી શકે છે. તેમાં વિલન માટે અક્ષય કુમાર અને શાહરુખ ખાનના નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
વિલનની ભૂમિકા ભજવીને સ્ટાર્સને ફાયદો થયો છે
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈતિહાસમાં કલાકારો વિલનની ભૂમિકા ભજવીને સ્ટારડમ મેળવતા આવ્યા છે. આ કારણથી દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, શાહરૂખ, રિતિક અને આમિર ખાન સહિત બધાએ વિલનની ભૂમિકા ભજવી છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ બોબી દેઓલનું છે. ‘એનિમલ’માં તેની નેગેટિવ લીડની ઘણી ચર્ચા થઇ હતી. અમુક અંશે, ‘જવાન’માં શાહરુખની ભૂમિકા એન્ટી-હીરો જેવી હતી – જે સિસ્ટમને સુધારવા માટે કાયદો પોતાના હાથમાં લે છે. આવી સ્થિતિમાં શાહરુખનો વિલન અવતાર લાંબા સમય બાદ ‘ધૂમ 4’માં જોવા મળશે તેવી આશા છે. જોકે, શાહરુખ ખાન અને પ્રોડક્શન હાઉસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.