– વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.87 લાખનું રોકાણ કરાવી નફો દર્શાવ્યો હતો
– નફો વિડ્રો કરવા વધુ પૈસાની માંગણી કરી ઠગાઈ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો
સુરત, : સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફાઈનાન્સ કંપનીના મેનેજરે શેર માર્કેટમાં વળતરની લાલચે રૂ.59.87 લાખ ગુમાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.મેનેજરે વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.87 લાખનું રોકાણ કરાવી નફો દર્શાવી બાદમાં નફો વિડ્રો કરવા વધુ પૈસાની માંગણી કરી ઠગાઈ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના ઘોડોદોડ રોડ વિસ્તારમાં રહેતા 57 વર્ષીય રવિકુમાર ( નામ બદલ્યું છે ) ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.ગત 17 એપ્રિલના રોજ તેમણે વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એફએચઆઈ ઇન્વેસ્ટર્સ ( ટીચીંગ ગ્રુપ ) વીઆઈપી 903 માં એડ કરાયા હતા.તેની એડમીન રીચા સેઠી હતી અને તેમાં શેરમાર્કેટને લગતી ટીપ્સ આપવામાં આવતી હતી.થોડા દિવસ સુધી રવિકુમારે ટીપ્સનું એનાલીસીસ કર્યું હતું,બાદમાં રીચાએ એક લીંક મોકલતા તે શેરમાર્કેટમાં રોકાણ અંગેના ઓનલાઈન ક્લાસમાં જોઈન થયા હતા.ત્યાર બાદ રીચાએ રવિકુમારને વધુ એક લીંક મોકલી ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી હતી.
તેમાં તેમનું યુઝર આઈડી-પાસવર્ડ બનાવી રીચાએ બાદમાં આઈપીઓ અને શેરમાં ટુકડે ટુકડે કુલ રૂ.59.87 લાખનું રોકાણ કરાવ્યું હતું.આઈડીમાં નફો નજરે ચઢતો હોય રવિકુમારે પૈસા વિડ્રો કરવા પ્રયાસ કરતા તેમને વધુ રકમ ભરવા કહ્યું હતું.આથી પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે તેમ લાગતા રવિકુમારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી.તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો હતો,વધુ તપાસ પીઆઈ એન.આર.પટેલ કરી રહ્યા છે.