8 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે યુક્રેને રશિયામાં ઘુસીને પોતાના હુમલા તેજ કર્યા છે. યુક્રેનની સેના રશિયન સરહદની અંદર 10 કિમી સુધી પહોંચી ગઈ છે. ટાસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રશિયન પ્રાંત કુર્સ્કના ગવર્નર એલેક્સી સ્મર્નોવે કહ્યું કે હુમલાને જોતા 76 હજાર લોકોએ તેમના ઘર છોડી દીધા છે.
બીબીસી મુજબ, 1 હજારથી વધુ યુક્રેનિયન સૈનિકો, 20 બખ્તરબંધ વાહનો અને 11 ટેન્ક સાથે રશિયામાં ઘુસ્યા છે. તેમણે ઘણા ગામો કબજે કર્યા છે. તેમનું આગામી લક્ષ્ય સુદજા શહેર હોવાનું કહેવાય છે. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી યુક્રેન તરફથી આ સૌથી મોટો પલટવાર છે.
યુક્રેનિયન સૈનિકોએ રશિયન ગામડાઓ પર કબજો કર્યા બાદ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. (સ્ક્રીન ગ્રેબ)
યુક્રેને 15 રશિયન લશ્કરી વાહનોનો ખાતમો કર્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રશિયાના ઓક્ટાબ્રાસ્કો શહેરમાં 15 સૈન્ય વાહનોના કાફલાને નુકસાન કરેલ દેખાય છે. આ શહેર રશિયન સરહદથી લગભગ 38 કિમી દૂર છે. બીબીસીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે. હુમલાને જોતા રશિયાએ કુર્સ્કમાં અનેક ટેન્ક અને રોકેટ લોન્ચર મોકલ્યા છે. વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે પહેલીવાર રશિયા પર હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે.
ઝેલેન્સકીએ કહ્યું, “અમારી સેના યુદ્ધને રશિયાની ધરતી પર લઈ જઈ રહ્યા છે. તેઓએ સાબિત કર્યું છે કે તેઓ આક્રમણકારો પર જરૂરી દબાણ લાવવામાં સક્ષમ છે.” યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ સૈનિકોનો આભાર માન્યો હતો.
રશિયાના કુર્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાની ધમકી
યુક્રેનિયન હુમલાને કારણે કુર્સ્ક પ્રાંતમાં પરમાણુ પાવર પ્લાન્ટ જોખમમાં છે. આ પ્લાન્ટ સુદજા શહેરથી લગભગ 60 કિમી દૂર છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ચીફ રાફેલ ગ્રોસીએ ચેતવણી જાહેર કરી છે. તેમણે બંને દેશોને સાવચેતી રાખવા અપીલ કરી છે જેથી કરીને પરમાણુ દુર્ઘટનાને અટકાવી શકાય.
અગાઉ 8 ઓગસ્ટના રોજ યુક્રેનિયન સૈનિકો ઘુસ્યા બાદ કુર્સ્ક-ઓબ્લાસ્ત પ્રાંતમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. યુક્રેને રશિયાના લિપેટ્સક પ્રાંતમાં સરહદથી 300 કિમી દૂર એક એરફિલ્ડને પણ ડ્રોન વડે નિશાન બનાવી હતી. આ લશ્કરી એરફિલ્ડ રશિયન ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને 700થી વધુ શક્તિશાળી ગ્લાઇડ બોમ્બનો બેઝ હતો.
રશિયાએ યુક્રેનની સેનાને રોકવા માટે અનેક સશસ્ત્ર વાહનો અને રોકેટ લોન્ચર મોકલ્યા છે.
યુક્રેને રશિયન એરફિલ્ડને નિશાન બનાવ્યું હતું
રશિયાએ આ એરફિલ્ડનો ઉપયોગ સુખોઈ અને મિગ જેવા ફાઈટર એરક્રાફ્ટ ચલાવવા માટે કર્યો હતો. હુમલા બાદ રશિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે યુક્રેનના 75થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. તેમાંથી 19 લિપેટ્સ્ક પ્રાંતમાં હતા.
મહત્વપૂર્ણ રશિયન ગેસ પાઇપલાઇન્સ તે વિસ્તારમાં આવેલી છે જ્યાં યુક્રેનિયન સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. રશિયા આ પાઈપલાઈન દ્વારા કુદરતી ગેસનું પરિવહન કરે છે.