image : Freepik
Vadodara Traffic Police : સમગ્ર ગુજરાતની સાથે વડોદરામાં પણ આકરી ગરમી પડી રહી છે. બપોરના સમયે શહેરમા નીખલું પણ મુશ્કેલ બન્યુ છે. તો હવામાન વિભાગે ચાર દિવસ હીટ વેવની આગાહી કરી છે. ત્યારે વડોદરાના વાહનચાલકોને રાહત આપવા શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોનો ગરમીથી બચાવ થાય તેને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો આજથી બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે કેટલાક નાના જંકશન ઉપર ટ્રાફિક સિગ્નલો કાર્યરત રહેશે.
ગરમીથી બચવાના ઉપાય કરવા
ગરમીમાં બપોરના સમયે વધુ વખત તાપમાં રહેવાથી લૂ લાગવાના અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. પરિણામે બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ થઈ જતા હોય છે. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલો પર વધુ સમય વાહનો ઉભું રાખવું હિતાવહ નથી. જેથી શહેરીજનોની સુખાકારી માટે અને ગરમીથી બચાવના ઇરાદે આજથી મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે આમ છતાં વાહનચાલકોએ શિસ્ત ભંગ કરીને અકસ્માત થાય એવી રીતે વાહન ચલાવવું નહીં.
ટ્રાફિકના અન્ય નિયમોનું કરવું પડશે પાલન
આ ઉપરાંત ગરમીમાં ગોગલ્સ પહેરવા જોઈએ અને હેલ્મેટના કાયદાનો ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે. વાહનચાલકોએ અકસ્માતો થાય એવી રીતે વાહન હંકારવું નહીં કે જેથી પોલીસને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડે. પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનચાલકોએ વ્યવસ્થિત રીતે વાહન ચલાવવું જોઈએ. જોકે બપોરના સમયે મોટાભાગે વાહન વ્યવહાર મુખ્ય માર્ગો પર ઓછો હોય છે, છતાં પણ ટ્રાફિક નિયમોનું અચૂક પાલન કરીને શિસ્ત જાળવવા પણ શહેર પોલીસ કમિશનરે અનુરોધ કર્યો છે.
ગરમી વધશે તો શેડ બાંધવામાં આવી શકે
જોકે એટલા જ નાના રસ્તાઓ પરના ટ્રાફિક સિગ્નલો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જે ચાલુ રહેતા ગ્રાફિક સિગ્નલો પર વાહન વ્યવહાર વધુ જણાશે તો લોક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સિગ્નલો પર તંબુ બાંધવાનો નિર્ણય પણ આગામી દિવસોમાં લેવાઈ શકે છે.