25 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાતા જ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ બની છે. કોંગ્રેસે ગુરુવારે સવારે એક મિટિંગ બોલાવી હતી, જેમાં 5 ઘારાસભ્યો પહોંચ્યા નહોતા. મળતી માહિતી મુજબ મિટિંગમાં નહી આવેલા ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે.
અશોક ચૌહાણ સમર્થિત 3 MLA પહોંચ્યા નહીં
કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં નહીં પહોંચેલા 5 પૈકી 3 ધારાસભ્યો અશોક ચૌહાણની નજીક માનવામાં આવે છે અને તેઓ નાંદેડના જ છે. મરાઠવાડાના આ વિસ્તારમાં અશોક ચૌહાણનો સારો પ્રભાવ માનવામાં આવે છે. જીતેશ અંતપુરકર, મોહન હમબરડે, માધવરાવ પવાર જવલગાંવકર આ ધારાસભ્યો મિટિંગમાં પહોંચ્યા નથી, જેમને અશોક ચૌહાણના ખાસ માનવામાં આવે છે.
અન્ય 3 ધારાસભ્યો પહોંચ્યા નહીં
આ ધારાસભ્યોની સાથે બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ મિટિંગમાં નથી પહોંચ્યા. બાબા સિદ્દીકી હાલમાં અજીત પવારની NCPમાં જોડાઇ ગયા છે. મુંબઇના અન્ય એક ધારાસભ્ય અસલમ શેખ પણ મિટિંગમાં નથી પહોંચ્યા. તો કોંગ્રેસની અન્ય એક ધારાસભ્ય સુલભ ખોડકે પણ બેઠકમાં ન પહોંચી. જે અમરાવતી બેઠક પરથી ધારાસભ્ય છે. મળતી માહિતી મુજબ તે પણ જલદી જ NCPમાં જોડાઇ શકે છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે તેમણે પહેલેથી જ બેઠકમાં હાજર નહીં રહેવા અંગે મંજૂરી મેળવી હતી. જ્યારે 4 ધારાસભ્ય મિટિંગમાં ન પહોંચ્યા હોવાની વાતનો પાર્ટીએ સ્વીકાર કર્યો છે.
કોંગ્રેસે બેઠક બોલાવી હતી
કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ચંદ્રકાન્ત હાંદોરેના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આ બેઠક બોલાવવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસ પણ આ બેઠકના માધ્યમથી જાણવા માગતી હતી કે તેમની સાથે કેટલા ધારાસભ્યો છે અને કેટલા ધારાસભ્યો ચૌહાણની સાથે ભાજપમાં જઇ શકે છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે
નાના પટોલેએ કહ્યું તમામ ધારાસભ્યો એકજૂટ
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેનું કહેવું છે કે પાર્ટીના તમામ ધારાસભ્યો એકજૂટ છે. જો કે આ વાત 27 ફેબ્રુઆરીએ થનારી રાજયસભાની ચૂંટણીમાં સ્પષ્ટ થઇ જશે કે કોણ કોંગ્રેસ સાથે છે?.
અશોક ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે
અગાઉ મંગળવારે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારથી જ ચર્ચા છે કે તેમની સાથે અંદાજે એક ડઝન જેટલા ધારાસભ્યો જઇ શકે છે. જોકે ચૌહાણનું કહેવું છે કે તેમને કોઇ ધારાસભ્યને પોતાની સાથે આવવા માટે નથી કહ્યું.