21 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સરકાર વિદ્યાર્થીઓને દબાવવા માટે તેમની સામે સતત કાર્યવાહી કરી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અત્યાર સુધીમાં 150થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે વિરોધ પ્રદર્શન દરમિયાન, એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીના એક પોલીસકર્મીએ વિરોધ કરી રહેલી મહિલા પ્રોફેસરને જમીન પર પટકી ધરપકડ કરી હતી.
અમેરિકન મીડિયા હાઉસ સીએનએનએ તેનો વીડિયો જાહેર કર્યો છે. મહિલા પ્રોફેસરની ઓળખ કેરોલિન ફોહલિન તરીકે થઈ છે. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ એક પ્રદર્શનકારીને જમીન પર પટકીને તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલામાં જ પ્રોફેસર કેરોલીન ત્યાં આવે છે. તે સમયે એક પોલીસકર્મી તેમની પાસે આવે છે. કેરોલિનને જમીન પર પછાડે છે અને તેને હાથકડી લગાવે છે.
કેરોલિન (સફેદ કપડામાં)ને પોલીસકર્મી પકડે છે તે ક્ષણ ફૂટેજમાં જોઈ શકાય છે.
દરમિયાન, ગુરુવારે પ્રિન્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળની વિદ્યાર્થિની અચિંત્ય શિવલિંગમની પણ ધરપકડ કરવામાં આવી હતી. શિવલિંગમને યુનિવર્સિટીમાંથી પ્રતિબંધિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિવર્સિટીની ચેતવણી છતાં શિવલિંગમ અને તેના મિત્રો યુનિવર્સિટીના મેકકોશ કોર્ટયાર્ડમાં પ્રદર્શન માટે તંબુ લગાવી રહ્યા હતા.
એક તસવીરમાં કેટલાક વિદ્યાર્થીઓ કાશ્મીરના પોસ્ટરો સાથે જોવા મળે છે. પોસ્ટરમાં લખ્યું છે, ‘આસ્ક મી અબાઉટ કાશ્મીર’ એટલે કે કાશ્મીર વિશે મને પૂછો.
કોલંબિયા યુનિવર્સિટીમાં કાશ્મીરના પોસ્ટર સાથે બેઠેલા વિદ્યાર્થીઓ
કોણ છે અચિંત્ય શિવલિંગમ?
અચિંત્ય શિવલિંગમનો જન્મ તમિલનાડુના કોઈમ્બતુરમાં થયો હતો. બાદમાં તે અમેરિકાના કોલંબસ શહેરમાં ગઈ. શિવલિંગમ હાલમાં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં માસ્ટર ઓફ પબ્લિક અફેર્સ (MPA) કરી રહી છે. આ પહેલા તેણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી વર્લ્ડ પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી હતી. આ સિવાય તે હાર્વર્ડ લો સ્કૂલમાં ઈન્ટર્ન પણ હતી.
એટલું જ નહીં, શિવલિંગમે સેન્ટર ફોર પોલિસી રિસર્ચમાં ભારતમાં જમીનના અધિકારો અને નીતિઓ પર પણ કામ કર્યું છે.
તે હવે પ્રિન્સટન ખાતે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહી છે. આ સમગ્ર ઘટના પર ભારતમાં હાજર યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ કહ્યું કે દરેકને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. આનાથી કોઈને પણ ખતરો ન હોવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ છે. અમેરિકા માને છે કે મંતવ્યો વ્યક્ત કરવા જોઈએ, પરંતુ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના. જો કોઈ તેમની મર્યાદા ઓળંગે છે, તો તે અસ્વીકાર્ય છે અને તેના પરિણામો આવશે.
આ તસવીર ભારતીય મૂળના વિદ્યાર્થી અચિંત્ય શિવલિંગમની છે.
પ્રદર્શનકારીઓ ફ્રી પેલેસ્ટાઈનના પોસ્ટરો સાથે યુનિવર્સિટીમાં તંબુ લગાવી રહ્યા છે.
અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રદર્શન, ભારતની નજર
અમેરિકન યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શનો પર ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે (25 એપ્રિલ) સાપ્તાહિક બ્રીફિંગમાં, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે દરેક લોકશાહીમાં “અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના, જાહેર સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.”
જયસ્વાલે કહ્યું હતું કે “આપણે બધાને આપણે ઘરે શું કરીએ છીએ તેના આધારે નક્કી કરવામાં આવે છે, વિદેશમાં આપણે શું કહીએ છીએ તેના પર નહીં.” ભારત અમેરિકન યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે. ભારતીય દૂતાવાસ ભારતના વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. જ્યારે પણ કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર પડશે ત્યારે ભારત તેના પર વિચાર કરશે.
પ્રદર્શનની તસવીરો…
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાએ ગ્રેજ્યુએશન સેરેમની રદ કરી
અમેરિકાની સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીએ વધી રહેલા વિરોધને જોતા તેનો ગ્રેજ્યુએશન સેરેમની રદ કરી છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, તેઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. લોસ એન્જલસ પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે (24 એપ્રિલ) રાત્રે યુનિવર્સિટીમાં પ્રદર્શન દરમિયાન પેશકદમી કરવા બદલ 90થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ તસવીર સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીની છે, જ્યાં ગ્રેજ્યુએશન સેરેમની વિના ડિગ્રી આપવામાં આવી હતી.
હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ સોમવારે (22 એપ્રિલ) પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. યુનિવર્સિટીએ તે વિદ્યાર્થીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે જેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા. યુનિવર્સિટીએ વિવિધ સ્થળોએ બેનરો પણ લગાવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને પરવાનગી વિના કેમ્પસમાં ટેન્ટ કે ટેબલ ન ગોઠવવા જણાવ્યું છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. કેમ્પસની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
ઇમર્સન કોલેજમાં 108ની, એનવાયયુમાં 133ની ધરપકડ
બોસ્ટન પોલીસના જણાવ્યા અનુસાર ઇમર્સન કોલેજના કેમ્પમાંથી 108 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય બુધવારે પોલીસે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી 133 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. તમામને અવ્યવસ્થિત વર્તનના આરોપમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ સાથે મુક્ત કરવામાં આવ્યા છે.
ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી 133 પ્રદર્શનકારીઓની ધરપકડ.
વિદ્યાર્થીઓની માંગ
- કોલંબિયા યુનિવર્સિટીથી લઈને ન્યૂ યોર્ક યુનિવર્સિટી સુધી, પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા સંગઠનો માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટીઓ ઈઝરાયેલથી નફો કરતી કંપનીઓમાંથી દૂર થાય.
- ન્યુયોર્ક યુનિવર્સિટી ખાતેના દેખાવોનું નેતૃત્વ એનવાયયુ પેલેસ્ટાઈન સોલિડેરિટી કોએલિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે યુનિવર્સિટીનું તેલ અવીવ કેમ્પસ બંધ કરી દેવામાં આવે કારણ કે અહીં પેલેસ્ટિનિયન વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.
- યેલ ખાતેના દેખાવકારોએ યુનિવર્સિટીને ઇઝરાયેલ માટે લશ્કરી શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓમાંથી અલગ થવાનું કહે છે.