52 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
ચીન બાદ વિશ્વમાં કુદરતી મધનું બીજું સૌથી મોટું ઉત્પાદક તુર્કી છે પરંતુ તાજેતરમાં આવેલા સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તુર્કીના મધમાં ખાંડ સહિત અનેક હાનિકારક પદાર્થોની ભેળસેળ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે થોડા મહિનામાં લગભગ 25 મિલિયન યુરોનું ભેળસેળયુક્ત મધ જપ્ત કર્યું છે.
ભેળસેળની આ રમત ફક્ત તુર્કીમાં જ નથી. ભારતમાં પણ મધમાં મોટા પાયે ભેળસેળ થાય છે. જાહેર હિત માટે કામ કરતી જાણીતી સંસ્થા ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ’ (CSE)એ વર્ષ 2020માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ મુજબ, દેશની ઘણી મોટી બ્રાન્ડના મધમાં ભેળસેળ જોવા મળી હતી.
કુદરતી મધ આપણા સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે, ભેળસેળવાળું મધ તેટલું જ નુકસાનકારક છે. આ સ્થિતિમાં ભેળસેળયુક્ત મધની ઓળખ કરવી ખૂબ જરુરી છે.
તો ચાલો, આજના ‘કામના સમાચાર‘માં મધ વિશે વિગતવાર વાત કરીએ. સાથે એ પણ જાણીશું કે-
- ભેળસેળયુક્ત મધ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
- ભેળસેળયુક્ત મધની ઓળખ કેવી રીતે કરી શકાય?
નિષ્ણાત: અનુ અગ્રવાલ, ડાયટિશિયન અને ‘વનડાયટટુડે’ના ફાઉન્ડર
પ્રશ્ન: મધમાં કઈ વસ્તુઓ ભેળવવામાં આવે છે?
જવાબ: ભેળસેળયુક્ત મધ સામાન્ય રીતે તેના દેખાવ, રંગ અને સ્વાદમાં કુદરતી મધ જેવું જ હોય છે. વધુ નફો મેળવવા માટે ભેળસેળ કરનારાઓ તેમાં અનેક પ્રકારની વસ્તુઓ ભેળવે છે. સૌથી સામાન્ય ભેળસેળ ખાંડ અથવા ખાંડના દ્રાવણ સાથે થાય છે. ઉપરાંત ગ્લુકોઝ સિરપ, હાઇ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, પાણી, ગોળ અથવા સ્ટાર્ચ સિરપ ઉમેરવામાં આવે છે.
પ્રશ્ન: ભેળસેળયુક્ત મધ ખાવાથી શું થાય?
જવાબ: નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભેળસેળયુક્ત મધ ખાવાથી બ્લડ શુગર વધે છે, જે ડાયાબિટીસ અને મેદસ્વિતા તરફ દોરી શકે છે. તે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. તેનાથી સૌથી વધુ લિવરને અસર થાય છે, ત્યારબાદ કિડની, હૃદય અને મગજ પર અસર થાય છે.
ભેળસેળયુક્ત મધમાં ખાંડ સહિત અન્ય ઘણી વસ્તુઓ નાખેલી હોય છે, જે પાચનતંત્ર પર ખરાબ અસર કરી શકે છે. તેનાથી ડાયાબિટીસના દર્દીઓને વધુ સમસ્યા થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો માટે તે એલર્જીનું કારણ પણ બની શકે છે. તેનાથી ચામડી પર ફોલ્લીઓ, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ભેળસેળયુક્ત મધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેને નીચે આપેલા ગ્રાફિકથી સમજીએ-

પ્રશ્ન – ભારતમાં મધમાં ભેળસેળની સ્થિતિ શું છે?
જવાબ: ભારત સૌથી વધુ મધનું ઉત્પાદન કરતા ટોચના પાંચ દેશોમાં સામેલ છે. દેશમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2000 માં ‘નેશનલ બી બોર્ડ’ ની રચના કરવામાં આવી હતી. જો કે, અહીં પણ મધમાં ભેળસેળના સમાચાર વારંવાર પ્રકાશમાં આવે છે.
‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ’ (CSE) એ ડિસેમ્બર 2020માં દેશમાં અનેક બ્રાન્ડેડ મધનું પરીક્ષણ કર્યું હતું. તેમાં ઘણી પ્રખ્યાત બ્રાન્ડનું મધ પરીક્ષણમાં નિષ્ફળ ગયું હતું. CSEની તપાસમાં આ કંપનીઓના મધમાં 77% ભેળસેળ જોવા મળી હતી. જોકે, કંપનીઓએ દાવો કર્યો હતો કે, તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના ધોરણોને પૂર્ણ કરી રહી છે.
પ્રશ્ન: ભેળસેળયુક્ત મધ કેવી રીતે ઓળખી શકાય?
જવાબ: સાચું મધ ઘટ્ટ હોય છે અને ધીમે ધીમે વહે છે, જ્યારે ભેળસેળયુક્ત મધ પાતળું હોય છે અને ઝડપથી વહે છે. શુદ્ધ મધમાં એક અલગ પ્રકારની મીઠાશ હોય છે. ભેળસેળવાળું મધ ઘણીવાર સાદું અથવા વધુ પડતું મીઠું હોય છે. વાસ્તવિક મધમાં મીઠી અને ફૂલોની સુગંધ હોય છે. ભેળસેળયુક્ત મધમાં ઘણીવાર સુગંધ હોતી નથી. FSSAI એ મધનું પરીક્ષણ કરવાની કેટલીક સરળ રીતો આપી છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન: મધ ખરીદતા પહેલા શું ધ્યાનમાં રાખવું?
જવાબ- બજારમાં શુદ્ધ મધની સાથે ભેળસેળયુક્ત મધ પણ વેચાય છે, તેથી ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. તેનાથી તમે શુદ્ધ અને સારી ગુણવત્તાનું મધ ખરીદી શકશો. આ માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખો. જેમ કે-
- મધના લેબલ પર આપેલી વિગતો ધ્યાનથી વાંચો. જો તેમાં ખાંડ, કોર્ન સિરપ, અથવા અન્ય કોઈ ભેળસેળ હોય, તો તે ખરીદશો નહીં.
- ભારતમાં વેચાતા મધ પર FSSAIનો લોગો હોવો જોઈએ, જે નિર્ધારિત ધોરણોનું પાલન દર્શાવે છે.
- મધનો રંગ ફૂલોના પ્રકાર અને સ્ત્રોતના આધારે આછા પીળાથી ઘેરા ભૂરા રંગનો હોઈ શકે છે. રંગમાં વધુ પડતી ચમક ભેળસેળની નિશાની હોઈ શકે છે.
- શુદ્ધ મધ ઘટ્ટ અને ચીકણું હોય છે. જો તે ખૂબ પાતળું કે પાણી જેવું લાગે, તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.
- શુદ્ધ મધમાં, જે ફૂલોમાંથી બન્યું હોય, તેની હળવી સુગંધ હોય છે. જો તેમાં ગંધ ન હોય અથવા અકુદરતી ગંધ હોય તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે.
- ખૂબ સસ્તું મધ ખરીદવાનું ટાળો. શુદ્ધ મધ બનાવવા માટે ઘણો ખર્ચ થતો હોવાથી તેની ગુણવત્તા શંકાસ્પદ હોઈ શકે છે.

પ્રશ્ન- શું છૂટક મધ ખરીદવું જોઈએ?
જવાબ: ડાયટિશિયન અનુ અગ્રવાલ કહે છે કે, સ્થાનિક મધુમાખી ઉછેર કરનારાઓ પાસેથી મધ ખરીદવું એક સારો વિકલ્પ છે. જોકે, તેમની પાસેથી ખરીદતા પહેલા સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો.
પ્રશ્ન: ભેળસેળયુક્ત મધ અંગે ક્યાં ફરિયાદ કરાય?
જવાબ: જો તમને કોઈપણ દુકાન કે બ્રાન્ડના મધમાં ભેળસેળ અંગે કોઈ શંકા હોય, તો તમે FSSAIના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તમે સંબંધિત વિભાગમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.
ઉપરાંત, દરેક રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)નો એક અલગ વિભાગ હોય છે. તમે તમારા રાજ્યની FDA ઓફિસની મુલાકાત લઈને અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. આ અંગે જિલ્લા વહીવટીતંત્ર અથવા પોલીસને પણ ફરિયાદ કરી શકો છો. જો આરોપો સાચા સાબિત થશે, તો કંપની અને દુકાન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.