અમદાવાદ3 કલાક પેહલાલેખક: ઇલેક્શન ડેસ્ક
- કૉપી લિંક
લોકસભાની ચૂંટણી માટે દેશમાં હાલ મત ગણતરી ચાલી રહી છે ત્યારે દિવ્ય ભાસ્કરે દેશમાં ભાજપની ટોપ-20 બેઠક કઇ છે અને ત્યાંના ઉમેદવાર કેટલી લીડ મેળવી રહ્યા છે તેનું એનાલિસિસ કર્યું. આ એનાલિસિસમાં રસપ્રદ વાત એ સામે આવી કે આખા દેશમાં ભાજપ જે 20 બેઠક પર લીડ મેળવી રહ્યો તેમાંથી 9 બેઠક તો ફક્ત ગુજરાતની જ છે જ્યારે બાકીની બેઠક અલગ-અલગ રાજ્યોની છે. લીડની આ ગણતરીમાં સૌથી આગળ ઇન્દોરના ભાજપના ઉમેદવાર શંકર લલવાણી ચાલી રહ્યા છે કારણ કે ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ભાજપને લીડની દ્રષ્ટિએ દેશમાં અમિત શાહ લીડ બીજા ક્રમે ચાલી રહ્યા છે. જ્યારે સી.આર.પાટીલનો ત્રીજો ક્રમ છે. 12 વાગ્યાના સુધીના આંકડા પ્રમાણે અમિત શાહને 2.80 લાખ મતની લીડ અને સી.આર.પાટીલને 2.57 લાખ મતની લીડ મળી ચૂકી છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને પોતાની અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મળી રહ્યું તેવું હાલ લાગી રહ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક 5 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ તે ટાર્ગેટ હાલમાં સિદ્ધ થતો હોય તેમ નથી લાગી રહ્યું. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલ ચૂૂંટણી લડ્યા છે. અમિત શાહ અને પાટીલે 75 ટકા વોટ શેર મેળવ્યો છે.
અમિત શાહ 2019માં પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડ્યા
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પરથી સતત ચૂંટાતા હતા તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ 2019માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા. આ ચૂંટણીમાં તેમણે 8 લાખ 94 હજાર 624 મત મેળવ્યા હતા. તેમણે 5 લાખ 57 હજાર 014 મતની લીડથી જીત મેળવી હતી. તેમને મળેલો વોટ શેર 69.67 ટકા હતો.
1997માં અમિત શાહ પહેલી ચૂંટણી લડ્યા
1997માં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને કુલ 76 હજાર 839 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં તેમણે 24 હજાર 482 મતની લીડ મેળવી હતી. એ સમયે અમિત શાહને 56.10 ટકા વોટ શેર મળ્યો હતો.

અમિત શાહની લીડ સતત વધતી ગઇ
1998માં અમિત શાહ સરખેજ બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા. જેમાં તેમને 1 લાખ 93 હજાર 373 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં 1 લાખ 32 હજાર 477 મતની લીડથી તેમની જીત થઇ હતી. તેમને 69.81 ટકા વોટ શેર મળ્યો હતો. 2002માં સરખેજ બેઠક પરથી અમિત શાહ ફરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા. આ વખતે તેમને 2 લાખ 88 હજાર 327 મત મળ્યા હતા. તેમણે 66.98 ટકા વોટ શેર સાથે 1 લાખ 58 હજાર 036 મત મેળવ્યા હતા. 2007માં પણ અમિત શાહ સરખેજ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડ્યા. આ વખતે તેમણે 4 લાખ 7 હજાર 659 મત મેળવ્યા હતા. તેમની લીડ 2 લાખ 35 હજાર 823 મતની હતી અને વોટ શેર 68 ટકા હતો.
2012માં અમિત શાહ વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડ્યા
નવા સીમાંકન બાદ સરખેજ વિધાનસભા બેઠકનું અસ્તિત્વ ન રહ્યું. નારણપુરા બેઠક અસ્તિત્વમાં આવતાં અમિત શાહે 2012માં આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેમને 1 લાખ 3 હજાર 988 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે 69.19 ટકા વોટ શેર સાથે 63 હજાર 335 મતની લીડથી વિજય મેળવ્યો હતો. 2012ની આ ચૂંટણી અમિત શાહની વિધાનસભાની છેલ્લી ચૂંટણી હતી. 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બની તે પછી અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
મોદી અને અમિત શાહ જે પહેલી ચૂંટણી લડ્યા તે પેટા ચૂંટણી હતી
નરેન્દ્ર મોદી અને અમિત શાહના રાજકીય જીવનમાં આમ તો ઘણી બધી સામ્યતા હશે પરંતુ એક સામ્યતા એ પણ છે કે આ બન્ને નેતાઓએ પોતાની જે પ્રથમ ચૂંટણી લડી હતી તે પેટા ચૂંટણી હતી. નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2001માં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રાજકોટ-2 બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આવી જ રીતે અમિત શાહ પણ વર્ષ 1997માં વિધાનસભાની જે પહેલી ચૂંટણી લડ્યા હતા તે પણ પેટા ચૂંટણી જ હતી.

PM મોદી અને અમિત શાહની ફાઇલ તસવીર
સી.આર.પાટીલની લીડમાં સતત વધારો થતો ગયો
અમિત શાહ અને સી.આર.પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા તેમ તેમ તેમની લીડ વધતી ગઇ. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટાતા રહ્યા છે. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો.
નવસારી બેઠકનું 2009થી 2019નું ચિત્ર
2009માં સી.આર.પાટીલને 4 લાખ 23 હજાર 413 મત મળ્યા હતા. તેમણે 55.89 ટકા વોટ શેર સાથે 1 લાખ 32 હજાર 643 મતની લીડ મેળવી હતી. 2014માં પણ તેમણે નવસારી બેઠક પરથી જ ચૂંટણી લડી હતી અને 8 લાખ 20 હજાર 831 મત મેળવ્યા હતા. એ સમયે તેમને 5 લાખ 58 હજાર 116 મતની લીડ મળી હતી અને તેમનો વોટ શેર 70.72 ટકા હતો. 2019ની વાત કરીએ તો તેમણે 9 લાખ 72 હજાર 739 મત મેળવ્યા હતા. પાટીલને 6 લાખ 89 હજાર 668 મતની લીડ મળી હતી. પાટીલને મળેલો વોટ શેર 74.37 ટકા હતો.
