1 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂર આ નામ કોંગ્રેસની પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ દિગ્ગજોના નામ જાહેર કરી પાર્ટીમાં અને ભાજપને એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ આ યાદીથી એવું કહેવા માગી રહી છે કે તે આ ચૂંટણીને કોઇપણ ભોગે હલકામાં નહી લે. અને સાથે જ સિનિયર નેતાઓને પણ મેસેજ અપાઇ રહ્યો છે કે ચૂંટણી મેદાનમાં પરસેવો પાડ્યા વિના પક્ષમાં કોઇ પણ મહત્વની રાજકીય ભૂમિકા મળશે નહીં. તો આવો જાણીએ કે કોંગ્રેસના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પાછળ શું છે રાજકીય ગણિત…
પ્રથમ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજોને સ્થાન
આવો સૌપ્રથમ જાણીએ કે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં કયા નેતાઓને સ્થાન આપ્યું છે. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચે) મોડી સાંજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 39 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડશે, જ્યારે શશિ થરૂર તિરુવનંતપુરમથી અને કેસી વેણુગોપાલ અલપ્પુઝા સીટથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવ સીટથી, તામ્રધ્વજ સાહુને મહાસમુંદ સીટથી, જ્યોત્સના મહંતને કોરબા સીટથી અને ડીકે સુરેશને કર્ણાટકની બેંગલુરુ (ગ્રામીણ) સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતરવું જ પડશે
લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. કોંગ્રેસ એક પછી એક બે લોકસભા ચૂંટણી હારી ગઇ છે અને અત્યારે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. અને એટલે જ લોકસભાની ચૂંટણી લડવામાં ખચકાટ અનુભવતા રાષ્ટ્રીય સ્તરના જ નહીં પરંતુ રાજ્યના સિનિયર નેતાઓને પણ કોંગ્રેસ નેતૃત્વ આ વખતે કોઇ છૂટ આપવા માંગતું નથી. અને એ રણનીતિ હેઠળ જ ઉમેદવારોની પ્રથમ યાદીમાં કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને તામ્રધ્વજ સાહુ જેવા નેતાઓને લોકસભાની ટિકિટ આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ વખતે પાર્ટીના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતરવું જ પડશે.
જીતની સંભાવના વધુ હોય તેવા ચહેરાઓ પર દાવ
કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ અને તામ્રધ્વજ સાહુના નામની પસંદગીની પાછળ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું સમગ્ર ધ્યાન એવા ચહેરાઓ પર દાવ લગાવવાનું છે કે જેમની જીતની સંભાવના વધુ હોય. 2024 લોકસભાની ચૂંટણીની લડાઈ માત્ર ચૂંટણી લડાઈ જ નથી પણ પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવાની લડાઇ પણ છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સાથે સંપૂર્ણ તાકાત સાથે સ્પર્ધા કરતી જોવા મળે તે જરૂરી બની ગયું છે. આ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી જંગમાં ઉતરે તે જરૂરી બન્યું છે.
સિનિયર નેતાઓને ચૂંટણીમાં ઉતારવા પાછળનું ગણિત
હકીકતમાં, 2024ની ચૂંટણી કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. આ જ કારણ છે કે કોંગ્રેસ દરેક સમાધાન કરી રહી છે અને કોઈ અવકાશ છોડવા માંગતી નથી, કારણ કે તે જાણે છે કે આ વખતે જો તે 50 આસપાસ સીટો સુધી મર્યાદિત રહેશે તો તેની વાપસી કરવી મુશ્કેલ બનશે. એક પછી એક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ બદલાતા રાજકીય સંજોગોમાં કોંગ્રેસ દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માંગે છે, કારણ કે દિગ્ગજોની એન્ટ્રીથી કોંગ્રેસની જીતની શક્યતાઓ વધી રહી છે.
સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ
કોંગ્રેસની પ્રથમ યાદીમાં ઘણા રાજકીય સંદેશ
લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસની પ્રથમ યાદીમાં ઘણા રાજકીય સંદેશ છે. પાર્ટીએ ઘણી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસે જે રીતે પોતાના ઉમેદવારોની પસંદગી કરી છે તેના પરથી લાગે છે કે તેણે સમાજના દરેક વર્ગ અને વયજૂથના લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, ખાસ કરીને પછાત અને અન્ય પછાત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે આ યાદી યુવા અને અનુભવી નેતાઓનું સરસ મિશ્રણ છે. આ યાદીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને ભૂપેશ બઘેલ જેવા ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે.
તો આવો જાણીએ કે કોંગ્રેસ આ યાદીથી શું સંદેશો આપવા માંગે છે.
