થોડા દિવસ પહેલાં વિસાવદરના મોટી મોણપરી ગામે ખેડૂત મહા સંમેલન યોજાયું હતું. આમ તો આ સંમેલન આમ આદમી પાર્ટીએ યોજ્યું હતું અને મુદ્દો હતો ઇકો સેન્સિટિવ ઝોનનો પણ અહીં એક વ્યક્તિની હાજરી સૌ કોઇને ઉડીને આંખે વળગી. એ વ્યક્તિ એટલે ભાજપના જ નેતા અને વિસાવદરના
.
હર્ષદ રીબડિયાએ પોતાના જ પક્ષની સરકારના નિર્ણય વિરૂદ્ધ યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત રહીને એવી એવી વાતો કરી કે લોકો ઘડીભર તો વિચારતા થઇ ગયા કે હર્ષદ રીબડિયા ભાજપમાં છે કે નથી?રીબડિયાના આ નિવેદન પછી દિવ્ય ભાસ્કરે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો અને આપના નેતાઓ સાથે એક મંચ પર હાજરી, ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, વિસાવદરની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં કરેલી PIL સહિતના અનેક મુદ્દે વાતચીત કરી હતી.
આખો ઇન્ટરવ્યૂ વાંચો….
સવાલઃ વિસાવદરના મોટી મોણપરી ગામે તમે આપના નેતાઓ સાથે એક મંચ પર દેખાયા, શું ભાજપથી તમારો મોહભંગ થઇ ગયો છે? જવાબઃ ના, ના. જરાય નહીં. હું ભાજપમાં જ છું. પાર્ટી સાથે એવું કંઇ છે જ નહીં. આમાં ભાજપ કે રાજકારણ નથી, મારા ખેડૂતો માટેની લડત છે. આ લડતમાં તમામ પક્ષના અનેક રાજકીય લોકો છે જ.
સવાલઃ તમે અગાઉ પક્ષપલટા બાબતે કહી ચૂક્યા હતા કે સિંહ ખડ ન થાય. હવે તમે ભાજપમાં છો અને ત્યાંથી અણગમો છતો થયો છે, આ મૂંઝવણમાં તમે કોઈ ફેરવિચારણા કરી રહ્યા છો? જવાબઃ ના. કોઇ અણગમો નથી. હું ભાજપમાં જ છું. કોઇ ફેરવિચારણા કરવાની વાત નથી.
સવાલઃ ઇકો ઝોન મુદ્દે આપના આગેવાનોને તમે જાહેરમાં ટેકો આપ્યો છે તો શું એવું માનીએ કે તમે હવે આપમાં જશો? જવાબઃ ના, હું ક્યાંય નથી જવાનો. કોઇને ટેકો આપ્યો જ નથી. મેં મારા ખેડૂતોને ટેકો આપ્યો છે.
સવાલઃ તમે તો ભાજપના નેતા છો પણ આમ આદમી પાર્ટીના સંમેલનમાં હાજરી આપી એટલે શું ભાજપ તરફથી તમને કોઇ ઠપકો મળ્યો છે? જવાબઃ પક્ષે કોઇ ઠપકો નથી આપ્યો. પક્ષના ધ્યાનમાં મૂકવાની વાત છે. પક્ષનો રોલ લોકોના હિત માટે જ હોય છે. ખેડૂતોના હિત માટે લડીએ તો શું કામ ઠપકો મળે? કોઇ ઠપકો નથી મળ્યો.
સવાલઃ કોંગ્રેસમાં હતા ત્યારે તમે તેજ નેતા હતા, બંદૂક લઇને દીપડા મારવા નીકળતા હતા. હવે ભાજપમાં આવ્યા પછી શાંત કેમ થઇ ગયા છો? જવાબઃ શાંત પડ્યો નથી. ભાજપમાં હોવા છતાંય હું ઇકો ઝોન મુદ્દે જાહેર મંચ પરથી બોલ્યો છું કે ખેડૂત માટે લડીશ. ફરી મેં માથે ફાળિયું પહેરી જ લીધું છે.
સવાલઃ શું ભાજપવાળા બોલવા નથી દેતા એવું છે? જવાબઃ પાર્ટીમાં ધ્યાન દોરવાથી કોઇ કશું કરતું નથી. પાર્ટીમાં સ્થાનિક લેવલે અમને રાખ્યા હોય તો સ્થાનિક મુદ્દાઓ પર અમે સમયાંતરે રજૂઆત કરતા જ હોઇએ છીએ. પાર્ટીનું ધ્યાન દોરવાનું જ હોય છે. પક્ષમાં બોલવાની કોઇ મનાઇ હોતી જ નથી.
