પંચકુલા30 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંચકુલામાં EDની ટીમે માઈનિંગ કંપનીના માલિકના ઘરે દરોડા પાડ્યા છે. ઘરની બહાર અર્ધલશ્કરી દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
હરિયાણાના પંચકુલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે એક માઈનિંગ કંપની પર દરોડા પાડ્યા છે. આ દરોડા 3 સ્થળોએ પાડવામાં આવ્યા હતા. EDએ એક સાથે તિરુપતિ માઈનિંગ કંપનીના માલિક પ્રદીપ ગોયલ અને ગુરપ્રીતના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.
પંચકુલાના સેક્ટર 4નું મકાન નંબર 139 પ્રદીપ ગોયલનું હોવાનું કહેવાય છે. સેક્ટર 4નું મકાન નંબર 1666 તેના ભાગીદાર ગુરપ્રીતનું છે. આ સિવાય EDના અધિકારીઓ સેક્ટર 9 સ્થિત તિરુપતિ માઈનિંગ કંપનીની ઓફિસે પણ પહોંચી ગયા છે.
પ્રદીપ હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાના નજીકના હોવાનું કહેવાય છે. તે સ્પીકરના ભત્રીજા અમિત ગુપ્તા સાથે નજીકથી કામ કરે છે. 2022માં ગ્રામજનોએ પ્રદીપ ગોયલ વિરુદ્ધ રત્તેવાળી ગામમાં ગેરકાયદેસર માઈનિંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યમુનાનગરના પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેમના એક સહયોગીની ED દ્વારા સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.
આના થોડા દિવસ પહેલા EDએ 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જે બાદ યમુનાનગરના પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરમાંથી રૂપિયા 5 કરોડ રોકડા, સોનાના બિસ્કિટ, 5 ગેરકાયદેસર વિદેશી રાઇફલ, 300 જેટલા કારતૂસ અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ સિવાય EDએ સોનીપતમાં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર પર પણ દરોડા પાડ્યા હતા. જો કે, હાલમાં ત્યાંથી રિકવરી અંગે ED દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
યમુનાનગરમાં INLDના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરેથી ચલણી નોટોના બંડલ, હથિયારો અને સોનું મળી આવ્યું હતું.
પૂર્વ ધારાસભ્યના ઘર પર દરોડા 5 દિવસ સુધી ચાલ્યા
માઇનિંગ બિઝનેસ સાથે સંકળાયેલા પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરે EDના દરોડા 5 દિવસ સુધી ચાલ્યા હતા. EDની ટીમે દિલબાગ સિંહની સાથે તેના સહયોગી કુલવિંદર સિંહની પણ ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની ટીમે તેની લેન્ડ ક્રુઝર, સ્કોર્પિયો, 17 ચેકબુક અને પ્રોપર્ટીના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
આ ઉપરાંત દિલબાગ ઉપરાંત તેની પત્ની, ભાઈ અને ભાભીના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે, દિલબાગના ભાઈ રાજેન્દ્રએ કહ્યું કે આ બધું રાજકારણના કારણે થઈ રહ્યું છે. ઘરમાંથી રોકડ અને દાગીના મળી આવ્યા ન હતા.
ગેંગસ્ટર ભુપ્પી રાણા ગેંગ માઈનિંગમાં સક્રિય
પંચકુલાના રાયપુર રાની વિસ્તારમાં માઈનીંગ માફિયા ખૂબ જ એક્ટિવ છે. 2022માં, સેક્ટર 19 ક્રાઈમ બ્રાન્ચે રાયપુર રાણી નજીક બાલાજી ખાણ સાઇટ પર મજુરો પર ગોળીબાર કરવા બદલ ભૂપ્પી રાણા ગેંગના સભ્યની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ રાયપુર રાણીના રત્તેવાલી ગામમાં માઈનીંગ મામલે હોબાળો થયો હતો. જેમાં પ્રદીપ ગોયલનું નામ પણ સામે આવ્યું હતું. આ હોબાળામાં 10થી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.