વડોદરા, તા.12 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળી ધુળેટીના તહેવારનો અનુલક્ષીને શહેરમાં ધાણી, ખજૂર, ચણા, હારડા, સેવ, ખારીસીંગ, પનીર વગેરેનું જ્યાં વેચાણ થાય છે ત્યાં ૨૭ દુકાનો અને લારીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની કોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમ આજ સવારથી શહેરના ફતેપુરા, પાણીગેટ, નિઝામપુરા, વાડી, ચોખંડી વગેરે વિસ્તારમાં દુકાનો પર જઈને ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ૬૦ કિલો જથ્થામાં ફ્રાઈમ્સ (ભૂંગળા) સેવ (કુરડાઈ)નો નાશ કરવામાં આવ્યો હતો અને નોટિસ ફટકારી હતી. ખજૂરના પેકેટોનું પણ ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દુકાનદારોને ખુલ્લામાં છૂટક ખજૂર, હારડા અને રંગવાળી સેવ વગેરે નહીં વેચવા તાકીદ કરવામાં આવી છે. જે ૭૨ નમૂના લીધા હતા. આની સાથે સાથે ઘી, મીઠાઈ, નમકીન અને ખાદ્યતેલનું પણ ચેકિંગ કર્યું હતું અને નમૂના લીધા હતા.
આ ઉપરંત વારસિયા, હુજરાત પાગા, સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી સુગર બોઈલ કન્ફેક્શનરીના (ચોકલેટ) ૧૫ નમૂના લીધા હતા. જ્યારે મકરપુરા જીઆઈડીસી, ખોડિયારનગર ચાર રસ્તા, છાણી જકાતનાકા, સંગમ ચાર રસ્તા, દાંડિયાબજાર, સંસ્થા વસાહત, હરણકાના રોડ, કલાદર્શન ચાર રસ્તા, સરદાર ભવનનો ખાંચો વગેરે સ્થળેથી પનીર અને ડેરી પ્રોડક્ટના ૨૧ નમૂના તપાસ માટે લીધા હતા. તમામ નમૂના લેબોરેટરીમાં ચકાસવા મોકલી આપ્યા હતા.