સવાલઃ શું તમને લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇકો ઝોનના નામે લાઇમલાઇટમાં આવવા માગે છે? જવાબઃ રાજકરણ નથી કરવું. માત્ર ખેડૂતની વાત છે.
સવાલઃ આમ આદમી પાર્ટીના ખેડૂત મહા સંમેલનમાં તમે કહ્યું હતું કે હું 2016થી આ કાયદાનો વિરોધ કરતો હતો. હવે તો તમે ભાજપમાં છો તો શું તમારી પાર્ટી જ તમારૂં કહ્યું નથી માનતી? જવાબઃ પાર્ટીને ખબર જ છે કે વર્ષોથી મારી લડત છે. હું ખેડૂત નેતા છું. સરકારનું ધ્યાન દોરવાનું હોય. મોટી પાર્ટી છે, ધ્યાન દોરતા રહેવું પડે અને સરકાર પણ હિત ઇચ્છે છે. ચોક્કસ સારા પરિણામ આવશે. આ કેસ માં વનવિભાગનો મોટો રોલ હોય છે. એ માપણી અને નકશા બનાવી દિલ્હીમાં મોકલતા હોય છે. મારી લડત સરકાર સામે નહીં પણ વન વિભાગ સામે છે.
સવાલઃ તમને નથી લાગતું કે ઇકો ઝોન મુદ્દે વિરોધ કરવામાં તમે મોડા જાગ્યા છો? આ પહેલા દિલીપ સંઘાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા તો ક્યારનાય વિરોધ કરી ચૂક્યા છે. તમે આટલા મોડા જાગ્યા તેનું કારણ શું? જવાબઃ હું વર્ષોથી લડત ચલાવું છું. કોંગ્રેસમાં હતો ત્યારે આ મુદ્દે લડી ચૂક્યો છું. મારી લડત માત્ર ખેડૂતો માટે છે, સરકારનો વિરોધ નથી. કોઇ રાજકારણ નથી. હું અત્યારે જાગેલો નથી, વર્ષોથી જાગેલો જ છું. મેં અનેક વખત આ મુદ્દે લડત કરેલી જ છે. આજકાલનો વિરોધ નથી.
સવાલઃ ઇકો ઝોન બાબતે અગાઉ કોને રજૂઆત કરી હતી ત્યાંથી તમને કેવા પ્રત્યુત્તર મળ્યા? જવાબઃ અગાઉ વન વિભાગને રજૂઆત કરેલી છે, સિનીયર લોકોને પણ કરેલી છે. બધા ખેડૂતોનું હિત ઇચ્છતા હોય છે. સૌ સારા વાના થશે પણ લડવું પડે.
સવાલઃ શું તમે ભાજપ કે ગુજરાત સરકારને ઇકો ઝોન બાબતે કોઈ અલ્ટિમેટમ આપી રહ્યા છો? જવાબઃ સરકારનો કોઇ રોલ જ નથી. વન વિભાગનો રોલ છે. તેની સામે લડત છે. હજુ લડીશું, સભા કરીશું, રેલી યોજીશું અને ખેડૂતોનો અવાજ બનીશુ. સરકારને અલ્ટિમેટમ આપવાનો કોઇ સવાલ જ નથી.
સવાલઃ તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ઇકો ઝોનની શું ચર્ચા થતી હતી? જવાબઃ એ સમયે હું વિપક્ષમાં હતો. એ સમયે પણ ક્યારેય ભાજપ, કોંગ્રેસ કે રાજકારણ કર્યું જ નથી. માત્ર ખેડૂતો માટે લડ્યા છીએ. ભાજપમાં છું તો પણ ખેડૂતો માટે લડું છું અને કોંગ્રેસમાં હતો તે સમયે પણ ખેડૂતો માટે લડ્યો છું.