કેસી વેણુગોપાલના માધ્યમથી સંગઠનના નેતાઓને આડકતરો સંદેશ
કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. આમાં કેસી વેણુગોપાલનું નામ પણ સામેલ છે. તેઓ કેરળના અલપ્પુઝાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી લડીને કેસી વેણુગોપાલે પાર્ટીની અંદર એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે સંગઠનમાં જવાબદાર હોદ્દા પર રહેલા ટોચના નેતાઓએ ચૂંટણી લડવાથી દૂર રહેવું જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓએ સંગઠનાત્મક જવાબદારીના બહાને ચૂંટણી લડવામાં રસ દાખવ્યો ન હતો.
જ્ઞાતિનું સમીકરણ સાધવાનો પ્રયાસ
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરુવારે મળેલી બેઠકમાં યાદીમાં સામેલ 39 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. યાદીમાં જનરલ કેટેગરીના 15 ઉમેદવારો છે. 24 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના છે. પાર્ટી તેના દ્વારા OBC,SC-ST અને લઘુમતી વોટ બેંક પર ફોક્સ કરી રહી હોય તેવો સંદેશ આપવા માંગે છે.
યાદીમાં દરેક વયજૂથના ઉમેદવારો પર ફોકસ
કોંગ્રેસની આ યાદીમાં 12 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમરના છે, 8 ઉમેદવારો 50-60 વયજૂથના છે. 12 ઉમેદવારો 61-70 વર્ષની વય જૂથના છે અને 7 ઉમેદવારો 71-76 વર્ષની વય જૂથમાં છે.
દક્ષિણ ભારત પર ફોકસ, પરંતુ કેરળ પર વિશેષ ધ્યાન
કોંગ્રેસની યાદીમાં સૌથી વધુ 16 ઉમેદવારો કેરળના છે. કોંગ્રેસ કેરળની કુલ 20 લોકસભા સીટોમાંથી 16 સીટો પર ચૂંટણી લડશે. સાથી પક્ષો 4 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. આ સિવાય કોંગ્રેસે છત્તીસગઢમાં 6, કર્ણાટકમાં 7, તેલંગાણામાં 4, મેઘાલયમાં 2 અને લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં 1-1 સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કેરળમાં કોંગ્રેસે તેના 14 વર્તમાન લોકસભા સાંસદોને રિપિટ કર્યા છે.
રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે
તો આવો જાણીએ કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં કયા 5 દિગ્ગજોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ લોકસભામાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લી ચૂંટણીમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અમેઠીમાં તેમને ભાજપની સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી. આ વખતે તે અમેઠીથી પણ ચૂંટણી લડશે કે નહીં તે પ્રશ્ન પર પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
કેસી વેણુગોપાલ રાજ્યસભાના સાંસદ અને સંગઠન મહાસચિવ
કેસી વેણુગોપાલ કેરળની અલપ્પુઝા બેઠક પરથી ચૂંટણી લડશે. હાલમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે અને તેમની પાસે કોંગ્રેસના સંગઠન મહાસચિવના પદની જવાબદારી છે. તેઓ 1996, 2001 અને 2006માં અલપ્પુઝા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. 2009માં, તેમણે અલપ્પુઝાથી લોકસભાની ચૂંટણી લડી, જેમાં તેઓ સારા માર્જિનથી જીત્યા. તેઓ યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન અને ઉર્જા મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.
ભૂપેશ બઘેલ છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
છત્તીસગઢની રાજનાંદગાંવ સીટ પરથી ભૂપેશ બઘેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 1993માં પ્રથમ વખત પાટણથી મધ્યપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા અને બાદમાં તે જ બેઠક પરથી પાંચ વખત જીત્યા હતા. નવેમ્બર 2000માં છત્તીસગઢ રાજ્યની રચના પછી, તેઓ છત્તીસગઢ વિધાનસભાના સભ્ય બન્યા. 2003ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી પાટણથી ધારાસભ્ય બન્યા. 2008ની ચૂંટણીમાં તેઓ પાટણ વિધાનસભા બેઠક હારી ગયા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ રાયપુરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2013ની ચૂંટણીમાં તેઓ ફરીથી પાટણ વિધાનસભા બેઠક પરથી જીત્યા. તેઓ ઓક્ટોબર 2014થી જૂન 2019 સુધી કોંગ્રેસના છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
તાજેતરમાં જ શશિ થરૂરને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું
કોંગ્રેસ નેતા શશિ થરૂરને તિરુવનંતપુરમથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ 2009થી આ સીટ પર સાંસદ છે. જાણીતા લેખક અને રાજદ્વારીમાંથી રાજનેતા બનેલા શશિ થરૂરને તાજેતરમાં જ ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું. ફ્રેન્ચ દૂતાવાસમાં એક સમારોહમાં ફ્રેન્ચ સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચર દ્વારા થરૂરને પ્રતિષ્ઠિત એવોર્ડ ‘શેવેલિયર ડી લા લીજન ડી’ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સની સેનેટ સ્પીકર લાર્ચરે કહ્યું કે, ડૉ.થરૂર પણ ફ્રાન્સના સાચા મિત્ર છે. શશિ થરૂરે ઉમેદવાર બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું, “હું સન્માનિત અને નમ્ર અનુભવું છું કે કોંગ્રેસ પાર્ટીએ મને મારી સીટ બચાવવાની તક આપી છે. હું નિષ્પક્ષ અને અસરકારક હરીફાઈની રાહ જોઈ રહ્યો છું. તેમણે કહ્યું હતું કે 15 વર્ષની રાજનીતિમાં તેઓએ ક્યારેય નકારાત્મક પ્રચાર માટે એક દિવસ પણ ફાળવ્યો નથી.