સવાલઃ તમને રાજકીય કે બિઝનેસની રીતે ઇકો ઝોનની પાછળનું શું ગણિત લાગે છે? કોને લાભ પહોંચાડવા માટે આટલી કડકાઇથી નિર્ણય લેવાયો હોઇ શકે? જવાબઃ આમાં એક જ ગણિત છે કે વન વિભાગ મોટો રહે. વન વિભાગ ખેડૂતો પાસે એવી આશા રાખે છે કે ખેડૂતો વારંવાર તમામ મંજૂરી લેવા અમારી પાસે આવે. ખેડૂત કઇ રીતે વારંવાર વન વિભાગ પાસે જાય અને કેટકેટલી પરમિશન લે? બિઝનેસની દ્રષ્ટિએ બીજો કોઇ હેતુ નથી. આમાં માત્ર ખેડૂતોને વન વિભાગના ધક્કા ખવડાવવાની વાત છે. આના લીધે વિસાવદર કે તેની આજુબાજુ કોઇ મોટી ફેક્ટરી નથી આવતી, કોઇ કારખાના નથી ખુલતા. કોઇ મોટા પ્રોજેક્ટ નથી થતા, સરખી ખેતી નથી થતી. જેના કારણે વિકાસ અટકી પડ્યો છે.
સવાલઃ વિસાવદર વિધાનસભાની ચૂંટણી મામલે તમે હાઇકોર્ટમાં PIL કરેલી છે એ કેસનું શું સ્ટેટસ છે? જવાબઃ હાઇકોર્ટની મેટર છે. ન્યાય તંત્ર માટે કોઇ કોમેન્ટ ન હોય. સમયની રાહ જોવાની.
સવાલઃ મોણપરીની સભામાં ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં એવું કહ્યું હતું કે હર્ષદ રીબડિયાએ આ PIL પાછી ખેંચી લેવી જોઇએ. જો તમે આ વાત માની લો તો શું આગામી ચૂંટણીમાં તમે જ આપના ઉમેદવાર હશો? જવાબ: ના, આપમાં કોઈ જવાનું નથી.
સવાલઃ ભૂપત ભાયાણી પણ હવે તો ભાજપમાં આવી ગયા છે. તમે અને ભૂપત ભાયાણી એક જ પક્ષમાં છો તેમ છતાં તમે કેમ PIL પાછી નથી ખેંચતા? જવાબઃ હાઇકોર્ટની મેટર છે એટલે નો કૉમેન્ટ.
સંમેલનમાં રીબડિયાએ શું કહ્યું હતું? ગોપાલ ઇટાલિયા, કરસન ભાદરકા, પ્રવીણ રામ જેવા આપના નેતાઓની આગેવાની યોજાયેલા સંમેલનમાં હર્ષદ રીબડિયાએ પણ સંબોધન કર્યું હતું. તેના મુખ્ય મુદ્દા આ છે.
રીબડિયાએ કહ્યું કે, ઘણા કહેતા હતા મને કે હર્ષદભાઇ હટી ગયો લાગે છે, હમણાં દેખાતો નથી. આ ફાળિયું પાછું બાંધ્યું હો… જંગલ ખાતાના અધિકારીઓને કહેજો કે અમે વિધાનસભામાં આ જ ફાળિયું બાંધી ફોરેસ્ટ ખાતાના પગ નીચેથી ધૂળ સરકાવવાનું કામ કરતા હતા. ટિકિટ નથી લેવી. હવે રાજનીતિમાં બહુ ઇન્ટરેસ્ટ નથી પણ ખેડૂતના કામમાં રસ છે. હું અહીંયા એટલા માટે આવ્યો છું કે રાજનીતિ અને પક્ષ પછી પણ પહેલાં જગતનો તાત હોવો જોઇએ. લડાઇ કરવી પડે તો કરવી પડે. આપણે ઇકો હટાવવું જ હોઇને તો આ ગુજરાતના અને બીજા બધાને છોડી દઇએ. દિલ્હી જઇએ અને વડાપ્રધાનનો ટાઇમ લઇએ. ખેડૂતને જો અન્યાય થશે ને તો ખેડૂતના દીકરા તરીકે હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડીશ. આપ સૌને મારી વિનંતી છે કે આ આગેવાનો (આપના નેતાઓ) જ્યાં બોલાવે ત્યાં ઇકો મુદ્દે જ્યાં જવું પડે ત્યાં જજો. આગેવાનો લડે તેને મારો સંપૂર્ણ ટેકો છે.
આ પણ વાંચો
‘ગુજરાતમાં BJP-કોંગ્રેસના હાઇકમાન્ડ જ ફૂટેલા’, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ઇન્ટરવ્યૂ