કમલનાથ, દિગ્વિજયસિંહ
કમલનાથ, દિગ્વિજયસિંહ, જીતુ પટવારી પર ચૂંટણી લડવાનું દબાણ
કોંગ્રેસના આ દિગ્ગજોના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી અન્ય સંગઠનના અને રાજ્યના સિનિયર નેતાઓ પર ચૂંટણી લડવાનું દબાણ વધશે. કોંગ્રેસે જે રીતે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં દિગ્ગજ નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે તેનાથી તેનો સંદેશ સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ, દિગ્વિજયસિંહથી લઈને જીતુ પટવારી જેવા સિનિયર નેતાઓ પર લોકસભાની ચૂંટણી લડવાનું દબાણ થશે.
સચિન પાયલટ, અશોક ગેહલોત
અશોક ગેહલોત પર જોધપુરથી ચૂંટણી લડવા દબાણ
તો રાજસ્થાનમાં, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર તેમના ગૃહ જિલ્લા જોધપુરથી અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી પર જયપુર ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડવાનું દબાણ વધ્યું છે. એ જ રીતે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પર પણ ચૂંટણી લડવાનું દબાણ છે.
રણદીપ સિંહ સુરજેવાલા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી સેલજા
રણદીપ સિંહ સુરજેવાલા, કુમારી સેલજા અને કિરણ ચૌધરી શું કરશે?
હરિયાણામાં વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આગામી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ પાર્ટી નેતૃત્વ તેમના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાને રોહતક બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. એ જ રીતે સિનિયર નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા, કુમારી સેલજા અને કિરણ ચૌધરી પર ચૂંટણી લડવા માટે દબાણ વધી રહ્યું છે.
નાના પટોલે, બાલાસાહેબ થોરાત, મુકુલ વાસનિક
નાના પટોલે, બાલાસાહેબ થોરાત, મુકુલ વાસનિકને મળી શકે ટિકિટ
મહારાષ્ટ્રમાં પણ પાર્ટી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, સિનિયર નેતાઓ બાલાસાહેબ થોરાત, માણિકરાવ ઠાકરે, કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક અને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે.
દિલ્હીમાં પણ જૂના જોગીઓ પર દાવ
દિલ્હીમાં કોંગ્રેસને I.N.D.I.A ગઠબંધન હેઠળ લોકસભાની ત્રણ બેઠકો મળી છે. ચાંદની ચોક સીટથી જેપી અગ્રવાલ, અલકા લાંબા, સંદીપ દીક્ષિત, ઉત્તર પશ્ચિમથી ઉદિત રાજ, રાજેશ લિલોથિયા, રાજકુમાર ચૌહાણ અને ઉત્તર પૂર્વથી અરવિંદર લવલી, રાગિણી નાયક અને સંદીપ દીક્ષિતના નામ સ્ક્રીનિંગ કમિટીએ મોકલ્યા છે. આ રીતે કોંગ્રેસ દિલ્હીમાં પણ અગ્રણી ચહેરાઓને મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે.
ઉત્તર પ્રદેશમાં સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ
ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસે તેના ઘણા સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવી છે, જેમાં પીએલ પુનિયાથી લઈને પ્રદીપ માથુર સુધીના નામ સામેલ છે. જોકે, પુનિયા ઈચ્છે છે કે તેમના બદલે તેમનો પુત્ર ચૂંટણી લડે.
પૂર્વ CM, DYCMના ભાઇ અને અભિનેતાની પત્ની ચૂંટણી મેદાનમાં
કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના ભાઈ અને અભિનેતાની પત્ની જેવા દિગ્ગજ નેતાઓ પર દાવ લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને યાદીમાં સ્થાન મળ્યું છે, જ્યારે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ અને કન્નડ અભિનેતા શિવ રાજકુમારની પત્ની ગીતા શિવ રાજકુમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પરથી સ્પષ્ટ છે કે આ વખતે કોંગ્રેસની નેતાગીરી ચૂંટણી મેદાનમાં પરસેવો પાડ્યા વિના સિનિયર નેતાઓને મહત્વની રાજકીય ભૂમિકા આપવાના મૂડમાં નથી.